રાયસેન : મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 10´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે. આજુબાજુનો 8,466 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વિદિશા, ઈશાન અને પૂર્વમાં સાગર, અગ્નિમાં નરસિંહપુર, દક્ષિણમાં હોશંગાબાદ અને સિહોર તથા પશ્ચિમે સિહોર અને ભોપાલ જિલ્લા આવેલા છે. જિલ્લાની અડધી દક્ષિણ સરહદ નર્મદા નદીથી રચાયેલી છે. જિલ્લાનું નામ જિલ્લામથક રાયસેન પરથી પડેલું છે. જિલ્લામથક રાયસેન જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાને ત્રણ કુદરતી પ્રદેશોમાં વહેંચી શકાય છે : (i) ઉચ્ચપ્રદેશ, (ii) પહાડી પ્રદેશ અને (iii) નર્મદાનાં મેદાનો. અહીંનો ઉચ્ચપ્રદેશ વિભાગ ઉત્તર તરફ આવેલા માળવાના ઉચ્ચપ્રદેશનું વિસ્તરણ છે. પહાડી પ્રદેશમાં ટેકરીઓનાં જૂથ તથા સમતળ-અસમતળ મેદાનો આવેલાં છે. નર્મદાનાં મેદાનો દક્ષિણ વિભાગમાં આવેલાં છે. જિલ્લાના મધ્યભાગમાંથી વિંધ્ય પર્વતોની મુખ્ય હારમાળા પસાર થાય છે. ટેકરીઓનાં જૂથ દક્ષિણ તરફ નર્મદાનાં મેદાનો સુધી પથરાયેલાં છે. મુખ્ય હારમાળાની ઊંચાઈ આશરે 580 મીટરથી 600 મીટરની છે. અહીં ઘણાં શિખરોની ઊંચાઈ 600 મીટર કે તેથી વધુ છે. મધ્યમાં પૂર્વ તરફ 390 મીટરની ઊંચાઈ ધરાવતું ઘોઘરા નદીનું થાળું આવેલું છે. અહીંથી વિંધ્ય હારમાળા પૂર્વ તરફ સાગર જિલ્લામાં વિસ્તરે છે.

રાયસેન જિલ્લો

જિલ્લાની મધ્યમાં પથરાયેલા આ વિંધ્ય પર્વતો માળવાના ઉચ્ચપ્રદેશને નર્મદાની ખીણથી અલગ કરે છે. પશ્ચિમ તરફનો તેનો ભાગ 12થી 13 કિમી.ની પહોળાઈવાળો છે. જિલ્લાનો વાયવ્ય તેમજ ઈશાન ભાગ પણ પહાડી છે. રાયસેન જિલ્લામાં આવેલા વિંધ્ય પર્વતો પૈકીનું સર્વોચ્ચ શિખર (આશરે 665 મીટર) ઈશાન ભાગમાં આવેલું છે. ઉત્તર તરફનો ઉચ્ચપ્રદેશીય ભાગ 420થી 450 મીટરની, જ્યારે વાયવ્ય ભાગ 360 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ઉચ્ચપ્રદેશ બે સ્થળે ખંડિત છે. આ બે ખંડિત ભાગોને પથ્થરો અને માટીથી પૂરી દેવામાં આવેલા છે. ગોહરગંજ તાલુકાનો જૂના વખતમાં તાલ પરગણા તરીકે ઓળખાતો ભાગ ભોજ તાલ નામનું સરોવર હતો. ભોજપુર ગામની પશ્ચિમે આવેલું આ સરોવર આશરે 640 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લેતું હતું. આજે તો તે અતિ ફળદ્રૂપ મેદાની વિસ્તાર બની રહેલો છે. બેટવા નદી નજીક ઓછીવત્તી પહોળાઈવાળું એક મેદાન આવેલું છે. રાયસેન જિલ્લાની અને સાગર જિલ્લાની સરહદ નજીક ઉત્તર તરફ પણ એક વિશાળ મેદાની ભાગ છે. બર્ના અને ચામરશી નદીઓએ ખીણપ્રદેશ રચેલો છે. વિંધ્ય હારમાળાની દક્ષિણે નર્મદાનો ખીણપ્રદેશ છે. તે ટેકરીઓથી ઘેરાયેલો છે અને અર્ધગોળાકાર છે. તે પ્રમાણમાં ઓછો ફળદ્રૂપ છે. આ પ્રદેશની ઊંચાઈ 300થી 330 મીટર જેટલી છે. અહીંનો ભૂમિ-ઢોળાવ દક્ષિણમાં વહેતી નર્મદા નદી તરફનો છે. વિંધ્ય પર્વતો વિંધ્ય શ્રેણીના શેલ અને દળદાર રેતીખડકોથી બનેલા છે. આ રેતીખડકો ઇમારતી બાંધકામ માટે ઉપયોગમાં લેવાય છે.

