રાય, હિમાંશુ (જ. 1892; અ. 19 મે 1940) : મૂક ભારતીય ચિત્રોનું ટૅક્નીકલ પાસું મજબૂત કરનાર અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક. 1925ના અરસામાં ભારતીય ચિત્રો હજી કોઈ ચોક્કસ ઘાટ પકડવાનો પ્રયાસ કરતાં હતાં ત્યારે હિમાંશુ રાયે ભારતીય ચિત્રોને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડ્યાં હતાં. હિમાંશુ રાયે જોયું કે વિદેશી ચિત્રોમાં જેટલું ધ્યાન ટૅક્નીકલ બાબતો પર આપવામાં આવે છે એટલું ભારતીય ચિત્રોમાં આપવામાં આવતું નથી. પોતાનાં ચિત્રોમાં આવો અભાવ ન રહે તે માટે પહેલેથી જ ખાસ કરીને જર્મન ટૅક્નીશિયનોનો તેમણે સહકાર લીધો. આ દૃષ્ટિએ પણ તેઓ એવા પ્રથમ ભારતીય સર્જક બન્યા હતા, જેમણે ચિત્રનિર્માણમાં વિદેશી સહયોગ લીધો હોય.

હિમાંશુ રાયનો જન્મ એક શ્રીમંત બંગાળી પરિવારમાં થયો હતો. આ પરિવારની માલિકીનાં થિયેટરો હતાં. રાય કલકત્તા યુનિવર્સિટીમાંથી કાયદા સાથે સ્નાતક થયા બાદ કલાનો અભ્યાસ કરવા રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં જોડાયા હતા. તેમનો ઇરાદો જોકે વકીલ તરીકે જ પ્રૅક્ટિસ કરવાનો હતો. એટલે તો તેઓ લંડનમાં વકીલ તરીકેની તાલીમ લેવા ગયા હતા. તે સાથે નાટકોમાં અભિનય કરવાનો તેમનો શોખ પણ પૂરો કરતા રહ્યા. 1920ના દાયકાનો એ પ્રારંભ હતો. નાટકોમાં કામ કરવા દરમિયાન તેઓ નિરંજન પાલના પરિચયમાં આવ્યા. તેમણે પાલના એક નાટક ‘ધ ગૉડેસ’માં પણ કામ કર્યું હતું. નિરંજન પાલે ઍડવિન આર્નોલ્ડની એક કવિતા પરથી એક ચિત્રની પટકથા ‘ધ લાઇટ ઑવ્ એશિયા’ લખી હતી. હિમાંશુ રાયને આ પટકથા એટલી ગમી ગઈ કે તેમણે એના પરથી ચિત્ર બનાવવાનો નિર્ણય કર્યો. એક જર્મન નિર્માતા પીટર ઓસોટરમેયર સાથે તેમણે ભાગીદારી કરી. પીટરના ભાઈ ફ્રાન્ઝ ઑસ્ટિનને દિગ્દર્શનની જવાબદારી સોંપવામાં આવી. આ ફિલ્મ ‘ધ લાઇટ ઑવ્ એશિયા’ એ સમયમાં જ નહિ, પણ ભારતીય ચલચિત્રોના ઇતિહાસમાં હંમેશ માટે નોંધપાત્ર બની રહેશે એવી તો ત્યારે હિમાંશુ રાયને કલ્પના પણ નહોતી, પણ 1925માં આ ચિત્ર રજૂ થયું તે સાથે જ હિમાંશુ રાયનું નામ જાણીતું બની ગયું. આ ચિત્રમાં ગૌતમ બુદ્ધની ભૂમિકા રાયે પોતે ભજવી હતી. ‘ધ લાઇટ ઑવ્ એશિયા’ માત્ર દેશમાં જ નહિ, પણ મધ્ય યુરોપમાં પણ ખૂબ વખણાઈ.

