રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય (જ. 1903 કાહેન, જિ. મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 30 ઑગસ્ટ 1981) : કલાસૌંદર્યના ઉપાસક, ઇતિહાસ અને સાહિત્યક્ષેત્રના એક પ્રતિભાવંત વિદ્યાપુરુષ. બ્રાહ્મોસમાજના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા મહેન્દ્રરાય એક આદર્શ શિક્ષક અને બંગભંગ તથા સ્વદેશીની ચળવળના રંગે રંગાયેલા. પિતાનો સ્વદેશપ્રેમનો વારસો પુત્રે જાળવ્યો. અનુશીલન સમિતિમાં અને ક્રાંતિકારી દળ સાથે વધુ સક્રિય બનતાં તેમને સરકારે હદપાર કર્યા હતા.
તેમણે સિલ્હટની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી ઇતિહાસ અને સંસ્કૃત વિષય સાથે 1924માં બી.એ. તેમજ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિષય સાથે 1926માં પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. ઉત્તર ભારતના રાજકીય ઇતિહાસ વિશેના મહાનિબંધ માટે તેમને મૃણાલિની સુવર્ણચંદ્રક મળ્યો. વળી સરકાર તરફથી તેમને ફેલોશિપ મળી અને ભારતીય કલા અને પુરાતત્ત્વ-વિષયક સંશોધન માટે રિસર્ચ સ્કૉલરની કામગીરી કરવાની થઈ.
1929માં બ્રહ્મદેશના પૌરાણિક દેવતાઓ વિશેના મહાનિબંધ માટે તેમને ગ્રિફિથ પુરસ્કાર તથા સ્કૉલરશિપ તેમજ બર્માની સ્થાપત્ય-કલા માટે પ્રેમચંદ રાયચંદ પુરસ્કાર પ્રાપ્ત થયાં. ‘બ્રહ્મદેશની કલા અને પુરાતત્ત્વ’ નામક સંશોધનપૂર્ણ લેખ માટે માઉન્ટ ગોલ્ડ ચંદ્રક તેમને મળ્યો. 1931માં કોલકાતા યુનિવર્સિટીમાં ભારતીય ઇતિહાસ, કલા અને સંસ્કૃતિ વિષયના બાગીશ્વરી પ્રાધ્યાપક નિમાયા. તેમના ‘બ્રાહ્મનિકલ ગૉડ્સ ઑવ્ બર્મા’ નામક ગ્રંથ 1932માં અને ‘સંસ્કૃત બુદ્ધિઝમ ઇન બર્મા’ 1936માં પ્રકટ થયા. ત્યારબાદ તેમણે ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને શિલ્પ-સ્થાપત્યનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો.
તે પછી ગ્રંથાલયશાસ્ત્રના અભ્યાસ માટે તેઓ લંડન ગયા, ગ્રંથાલયશાસ્ત્રનો ડિપ્લોમા મેળવ્યો, ફેલો બન્યા અને શિષ્યવૃત્તિ મેળવી. પછી હોલૅન્ડ ગયા. ત્યાં પ્રાચ્યવિદ્યામાં લીડન યુનિવર્સિટીમાંથી ડી.લિટ્. અને ડી.ફિલ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી (1936). પછી ભારત પાછા ફરીને કોલકાતા યુનિવર્સિટીના મુખ્ય ગ્રંથપાલ તરીકે કામ શરૂ કર્યું. દરમિયાન ‘કોલકાતા રિવ્યૂ’ માસિકપત્રનું સંપાદન સંભાળ્યું. તેમના ‘બંગાલીર ઇતિહાસ : આદિપર્વ’ (1949) ગ્રંથ માટે બંગીય સરકાર તરફથી તેમને ‘રવીન્દ્ર પુરસ્કાર’ પ્રાપ્ત થયો (1950). તે ગ્રંથ ભારતીય પ્રજાના સામાજિક ઇતિહાસના ક્ષેત્રે અપ્રતિમ અને અમર લેખાય છે.
1954-56 દરમિયાન બ્રહ્મદેશ સરકારે તેમને સાંસ્કૃતિક સલાહકાર સ્થાપીને તેમની બહુમુખી વિદ્વત્તાને માન આપ્યું. ત્યારબાદ તેઓ રાજ્યસભાના સભ્યપદે પણ રહ્યા હતા.
‘રવીન્દ્ર સાહિત્યેર ભૂમિકા’ (1941) અને ‘ઍન આર્ટિસ્ટ ઇન લાઇફ’ નામના બે ગ્રંથોએ તેમને ભારે કીર્તિ અપાવી. ‘ઍન આર્ટિસ્ટ ઇન લાઇફ’ કૃતિને 1949ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ આપવામાં આવ્યો.
1952માં તેમણે અમેરિકા, હોલૅન્ડ તથા જર્મનીની અનેક યુનિવર્સિટીઓમાં અતિથિ-પ્રાધ્યાપક તરીકે લાંબો વ્યાખ્યાન-પ્રવાસ ખેડ્યો હતો. 1963માં અખિલ બંગીય સાહિત્ય પરિષદ, લખનૌના અધિવેશનના પ્રમુખપદે તેમની વરણી કરવામાં આવેલી. 1967માં તેઓ ભારતીય ઇતિહાસ કૉંગ્રેસ, પતિયાળાના અધિવેશનના પ્રમુખ બન્યા. 1965થી 1970 સુધી તેમણે સિમલા ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડિઝના પ્રસ્થાપક-પરિચાલક તરીકે કામગીરી કરી. પછી સરકારે તેમને પે કમિશનના સભ્ય નીમ્યા. 1973માં પૅરિસમાં યોજાયેલ અખિલ વિશ્વ પ્રાચ્ય વિદ્યાપરિષદમાં ભારત સરકારે પોતાના પ્રતિનિધિ તરીકે તેમની વરણી કરી. 1980માં ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટૉરિકલ રિસર્ચના ચૅરમૅન બન્યા. એમની વિદ્યાકીય તથા શૈક્ષણિક ક્ષેત્રની બહુમૂલ્ય સેવાને ભારત સરકારે ‘પદ્મભૂષણ’નું સન્માન આપી નવાજી હતી (1962). તેઓ એશિયાટિક સોસાયટી, જ્ઞાનપીઠ તથા બીજી ઘણી સાહિત્યિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે ઘણો લાંબો સમય સંકળાયેલા રહેલા.
બળદેવભાઈ કનીજિયા