રાવ, કે. એસ. (જ. 1936, મૅંગલોર, કર્ણાટક) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1958માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બૅંગાલુરુમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં હતાં. તેમને બૉમ્બે આર્ટ સોસાયટી, કોલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ, હૈદરાબાદ આર્ટ સોસાયટી અને તમિલનાડુ લલિત કલા અકાદમીએ સન્માન્યા છે.
રાવ સમકાલીન દેશનેતાઓને જૂના જમાનાના રાજા-મહારાજા જેવા ઠાઠથી ચીતરવા માટે જાણીતા છે. દા.ત., એક ચિત્રમાં તેમણે જવાહરલાલ નહેરુને કોઈ મુઘલ શાહજાદાની પેઠે ઘોડા પર રોફભેર બેસીને હાથમાં બાજ બેસાડીને ઘોડેસવારી કરતા ચીતર્યા છે.
હાલમાં તે ચેન્નાઈમાં વસવાટ કરી કલાસર્જનમાં વ્યસ્ત રહે છે.
અમિતાભ મડિયા