‘ધ લાઇટ ઑવ્ એશિયા’ની સફળતા પછી હિમાંશુ રાયે જર્મનીના ખ્યાતનામ સ્ટુડિયો ‘યુએફએ’ સાથે સહકાર સાધ્યો અને 1928માં ‘શીરાઝ’ અને 1929માં ‘એ થ્રો ઑવ્ એ ડાઇસ’નું નિર્માણ કર્યું. આ બંને ચિત્રોના નિર્માણ પહેલાં અને ખાસ તો ‘ધ લાઇટ ઑવ્ એશિયા’ના નિર્માણ દરમિયાન હિમાંશુ રાય લંડનમાં દેવિકારાણીના પરિચયમાં આવ્યા. જોતજોતામાં બંને વચ્ચે નિકટનો નાતો બંધાઈ ગયો. ‘ધ લાઇટ ઑવ્ એશિયા’ના સેટ્સની ડિઝાઇન દેવિકારાણીએ બનાવી હતી. દેવિકારાણીએ હિમાંશુ રાય સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું અને પછી તો તેમણે અભિનયક્ષેત્રે ઝુકાવી દીધું. 1933માં બંનેએ લગ્ન કરી લીધાં. સમય જતાં દેવિકારાણી પણ ભારતીય ફિલ્મોના ઇતિહાસનું એક સોનેરી પૃષ્ઠ બની ગયાં હતાં.

હિમાંશુ રાયે દેવિકારાણીને લઈને તથા ઇંગ્લૅન્ડની આઇબીપી કંપનીનો સહકાર લઈને ચિત્ર ‘કર્મા’નું નિર્માણ કર્યું. આ ચિત્ર પણ ખૂબ વખણાયું. 1925થી ચિત્રનિર્માણમાં ઝુકાવનાર હિમાંશુ રાયે ચિત્રોને અવાજ મળ્યા પછી ઘણું નોંધપાત્ર કામ કર્યું હતું. જર્મનીમાં નાઝીઓ સત્તા પર આવ્યા તેનો ગેરલાભ હિમાંશુ રાયને એ રીતે થયો કે જર્મની સાથેનો તેમનો નાતો તૂટી ગયો. તેને કારણે તેમણે સંપૂર્ણપણે ભારતીય ચિત્રો પર જ ધ્યાન આપવા માંડ્યું. 1934ની 17મી જાન્યુઆરીએ મુંબઈમાં તેમણે ‘કર્મા’ની હિંદી આવૃત્તિ પ્રદર્શિત કરી. ભારતીય પ્રેક્ષકોને આ ફિલ્મ ખૂબ ગમી ગઈ. તેમાં દેવિકારાણી અને હિમાંશુ રાયના એક દીર્ઘ ચુંબન-શ્યે એ જમાનામાં ધૂમ મચાવી દીધી હતી. હિંદી કે ભારતીય ચિત્રોમાં જ્યારે પણ ચુંબન-દૃશ્યની ચર્ચા થાય છે ત્યારે આજે પણ ‘કર્મા’ના એ દૃશ્યનો ઉલ્લેખ અવદૃશ્ય થાય છે. આ ચિત્રની સફળતાએ દેવિકારાણીને રાતોરાત સ્ટાર બનાવી દીધાં. ફિલ્મની સફળતાથી પ્રેરાઈને હિમાંશુ રાયે 1934ની 26મી ફેબ્રુઆરીએ બૉમ્બે ટૉકિઝના શેર બહાર પાડ્યા. એ જમાનામાં 25 લાખ રૂપિયાની મૂડીથી 1934માં હિમાંશુ રાયે બૉમ્બે ટૉકિઝ લિ. નામની ફિલ્મનિર્માણ-કંપનીની સ્થાપના કરી અને એક સ્ટુડિયો પણ ઊભો કર્યો. એ માટેનાં તમામ આધુનિક ઉપકરણો જર્મનીથી લાવવામાં આવ્યાં. ફ્રાન્ઝ ઑસ્ટિન અને તેમની સાથે કેટલાક જર્મન ટૅક્નીશિયનો આવી ગયા અને 1935માં તો આ સ્ટુડિયો ફિલ્મનિર્માણથી ધમધમતો થઈ ગયો હતો.

બીજા વિશ્વયુદ્ધને કારણે ફ્રાન્ઝ ઑસ્ટિન અને અન્ય જર્મનોનું ભારતમાં રહેવું મુશ્કેલ થઈ ગયું. તેને કારણે સ્ટુડિયોની પ્રવૃત્તિને વ્યાપક અસર થઈ. અધૂરામાં પૂરું 1937માં નિરંજન પાલ સાથે હિમાંશુ રાયને ગંભીર મતભેદો થયા અને નિરંજન પાલ તેમનાથી છૂટા પડી ગયા. તેની સીધી અસર હિમાંશુ રાયના સ્વાસ્થ્ય પર થઈ. તેઓ હતાશાનો ભોગ બન્યા અને એ પછી તેમાંથી કદી બેઠા થઈ શક્યા નહિ.

હરસુખ થાનકી