રાવ રણમલ (શાસનકાળ ઈ. સ. 1346-1404) : ઇડરના રાઠોડ વંશનો પ્રતાપી રાજા. તે મારવાડના રાઠોડ સોનગજીના વંશજ ખરહતજીનો પુત્ર હતો. રાવ રણમલ ઇડરની ગાદીએ આવ્યો ત્યારે પાટણમાં દિલ્હીના સુલતાનોના સૂબા(નાઝિમ)ઓની સત્તા સ્થિર થઈ ચૂકી હતી. જોકે તેઓની વચ્ચે અવારનવાર સત્તાની ખેંચતાણ ચાલ્યા કરતી હતી. આવી સ્થિતિમાં રણમલે ઇડરને મજબૂત બનાવવાના પ્રયત્નો કર્યા. આમ તો ઇડર દિલ્હીનું ખંડિયું રાજ્ય હતું અને ત્યાંના સુલતાનને ખંડણી ભરવી પડતી હતી; પરંતુ તેણે સૂબાઓ અને સુલતાનોને કદી રાજીખુશીથી ખંડણી આપી નહોતી. બળવાન સત્તાના દબાણથી ખંડણી ભરવી પડતી હોઈ ઇડરને અવારનવાર સંઘર્ષમાં ઊતરવું પડતું હતું. રાવના સમકાલીન કવિ શ્રીધર વ્યાસે તેમના મધ્યકાલીન ગુજરાતી કાવ્ય ‘રણમલ છંદ’માં રાવના આવા સંઘર્ષોનું વિગતપ્રચુર વર્ણન કરેલ છે. ગુજરાતના સૂબા ઝફરખાન બંગાળી, એના અનુગામી શમ્સુદ્દીન અબૂ રિજા, એના અનુગામી શમ્સુદ્દીન દામગાની અને મલિક મુફર્રહ સુલતાની સાથે યુદ્ધમાં ઊતરેલ. મુફર્રહ સાથેના જંગમાં (લગભગ ઈ. સ. 1390) તેની મદદે અન્ય હિન્દુ રાજાઓ પણ આવેલા. આમાં મારવાડના સાંભર-નરેશ સાંતલનું મહત્વનું પ્રદાન ગણાય છે. થોડો સમય તો રાવે દિલ્હીને ખંડણી ભરી, પણ પાછી ખંડણી ભરવાનો ઇનકાર કરતાં ઈ. સ. 1394માં ગુજરાતના છેલ્લા સૂબા ઝફરખાને ઇડર પર આક્રમણ કરી કિલ્લાને ઘેરી લીધો. અંદરની પુરવઠા-વ્યવસ્થા સદંતર કપાઈ જતાં પરિસ્થિતિ વિકટ બની અને તે કારણે અંતે રાવને સમાધાન કરવું પડ્યું. ઝફરખાનને ખંડણી-નજરાણું આપતાં તેણે ઘેરો ઉઠાવી લીધો. આ પછી પણ ઝફરખાન અને તેના પુત્ર તાતારખાને બે વાર ઇડર પર ચડાઈ કરેલી. ઈ. સ. 1398માં થયેલ આક્રમણનો રાવે સબળ પ્રતિકાર કરતાં તેને પીછેહઠ કરવી પડેલી. છેલ્લી વિસ્તૃત લડાઈ વખતે રાવે વીરતાપૂર્વક સામનો તો કર્યો પણ ફાવ્યો નહિ ને વીસનગર નાસી છૂટ્યો. ઝફરખાને ઇડરનાં હિન્દુ મંદિરોનો નાશ કર્યો. કિલ્લામાં રક્ષણ માટે ફોજ ગોઠવી સ્વયં પાટણ પાછો ફર્યો. ત્યારબાદ રાવે તુરંત જ ઇડરને પુન: કબજામાં લઈ લીધું. શ્રીધર કવિના કાવ્યની વિગતો-પરિણામો અને મુસ્લિમ તવારીખો વચ્ચે એકમત નથી એ નોંધવું રહ્યું.
સલ્તનત કાળનાં હિન્દુ રાજ્યોમાં ઇડર મહત્વનું બળવાન રાજ્ય ગણાતું હતું. સમગ્ર વાગડ, રાજસ્થાન ને માળવા ઉપર પણ તેનો પ્રભાવ હતો. રાવનો ઇડરિયો ગઢ દુર્ગમ પહાડીઓથી ઘેરાયેલો. તેને આસાનીથી જીતી શકાય તેમ ન હતો. આથી અતિ મુશ્કેલ સમયે મળેલી સફળતા માટે ‘ઇડરિયો ગઢ જીત્યા’ની કહેવત પ્રચલિત થઈ છે. રાવના મૃત્યુ બાદ ગાદીએ આવેલ રાવ પૂંજો પણ પિતા જેવો પરાક્રમી, શૂરવીર અને મહત્વાકાંક્ષી હતો.
હસમુખ વ્યાસ