રાવળ, પ્રજારામ નરોત્તમ (જ. 3 મે 1917, વઢવાણ; અ. 28 એપ્રિલ 1991, સુરેન્દ્રનગર) : ગુજરાતી કવિ, અનુવાદક, આયુર્વેદના અધ્યાપક અને ચિકિત્સક. પ્રાથમિક શિક્ષણ વતન વઢવાણની રાષ્ટ્રીય શાળામાં અને માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની જ દાજીરાજ હાઇસ્કૂલમાં. ત્યાંથી મેટ્રિક થઈ 1941માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી પ્રથમ વર્ગ મેળવી સ્નાતક. પછી એક વર્ષ ઉમેદવાર તરીકેની આવદૃશ્યક તાલીમ લેવા વડોદરામાં રહ્યા. પાટણ અને વડોદરામાં ગોવિંદ સ્વામી (1921-1944) એમના સહાધ્યાયી. 1954થી 1972 સુધી ભાવનગરની આયુર્વેદ કૉલેજમાં પહેલાં અધ્યાપક, પછી ઉપાચાર્ય અને 1972થી 1975 આચાર્ય. 1976માં નિવૃત્ત. કવિતા અને વૈદકશાસ્ત્ર એમના એકસરખા રસના વિષયો હતા. ‘આયુર્વેદનું અમૃત’ ભાગ 1 અને 2 (1974, 1991) એમના આયુર્વેદના ગ્રંથો છે, જેમાંના પ્રથમ ભાગને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. બંને ગ્રંથો એમની જીવનભરની આયુર્વેદની જ્ઞાનસાધનાના પરિપાકરૂપ છે અને આયુર્વેદ ચિકિત્સાપદ્ધતિના વિવિધ કિસ્સાઓના અભ્યાસનો નિચોડ એમાં નિરૂપાયો છે. આયુર્વેદના ઉપચાર, પ્રચાર, પ્રસાર માટે તેમણે મહત્વની સેવા કરી છે. તેમણે ચામડીના રોગો વિશે 1985માં એક પુસ્તિકા પ્રગટ કરેલી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ્.ની માનાર્હ પદવી પ્રદાન કરેલી. એમના પરગજુ અને સંવેદનશીલ સ્વભાવને કારણે અનેકને લાભ થયો છે.
કવિતાક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર સર્જન છે. એમનું કાવ્યસર્જન અનુગાંધીયુગના કવિઓની હરોળમાં સ્થાન પામે છે. કવિ ગોવિંદ સ્વામી સાથે ‘મહાયુદ્ધ’ (1940) નામે 3 કાવ્યોને સમાવતી પ્રગટેલી પુસ્તિકામાં ‘આગામી મહાયુદ્ધ’ કાવ્ય એમની રચના છે. વિશ્વયુદ્ધની મહાસંહારકતા અને માનવજાતિ પ્રત્યે સંવેદનશીલતા એમાં પ્રગટ થઈ છે. ગોવિંદ સ્વામીના અવસાન પછી તેમના પ્રગટ થયેલા ‘પ્રતિપદા’ (1948) નામે કાવ્યસંગ્રહના સંપાદકોમાં તેઓ પણ હતા. એમનો પ્રથમ સ્વતંત્ર કાવ્યસંગ્રહ ‘પદ્મા’ 1956માં કવિ સુન્દરમ્(1908-1991)ની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો. સુન્દરમે એમને ‘નોળવેલના કવિ’ તરીકે બિરદાવ્યા હતા. એમના અન્ય કાવ્યસંગ્રહો ‘નાન્દી’ (1963) અને ‘નૈવેદ્ય’ (1980) છે. એમની કવિતામાં ગાંધીયુગનો પ્રભાવ ખાસ વરતાતો નથી. તેઓ શ્રી અરવિંદ-દર્શનથી વિશેષ પ્રભાવિત રહ્યા છે. સુન્દરમ્ દ્વારા શ્રી અરવિંદ (1872-1950) અને શ્રી માતાજી(1878-1973)ની પ્રભાવક અને પ્રબળ અસર એમનાં વ્યક્તિત્વ અને સર્જન પર થયેલી. એમની કવિતામાં આધ્યાત્મિક સુરખી અને પૂર્ણ સભાન રીતે યોગાભિમુખ બનેલા કવિની દૃષ્ટિ પ્રતીત થાય છે. ‘પદ્મા’ પછીના કાવ્યસંગ્રહોમાં એમનો લાક્ષણિક વિકાસ જણાય છે. ઊર્ધ્વની અભીપ્સા, પ્રકૃતિનાં રમણીય ચિત્રો, સુશ્ર્લિષ્ટ છંદોરચના, સંવેદનશીલ કાવ્યાનુભૂતિ અને ચિત્રાત્મકતાથી એમની કવિતા સમૃદ્ધ છે. સૉનેટ, મુક્તક અને ગીતરચનાઓમાં એમની કલમ સરસ રીતે વિલસે છે. ‘ઝાલાવાડી ધરતી’ તેમનું જાણીતું ગીત છે. લાંબી કાવ્યરચનાઓ એમની પાસેથી મળી નથી. એમનાં ઋતુકાવ્યો આકર્ષક અને આહલાદક છે.
એમનું સંસ્કૃતનું જ્ઞાન પ્રગાઢ હતું. તેમણે કાલિદાસના મહાકાવ્યનો કરેલો અનુવાદ ‘રઘુવંશ’ (1985) ગુજરાતીમાં તે પ્રકારના અનુવાદમાં માતબર ગણાય તેવો છે. રામાયણના સુંદરકાંડનો અનુવાદ ‘સીતા અશોકવનમાં’ નામે એમણે આપ્યો છે. ‘પરબ્રહ્મ’ (1985) નામે કાવ્યસંગ્રહમાં શ્રી અરવિંદનાં કાવ્યોનો અનુવાદ છે. સ્વામી વિવેકાનંદનાં કેટલાંક કાવ્યોનો અનુવાદ પણ એમણે કર્યો છે. ભાવનગરની સાહિત્યસભાના તેઓ મંત્રી હતા.
મનોજ દરુ