રાવ, સી. રાધાકૃષ્ણ (જ. 10 સપ્ટેમ્બર 1920, હદગાલી, કર્ણાટક) : ભારતના પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી અને ગણિતજ્ઞ.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું. ત્યારબાદ તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંથી 1940માં બી.એ. (ઑનર્સ) થયા. તે પછી તેમણે કોલકાતા યુનિવર્સિટીમાં જોડાઈને 1943માં એમ.એ.ની ઉપાધિ મેળવી. વધુ અભ્યાસાર્થે તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 1948માં પીએચ.ડી. અને 1965માં ડી.એસસી.ની ઉપાધિ મેળવી.
સ્વદેશ પાછા ફરી આઈ.એસ.આઈ.(ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ)માં અધીક્ષક આંકડાશાસ્ત્રી તરીકે 1943-1949 સુધી સેવાઓ આપી. ત્યાં જ રહી 1949-1964 સુધી સૈદ્ધાંતિક સંશોધન વિભાગ અને પ્રશિક્ષણના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તે પછી પ્રશિક્ષણ સ્કૂલના 1964-1972 સુધી નિયામક અને 1972-76 સુધી નિયામક અને સચિવ રહ્યા. જવાહરલાલ નહેરુ પ્રૉજેક્ટનું કાર્ય 197484 સુધી સંભાળ્યું. રાષ્ટ્રીય પ્રાધ્યાપક તરીકે 1987-1992માં કામગીરી બજાવી. પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં 1988માં એડજંક્ટ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.
1953માં તેમને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી, 1958માં યુ.એસ.ની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅથેમૅટિકલ સ્ટેટિસ્ટિક્સ, 1967માં રૉયલ સોસાયટી ઑવ્ લંડન, 1972માં અમેરિકન સ્ટેટિસ્ટિકલ ઍસોસિયેશન, 1972માં ઈકોનૉમિકસ સોસાયટી ઑવ્ ઇન્ડિયા, 1974માં ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝની ફેલોશિપ આપવામાં આવી.
1965માં રૉયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીના, 1975માં અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટસ અને સાયન્સના માનાર્હ ફેલો બન્યા. તે પછી થર્ડ વર્લ્ડ એકૅડેમી ઑવ્ સાયન્સના સ્થાપક ફેલો બન્યા.
ઇન્ટરનૅશનલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના માનાર્હ સભ્ય અને પછી 1977-79માં તેના અધ્યક્ષ બન્યા. તે પછી ક્રમશ: 1974-75માં ઇન્ટરનૅશનલ બાયૉમેટ્રિક સોસાયટી, 1977માં યુ.એસ.ની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅથેમૅટિકલ સ્ટેટિસ્ટિક્સના અને 1995માં યુ.એસ. નૅશનલ સાયન્સ એકૅડેમીના અધ્યક્ષ બન્યા.
1963માં શાંતિસ્વરૂપ ભટનાગર પારિતોષિક મળ્યું. 1967માં આંધ્ર યુનિવર્સિટી, 1973માં દિલ્હી યુનિવર્સિટી, 1970માં લેનિનગ્રાડ યુનિવર્સિટી, 1976માં ઍથેન્સ યુનિવર્સિટી, 1977માં ઓસ્માનિયા યુનિવર્સિટી અને 1979માં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીએ ડી.એસસી.ની ઉપાધિ આપી.
1968માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપ્યો. 1969માં મેઘનાદ સહા સુવર્ણચંદ્રક, 1976માં રૉયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીનો ગાયચંદ્રક અને 1978માં જે. સી. બોઝ સુવર્ણચંદ્રક તેમને મળ્યા. 1981ના વર્ષમાં આંકડાશાસ્ત્રી, 1982માં પર્થની સાન માર્કોસ યુનિવર્સિટીના માનાર્હ પ્રાધ્યાપક બન્યા. 1983માં યુનિવર્સિટી ઑવ્ ફિલિપાઇન્સે ડી.એસસી.ની ઉપાધિ આપી. 1984માં આંધ્રપ્રદેશ એકૅડેમી ઑવ્ સાયન્સ તરફથી સિલ્વર પ્લેટ, 1989માં સૅમ્યુઅલ એસ. વિલ્કેસ મૅમોરિયલ મેડલ અને મહાલનોબિસ બર્થ સેન્ટેનરી સુવર્ણચંદ્રક મળ્યા.
2001માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ આપ્યો. આંકડાશાસ્ત્રીય સિદ્ધાંત અને પ્રયોજનો ઉપર પાયાનો ફાળો આપ્યો છે. ઉત્પાદકતા વધારવા-સુધારવા અને માલનું ગુણાત્મક નિર્માણ કરવા માટે તેમણે ઉદ્યોગો માટે ‘ઑર્થોગોનલ એરેઝ’ની રચના કરી. ભારતમાં અને દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્ટેટિસ્ટિક્સના આધુનિક શિક્ષણ-પ્રશિક્ષણ માટે તેમણે નોંધપાત્ર જવાબદારી નિભાવી છે. તેમાંથી તેમણે સ્કૂલ ઑવ્ સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઍન્ડ ઍપ્લિકેશનની સ્થાપના કરી છે. આ સંસ્થાને આંતરરાષ્ટ્રીય બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે 13 પુસ્તકો લખ્યાં છે. આ સાથે તેમણે 250 સંશોધન-લેખો પ્રગટ કર્યા છે.
‘સાંખ્ય’ સામાયિકના સંપાદન-મંડળના તેઓ સભ્ય છે. યુ.એસ.ના જર્નલ ઑવ્ મલ્ટિવેરિયેટ એનાલ્સના સંપાદક તથા કમ્યૂનિકેશન્સ ઇન સ્ટેટિસ્ટિક્સના મુખ્ય સંપાદક રહ્યા છે. યુ.એસ.ના જર્નલ ઑવ્ સ્ટેટિસ્ટિક્સ પ્લાનિંગ ઍન્ડ ઇન્ફરન્સ અને જર્નલ ઑવ્ મૅથેમૅટિકલ મૉડેલિંગના તેઓ સંપાદક રહેલા.
હાલ તેઓ પેન્ન સ્ટેટ યુનિવર્સિટી પાર્ક પી. એ. ખાતે સ્ટેટિસ્ટિક્સ વિભાગમાં કાર્ય કરી રહ્યા છે.
હરગોવિંદ બે. પટેલ