રાલ્ફ લિંટન (જ. 1893; અ. 1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રી. તેમણે કારકિર્દીનો પ્રારંભ પુરાતત્વવિદ તરીકે કર્યો. તેમને 1920-22 દરમિયાન માર્કેસઝ ટાપુ (Marquesas Island) પર મોકલવામાં આવ્યા હતા. અહીં તેમને ટાપુ પર રહેતા લોકો વિશે રસ જાગ્યો અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રમાં જોડાયા. ત્યારપછી તેમણે નૃવંશશાસ્ત્રમાં ખાસ કરીને વ્યક્તિત્વ, સામાજિક સંરચના, સાંસ્કૃતિક પ્રક્રિયા, ભૌતિક સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ વિષયો પર વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરીને તેનું સંકલન કર્યું. તેના માટે તેઓ જાણીતા બન્યા. નૃવંશશાસ્ત્રની પરિભાષામાં દરજ્જો અને ભૂમિકાના ખ્યાલોની સ્પષ્ટતા કરી.
રાલ્ફ લિંટનના મતાનુસાર વ્યક્તિત્વના વિકાસમાં સંસ્કૃતિનો પ્રભાવ બે પ્રકારનો હોય છે : (1) એવો પ્રભાવ જે બાળકો ઉપર પુખ્ત વયની વ્યક્તિઓનો પડે છે. પ્રત્યેક સંસ્કૃતિ એ નક્કી કરે છે કે બાળકો સાથે પુખ્તોએ કેવો વ્યવહાર કરવો જોઈએ અને તેની પ્રતિક્રિયા કેવી રીતે આપવી જોઈએ ! કેટલીક સંસ્કૃતિઓમાં શરૂઆતથી કે નાનપણથી જ માતા બાળક પરત્વે ઉદાસીન રહે છે. આ પ્રતિક્રિયાની અસર બાળકના વ્યક્તિત્વ પર પડતી હોય છે; (2) એવો પ્રભાવ જે વ્યક્તિના પોતાના દ્વારા સંસ્કૃતિના સામાન્ય વ્યવહારનાં પ્રતિમાનોને અપનાવવાના ફળસ્વરૂપે એના ઉપર પડે છે. અલબત્ત આ બંને પ્રભાવો એકબીજાથી અલગ નથી, પરસ્પરના પૂરક છે એ સાચું છે. તેમના મત મુજબ સંસ્કૃતિનો પ્રભાવ બાળપણથી જ નહિ પરંતુ પુખ્ત બન્યા પછી પણ જીવનભર પડતો રહે છે, જેના માટે તેઓ જાણીતા બન્યા.
રાલ્ફ લિંટન સારા સિદ્ધાંતકાર હતા. તેમણે સંસ્કૃતિ અને વ્યક્તિત્વના સિદ્ધાંતને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી અર્થબદ્ધ કર્યો છે. વિવિધ સમાજના સાંસ્કૃતિક વર્તનના ત્રણ પ્રકાર પાડ્યા છે : (1) વાસ્તવિક અથવા ખરેખર વર્તન, (2) આદર્શ સંસ્કૃતિ કે દાર્શનિક અને પરંપરાગત સંસ્કૃતિ, (3) સંસ્કૃતિનું નિર્માણ. સાંસ્કૃતિક ઘટકો વિશેનું લખાણ. લિંટનના મતાનુસાર નૃવંશશાસ્ત્રીઓએ જ્યાં જ્યાં મનુષ્ય દ્વારા નિર્મિત વસ્તુઓને મેળવી ત્યાં ત્યાં એને સંસ્કૃતિની સંજ્ઞા આપી છે. તેમની દૃષ્ટિએ સંસ્કૃતિ ગતિશીલ કે પરિવર્તનશીલ રહે છે. પ્રત્યેક યુગમાં એનું સ્વરૂપ અલગ અલગ હોય છે. સમય-પરિવર્તનની સાથે સંસ્કૃતિમાં પણ પરિવર્તન આવ્યા કરે છે. રાલ્ફ લિંટને વ્યક્તિત્વની વ્યાખ્યા આપીને તેના વિકાસના તબક્કા બતાવ્યા છે. વ્યક્તિત્વની સંરચનાનો અભ્યાસ કરીને સૂચન કર્યું કે સમાજમાં વ્યક્તિની જરૂરિયાત હોય છે. આ જરૂરિયાતોને સંતોષવા માટે વ્યક્તિઓ ઉદ્દીપનના રસ્તા પ્રત્યે પ્રતિક્રિયા આપે છે. તેને તેઓ ઉદ્દીપન પ્રતિક્રિયા કહે છે. રાલ્ફ લિંટને ઉદ્દીપન પ્રતિક્રિયાનો સિદ્ધાંત (stimulous response principle) આપ્યો તેમાં તેમણે પ્રતિક્રિયાના ત્રણ રસ્તાઓ બતાવ્યા છે : (1) અનુકરણ દ્વારા પ્રતિક્રિયા, (2) પ્રયત્ન અને ભૂલ દ્વારા પ્રતિક્રિયા, (3) બૌદ્ધિક પદ્ધતિ દ્વારા પ્રતિક્રિયા.
વ્યક્તિ જે રીતે પ્રતિક્રિયા આપે છે તે રીતે તેનું વ્યક્તિત્વ ઘડાય છે. લિંટને વ્યક્તિત્વની વિવિધ પ્રકારની ભૂમિકાની વિશદ ચર્ચા કરી છે.
તેમણે પોતાની કારકિર્દી દરમિયાન કેટલાંક પુસ્તકો લખ્યાં છે : The Study of Man (1936) : તેમાં અમેરિકન જીવનમાં પ્રસારનો પ્રભાવના વિસ્તારનો – ઉલ્લેખ કર્યો છે. ‘The Cultural Background of Personality’ (1945); ‘The Tree of Culture’ (1955) વગેરે. આ પુસ્તકોમાં લિંટને સંસ્કૃતિ, વ્યક્તિત્વ અને અન્ય બાબતો પરત્વે ઘણી વિસ્તૃત ચર્ચા કરી છે. તેમણે સંસ્કૃતિ અને વ્યક્તિત્વની વિચારણામાં મહત્વનું પ્રદાન આપ્યું છે. નૃવંશશાસ્ત્રના વિકાસમાં પણ આ વિચારધારાએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
હર્ષિદા દવે