રાયસેન જિલ્લામાં અતિવિસ્તૃત જંગલપ્રદેશ પણ આવેલો છે. જિલ્લાનો 40 % ભાગ જંગલ-આચ્છાદિત છે. જંગલો સૂકાં પર્ણપાતી પ્રકારનાં છે. સાગ, બાવળ, આંબલી, મહુડો, પીપળ, શીમળો, સીસમ, વાંસ, જાંબુ તથા સીતાફળનાં વૃક્ષો મુખ્ય છે.

વિંધ્ય પર્વતો જિલ્લાના મધ્યભાગમાં આવેલા હોવાથી તે જળવિભાજક બની રહેલા છે. ઉત્તર તરફ વહેતી નદીઓ બેટવાને તથા દક્ષિણ તરફ વહેતી નદીઓ નર્મદાને મળે છે. ઉત્તર તરફનો જળપરિવાહ બંગાળાના ઉપસાગરને અને દક્ષિણ તરફનો જળપરિવાહ અરબી સમુદ્રને મળે છે. જિલ્લામાં નર્મદા, બેટવા (વેત્રવતી), બર્ના, ઘોઘરા, ચામરશી, કાલિયાસોટ, અજનેર, રીછણ, દાબર, બિના, નિહાન (નિયોન), તેન્દોની, પથરી અને ખંડ જેવી નાનીમોટી નદીઓ આવેલી છે.

ખેતી-પશુપાલન : જિલ્લાનો કુલ ખેડાણયોગ્ય વિસ્તાર 4,91,100 હેક્ટર જેટલો છે, પરંતુ વાવેતર 4,18,700 હેક્ટર વિસ્તારમાં થાય છે. કૂવા સિંચાઈ માટેનો મુખ્ય સ્રોત છે, જે માત્ર 14થી 15 % વિસ્તારને સિંચાઈ પૂરી પાડે છે. ઘઉં, જુવાર, ડાંગર અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાયો અને ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.

ઉદ્યોગ-વેપાર : ઇમારતી લાકડાં અને તેની પેદાશો અહીંનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે. પાટડા, થાંભલા, વળીઓ, બારી-બારણાં વગેરે ઇમારતી લાકડામાંથી બનાવાતી મુખ્ય પેદાશો છે. બીડી-ઉદ્યોગ બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત સુતરાઉ કાપડનું વણાટકામ, સીવણકામ, લુહારીકામ, સુથારીકામ, સોનીકામ, તેલની ઘાણીઓ જેવા ગૃહઉદ્યોગો પણ છે. ગોદરેજ ફૂડ લિ., હિન્દુસ્તાન ઇલેક્ટ્રો-ગ્રૅફાઇટ્સ લિ., એમ. પી. યુનાઇટેડ પૉલિપ્રોપિલિન લિ., મધ્યપ્રદેશ યુનાઇટેડ પ્રૉપિલિન લિ., સૂર્યા ઍગ્રોઇલ્સ લિ., યુનાઇટેડ સોયા પ્રૉડક્ટ્સ લિ. જેવા ઉદ્યોગો કાર્યરત છે.

અહીંના મુખ્ય વેપારમાં ખાદ્યપેદાશો, મીઠાઈ, ખાદ્ય-ગરમ મસાલા, દૂધની પેદાશો, શાકભાજી, ફળો, ખાંડ, માછલી, ઈંડાં, મરઘાં-બતકાં, પશુઓની લે-વેચ, કાપડ, તમાકુ અને તેની બનાવટોનો સમાવેશ થાય છે.

પરિવહન : આ જિલ્લો રેલમાર્ગોમાં અવિકસિત છે. ચેન્નઈ-દિલ્હી રેલમાર્ગ આ જિલ્લાના છેક પશ્ચિમ છેડાના ભાગમાંથી પસાર થાય છે. જિલ્લામાં આશરે 455 કિમી.ની લંબાઈના રસ્તા છે, તે પૈકી 125 કિમી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 150 કિમી.ના રાજ્ય ધોરીમાર્ગો, 27 કિમી.ના જિલ્લામાર્ગો અને 32 કિમી.ના જંગલમાર્ગો આવેલા છે.

પ્રવાસન : પ્રવાસની દૃષ્ટિએ જોવાલાયક સ્થળોમાં ભોજપુર, આશાપુરી, ચૌકીગઢ, દીપ, જામગઢ, સાંચી અને રાયસેનનો સમાવેશ થાય છે.

(i) ભોજપુર : ગોહરગંજ તાલુકાનું ગામ. તે ગોહરગંજની ઉત્તરે આશરે 15 કિમી. અંતરે આવેલું છે. અહીં ચોરસ આકારનું એક ભવ્ય શિવમંદિર આવેલું છે. તેમાં 12 મીટરની ઊંચાઈના ચાર તોતિંગ સ્તંભો છે, તેના ઉપર અધૂરા ચણતરવાળો, અંદરની બાજુ કોતરણીવાળો મોટો ઘૂમટ છે. રેતીખડકમાંથી બનાવેલી 7 મીટર ચોરસ આકારની પીઠિકા ઉપર 2.25 મીટર ઊંચું અને 6 મીટરના પરિઘવાળું ભવ્ય શિવલિંગ છે. આ મંદિર પરમારવંશી ભોજરાજાએ અગિયારમી સદીમાં એક જ રાત્રિ દરમિયાન બંધાવ્યું હોવાનું કહેવાય છે; પરંતુ ગૅઝેટિયરમાંના ઉલ્લેખ મુજબ તો તે બારમી કે તેરમી સદીમાં બંધાયેલું છે. આ મંદિર અપૂર્ણ છે. આ મંદિરની નજીકમાં લંબચોરસ આકારનું, 6 મીટર ઊંચી આદિનાથની મૂર્તિ ધરાવતું જૈનમંદિર પણ છે. તે પણ શિવમંદિરના નિર્માણકાળ વખતે જ બંધાયું હોવાનું મનાય છે. આ મંદિર પણ અપૂર્ણ છે.

ભોજપુરની પશ્ચિમે આશરે 640 ચોકિમી. વિસ્તારવાળું ભોજતાલ નામનું એક વિશાળ સરોવર ક્યારેક અસ્તિત્વ ધરાવતું હતું. આજે તો ત્યાં બેટવા નદી પરના જૂના બંધના ભગ્નાવશેષો સિવાય બીજું કંઈ નજરે પડતું નથી. આ સરોવર ટેકરીઓથી ઘેરાયેલું હતું. માત્ર બે જગ્યાએ 100 મીટર અને 500 મીટર પહોળી ખાલી જગ્યાઓ હતી, જેને પથ્થરો અને માટીથી પૂરી દેવાયેલી. તેનો ઉત્તર છેડો ભોપાલ નજીકના દુમાખેરા ગામ પાસે અને દક્ષિણ છેડો ગોહરગંજના દક્ષિણ ભાગમાં પડતો હતો. આ જળાશયમાં બેટવા અને કાલિયાસોટ નદીઓનાં પાણી ભરાયેલાં રહેતાં. કહેવાય છે કે આ સરોવર રાજા ભોજે તૈયાર કરાવેલું. અહીં બેટવા નદીના રેતીખડકવાળા કિનારા પર દેવીની મૂર્તિ ધરાવતી એક ગુફા પણ છે, જે કોઈક સાધુએ તૈયાર કરેલી.

(ii) આશાપુરી : ભોજપુર-ગોહરગંજ માર્ગ પર દક્ષિણમાં 5 કિમી. અંતરે આવેલું ગામ. અહીં વરાહ ભગવાનની મૂર્તિ ધરાવતું મંદિર, આશાપુરી દેવીનું મંદિર અને 5 મીટર ઊંચી શાંતિનાથની મૂર્તિ ધરાવતું મંદિર છે. આ બધાં મંદિરો આજે ખંડિયેર સ્વરૂપે મળે છે. તે ભોજપુરના શિવમંદિર જેટલાં જ જૂનાં હોવાનું મનાય છે.

(iii) ચૌકીગઢ : બરેલી તાલુકામાં 530 મીટર ઊંચી ટેકરી પર આવેલો જૂનો ગોંડ કિલ્લો ચૌકીગઢ નામથી ઓળખાય છે.

(iv) દીપ : જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં ગોહરગંજ તાલુકામાં આવેલું રેલમથક. તે ક્યારેક ભોજપુર સરોવરમાં દ્વીપરૂપ હતું. અહીં સીતાફળ પુષ્કળ થાય છે.

(v) જામગઢ : બારમી કે તેરમી સદીનું કહેવાતું, જૈનમંદિર માટે જાણીતું અને પુરાતત્વની દૃષ્ટિએ મહત્વનું ગણાતું સ્થળ.

(vi) સાંચી : સમ્રાટ અશોકના સમયના હોવાનું કહેવાતા ઈ. પૂ. ત્રીજી સદીના પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપો માટે આ સ્થળ દુનિયાભરમાં જાણીતું બનેલું છે. જિલ્લામથક રાયસેનથી તે 24 કિમી. દૂર સડકમાર્ગ પર આવેલું છે. સ્તૂપો સપાટ શિરોભાગવાળી ટેકરીઓના મથાળે આવેલા છે. સૌથી મોટો સ્તૂપ ટેકરીની ટોચના મધ્યભાગમાં છે. 33 મીટર જેટલો વ્યાસ ધરાવતા નક્કર ગોળાના એક ભાગરૂપ આ સ્તૂપને ચાર દરવાજા છે. દરવાજાઓ પર કોતરણી કરેલી છે. આ સ્તૂપ શ્ર્વેત આરસથી બાંધેલો છે. તેના પરનાં શિલ્પ જાતક-કથાઓ અને બૌદ્ધકથાઓ પર આધારિત છે. અહીં બીજા નાના સ્તૂપો, ચૈતન્ય સભાખંડ તથા મંદિરો પણ છે. શ્રીલંકાની મહાબોધિ સોસાયટી તરફથી નિર્માણ પામેલું સ્તૂપ જેવું એક સુંદર મંદિર પણ આવેલું છે. સાંચી ખાતે એક સંગ્રહાલય છે, જેમાં પુરાતનકાળના અનેક અવશેષો જાળવી રાખવામાં આવેલા છે. અહીં પ્રવાસીઓની સુવિધા માટે એક ટુરિસ્ટ બંગલાની વ્યવસ્થા રાખેલી છે.

આ જિલ્લામાં વારતહેવારે મેળાઓ પણ ભરાય છે.

વસ્તી : 2001 મુજબ રાયસેન જિલ્લાની વસ્તી આશરે 11,20,159 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. હિન્દુ, મુસ્લિમ અને જૈનોની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓની વસ્તી ઓછી છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 32 % જેટલું છે. નગરો ઉપરાંત 70 % ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની શિક્ષણની તેમજ 6 % થી 7 % ગામડાંઓમાં ઓછીવત્તી તબીબી સેવાની સગવડો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકા અને 7 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 1,509 (80 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આજનો રાયસેન જિલ્લો 1921-31 વચ્ચેના ગાળામાં તત્કાલીન ભોપાલ રાજ્યના નિઝામાત-ઇ-મશરીકને લગભગ સમકક્ષ હતો. 1971-81ના દશકા સુધી તો તેમાં કોઈ સરહદી ફેરફારો થયા ન હતા; પરંતુ તાલુકાઓની રચના તો 1941-51ના દશકામાં થયેલી. ઉદયપુરા તાલુકા સિવાયના બાકીના 6 તાલુકાઓનાં મુખ્ય મથકો જિલ્લામથક રાયસેન સાથે બારેય માસ સંકળાયેલાં રહે છે. રાયસેન, ગૈરતગંજ અને બેગમગંજ ભોપાલ-સાગર માર્ગ પર આવેલાં છે.

રાયસેન (શહેર) : મધ્યપ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લાનું નગર અને વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23° 20´ ઉ. અ. અને 77° 48´ પૂ. રે.. તે ભોપાલથી પૂર્વમાં 45 કિમી. અંતરે ભોપાલ-સાગર માર્ગ પર આવેલું છે. આ નગર વિંધ્ય હારમાળાની એક ટેકરી પરના તે જ નામ ધરાવતા ભવ્ય કિલ્લાની તળેટીમાં વસેલું છે. આ નામ સંભવત: ‘રાજ્યાસન’, ‘રાજશયન’ કે ‘રાજવાસિની’માંથી ઊતરી આવ્યાનું અનુમાન થયું છે. આ નામ કદાચ અહીંના કિલ્લાના સ્થાપક રાયસિંહને અનુલક્ષીને હોવાનો સંભવ વિશેષ છે. ઇતિહાસનાં કેટલાંક પુસ્તકોમાં કિલ્લાનું નામ પણ ‘રાયસિંહ’ જોવા મળે છે. કિલ્લો રેતીખડકની ટેકરી પર આવેલો છે અને તે પથ્થરથી બનાવેલા મજબૂત કોટથી આરક્ષિત છે. કોટમાં નવ દરવાજા અને તેર બુરજ છે. કિલ્લાના અંદરના ભાગમાં ઘણી ઇમારતોનાં ખંડિયેરો છે. તેમાં બાદલ મહેલ, રાજા રોહાનીનો મહેલ, અત્તરદારનો મહેલ તેમજ મસ્જિદ આવેલાં છે. કિલ્લામાં ચાર જેટલાં તો તળાવો છે. કિલ્લાની દીવાલો પર કેટલાક લેખ જોવા મળે છે, તે પૈકી એક કે બે લેખ ફારસી ભાષામાં પણ છે.

મધ્ય ઐતિહાસિક કાળ દરમિયાન પૂર્વ માળવાના પ્રદેશ માટે આ સ્થળનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ હતું. સોળમી સદીમાં સિલહરી નામના એક રજપૂત યોદ્ધાનું તેના પર ખૂબ વર્ચસ્ હતું. મુઘલ કાળ વખતે પણ તે વહીવટી મથક રહેલું. અહીં વર્ષમાં ઘણા ઉત્સવો ઊજવાય છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા