રાય (Rye)-1 : ન્યૂયૉર્ક(યુ.એસ.)ના વેસ્ટચેસ્ટર પરગણામાં લૉંગ આઇલૅન્ડના અખાતી ભાગ પર આવેલું શહેર તેમજ તેનો પરાવિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 58´ ઉ. અ. અને 73° 41´ પ.રે.. તેનું મૂળ નગર-સ્થળ તો 1660માં કનેક્ટિકટના ગ્રિનવિચમાંથી આવેલા લોકોએ જ્યાં વસાહતો સ્થાપેલી તે પૅન્ડિગો નેક ખાતે હતું. 1788માં સત્તાવાર રીતે તેની સરહદ આંકવામાં આવી હતી. 1904માં આ સ્થળને અલગ કરીને ભેળવી દેવામાં આવેલું. ત્યાં મનોરંજન માટે લોકપ્રિય રેતાળ કંઠાર હતો. તે પછીથી તે 39 કિમી. નૈર્ઋત્ય તરફ આવેલા ન્યૂયૉર્કનું નિવાસી પરું બની રહ્યું. ટ્રૉલી, મોટરગાડીઓ અને રેલગાડીઓ શરૂ થવાથી તે ઝડપથી વિકસતું ગયું. 1942 સુધીમાં તે શહેર બની રહ્યું. તેનું સ્ક્વેર હાઉસ જૂના બૉસ્ટન પોસ્ટ રોડ પરનું થોભવાનું મથક હતું. 1688માં ભેળવવામાં આવેલું પૉર્ટ ચેસ્ટર ગામ અને મામરોનેકનો ભાગ તેમાં સામેલ હતો. પૉર્ટ ચેસ્ટર નજીકના મ્યુઝિયમ ઑવ્ કાર્ટૂન આર્ટમાં કાર્ટૂનોનો ઇતિહાસ જળવાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા