રારોટોંગા (ટાપુ) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા કૂક ટાપુઓ પૈકીનો મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 21° 14´ દ. અ. અને 159° 46´ પ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી ઈશાનમાં 3,400 કિમી.ને અંતરે આવેલો છે. તેનો વિસ્તાર 67 ચોકિમી. જેટલો છે.
આ ટાપુનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય હોઈ ખરબચડું છે. 653 મીટર ઊંચાઈ ધરાવતું માઉન્ટ તે મંગા અહીંનું સર્વોચ્ચ શિખર છે. તેના પહાડી વિભાગની આજુબાજુ મેદાની લક્ષણવાળો, ઊપસેલો દેખાતો, પ્રાચીન અભિતટીય પ્રવાળખડક (fringing reef) વિસ્તાર આવેલો છે. આ પ્રવાળખડકો નિક્ષેપોથી આચ્છાદિત છે. આ ટાપુનો ઘણોખરો ભાગ અભિતટીય પ્રવાળખડકોથી ઘેરાયેલો છે.
1789માં બ્રિટિશ વહાણ ‘બાઉન્ટી’માંના બળવાખોરોએ આ ટાપુની મુલાકાત લીધેલી. રારોટોંગામાં એક તબક્કે તુપાપા ખીણમાં વસ્તી હતી. તેનાં ચિહનો અવશેષો તેમજ તત્કાલીન ધર્મસ્થાનોના તળભાગો આજે જોવા મળે છે. આ ઉપરાંત અહીં આજના માર્ગને સમાંતર, ટાપુને ફરતો એક જૂનો માર્ગ ‘આરામેતુઆ’ પણ નજરે પડે છે. લંડનની મિશનરી સોસાયટીના જૉન વિલિયમ્સ 1823માં અહીં આવેલા. તેમણે અહીંના ટાપુવાસીઓને ખ્રિસ્તી બનાવેલા. તેમનું મથક પણ આ ટાપુ પર આવેલું છે.
કૂક ટાપુઓ માટેના વહીવટી મથક તરીકે ઉપયોગમાં લેવાતું આવારુઆ અહીંનું મુખ્ય બંદર છે. અહીં અનુકૂળ ખાડીસરોવર ન હોવાથી મહાસાગરમાં જતાં-આવતાં જહાજો આ બંદરે લાંગરી શકતાં નથી; તે દૂર ઊભાં રહે છે; નાની માલવાહક હોડીઓ તેમના માટે માલ લઈ જાય છે કે તેમની પાસેથી માલ લઈ આવે છે.
રારોટોંગાનું અર્થતંત્ર ખાટાં ફળો, પાઇનેપલ, નાળિયેરી, કેળાં અને હળવા એકમો/ઉદ્યોગો પર નિર્ભર છે. 1973માં અહીં હવાઈ મથક સ્થપાયું પછીથી પ્રવાસીઓની અવરજવર ધીમે ધીમે વધતી ગઈ છે. આ ટાપુ પરના નિકાઓ ખાતે એક હૉસ્પિટલ, અનુપ્રાથમિક શાળા (post-primary school) અને શિક્ષકો માટેની તાલીમી કૉલેજ આવેલી છે. 1986માં થયેલી છેલ્લી વસ્તી-ગણતરી મુજબ આ ટાપુની વસ્તી 9,678 જેટલી છે.
જાહ્નવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા