રાયપુર : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 19° 57´થી 21° 53´ ઉ. અ. અને 81° 25´થી 83° 38´ પૂ. રે. વચ્ચેનો 21,258 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો છત્તીસગઢ રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ત્રીજા ક્રમે આવે છે, પરંતુ વસ્તીમાં પ્રથમ ક્રમે આવે છે. તેની ઉત્તરે બિલાસપુર, ઈશાનમાં રાયગઢ, પૂર્વ અને દક્ષિણમાં ઓરિસા રાજ્યની સરહદ પરના કોરાપુટ અને કાલાહંદી જિલ્લા, નૈર્ઋત્યમાં બસ્તર તથા પશ્ચિમ તરફ દુર્ગ જિલ્લા આવેલા છે. ખરન નદી જિલ્લાની પશ્ચિમ સરહદ રચે છે. શિવનાથ અને મહાનદી બિલાસપુર જિલ્લા સાથે ઉત્તર સરહદ રચે છે. જિલ્લાની ઉત્તર-દક્ષિણ લંબાઈ 227 કિમી. જેટલી અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 114 કિમી. જેટલી છે. જિલ્લામથક રાયપુર જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો મહાનદી દ્વારા બે મુખ્ય પ્રાકૃતિક વિભાગોમાં વહેંચાઈ ગયેલો છે. મહાનદી જિલ્લાના પશ્ચિમ છેડેથી નીકળી, મધ્ય ભાગમાં થઈને ઈશાન તરફ વહે છે અને ઉત્તર સરહદ રચે છે. પશ્ચિમ સરહદે ખરન નદી ઉત્તર તરફ વહે છે અને શિવનાથ નદીને મળે છે. મહાનદી અને ખરન નદી વચ્ચેની ખીણ લાંબી ડુંગરધારથી જુદી પાડી શકાય છે. અહીંના ટેકરાઓનું ઉપલું જમીનસ્તર લૅટરાઇટજન્ય ભાઠાથી બનેલું છે. વાસ્તવમાં તો તે હલકી કક્ષાનો રાતા રંગનો લૅટરાઇટ ખડક જ છે, તે ભાગ્યે જ ભેજનો સંગ્રહ કરી શકે છે. આ ઉપરાંત જિલ્લામાં ભેજસંગ્રહ ન કરી શકે એવી છિદ્રાળુ રેતાળ જમીનો તેમજ ભેજસંગ્રહની ક્ષમતાવાળી કાળી જમીનો પણ આવેલી છે. છત્તીસગઢ થાળાનાં મેદાનોથી પૂર્વ અને દક્ષિણ તરફનો તથા અગ્નિકોણી ભાગ પહાડી છે. અહીંની ટેકરીઓમાં શૃંગ અને અંગિરા ઋષિના નામની ટેકરીઓ પણ છે.
જિલ્લાના પૂર્વ, દક્ષિણ તેમજ અગ્નિ દિશાના વિસ્તારોમાં જંગલો આવેલાં છે. અહીં પહાડી ભાગોમાં સાલ, સુજા, કાથો, બીજાં, બહેડાં, ધવરા, મહુડો, ટીમરુ, હલ્દુ વગેરે તથા મેદાની ભાગોમાં બાવળ, પલાશ અને સિરસાનાં વૃક્ષો જોવા મળે છે.
મહાનદી અહીંની મુખ્ય નદી છે. જિલ્લાની ભૂમિનો સામાન્ય ઢોળાવ ઉત્તર તરફનો છે; તેથી મોટાભાગનાં નદી-નાળાં ઉત્તર તરફ વહે છે. મહાનદીની મુખ્ય સહાયક નદીઓમાં આ જિલ્લા પૂરતી પૈરી, શિવનાથ અને જોન્ક છે. ઉપરવાસમાં વહેતી નદીઓ વેગવાળી હોય છે. મહાનદીને હિરાકુડ અને દૂધવા ખાતે બંધ બાંધીને નિયંત્રિત કરી છે. ખરન નદી દુર્ગ જિલ્લામાંથી નીકળીને ઈશાન તરફ વહે છે. તે રાયપુર શહેરથી પશ્ચિમે 9 કિમી. અંતરેથી પસાર થાય છે અને રાયપુર-દુર્ગ જિલ્લાઓની સરહદ રચે છે. પૈરી નદી મૈનપુર પાસેથી નીકળે છે, તે આશરે 45 કિમી.ના અંતર સુધી વહ્યા પછી સોન્દર નદીને મળે છે. બંનેનું સંયુક્ત વહેણ પછીથી મહાનદીને મળે છે.
ખેતી-પશુપાલન : જિલ્લાની કુલ ખેડાણયોગ્ય 11,36,200 હેક્ટર ભૂમિ પૈકી વાવેતરયોગ્ય વિસ્તાર 9,33,500 હેક્ટર છે. 33 % જમીનોને સિંચાઈ ઉપલબ્ધ થાય છે. સિંચાઈ માટેનો મુખ્ય સ્રોત નહેરો છે. ડાંગર, ઘઉં અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાયો અને ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.
ઉદ્યોગ-વેપાર : જિલ્લામાં વિકસેલા મોટાભાગના ઉદ્યોગો રાયપુર અને તેની આજુબાજુમાં આવેલા છે. અહીં સિમેન્ટનાં કારખાનાં પણ છે. અડવાણી-ઓરલીકોનન લિ., ઍલાઇડ સ્ટીલ્સ લિ., રાયપુર ઍલૉયઝ ઍન્ડ સ્ટીલ લિ. વિશેષ ઉલ્લેખનીય છે. અહીંથી ચોખા, સિમેન્ટ અને ખાદ્યતેલની નિકાસ થાય છે; જ્યારે ઘઉં અને કાપડની આયાત થાય છે.
પરિવહન-પ્રવાસન : આ જિલ્લો દક્ષિણ-પૂર્વીય રેલવિભાગના હાવરા-મુંબઈ રેલમાર્ગ પર આવેલો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 6 અહીંથી પસાર થાય છે. જિલ્લામથક રાયપુર હવાઈ માર્ગો દ્વારા ભોપાલ, નાગપુર, ગ્વાલિયર, ઇન્દોર અને દિલ્હી સાથે જોડાયેલું છે. આ જિલ્લામાંના રાજીમ ખાતે આવેલું રાજીવલોચન મંદિર એકમાત્ર મહત્ત્વનું મંદિર છે. કાર્તિક, માઘ અને ચૈત્રની પૂનમે; શિવરાત્રી તથા દશેરાએ મેળાઓ ભરાય છે. ભાટગાંવ, સરસિવા, રુદ્રેશ્વર મહાદેવ, દેવપુર અને ચિત્રકોટના મેળા પણ ઉલ્લેખનીય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 30,09,042 જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, જૈન અને શીખની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ તેમજ અન્ય ધર્મોના લોકોની વસ્તી ઓછી છે. અહીં હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, ઊડિયા, પંજાબી, સિંધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 40 % જેટલું છે. નગરો ઉપરાંત આશરે 80 % ગામડાં શિક્ષણની તેમજ આશરે 10 % ગામડાં તબીબી સેવાની સુવિધા ધરાવે છે. જિલ્લામાંથી પાંચ જેટલાં દૈનિક સમાચારપત્રો નીકળે છે. રાયપુર ખાતે આકાશવાણીનું મથક પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 15 તાલુકાઓમાં અને 24 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 15 નગરો અને 4,033 (170 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં રાયપુર જિલ્લો દક્ષિણ કોશલનો એક અંતર્ગત ભાગ હતો. આજે જે છત્તીસગઢ છે તે પહેલાંના વખતમાં દક્ષિણ કોશલ કહેવાતું હતું. હ્યુ-અન-શ્વાંગનાં લખાણોમાંથી ઉલ્લેખ મળે છે કે રાયપુર જિલ્લાનો કેટલોક ભાગ સાતવાહન શાસકો હેઠળ હતો. ગુપ્તવંશના સમુદ્રગુપ્તે ચોથી સદીના મધ્ય ભાગમાં આ પ્રદેશ જીતી લીધેલો. તે પછી અહીં છઠ્ઠી સદી સુધી ગુપ્તવંશે રાજ્ય કરેલું. ગુપ્તવંશના શાસકોને કોણે હાંકી કાઢ્યા તેની કોઈ માહિતી મળતી નથી; પરંતુ દસમી સદીમાં હૈહયો અહીં સત્તા પર આવેલા.
1741માં મરાઠા સેનાપતિ ભાસ્કર પંતે, તે જ્યારે બંગાળ પર ચઢાઈ કરવા જઈ રહ્યો હતો ત્યારે, રતનપુરને હરાવેલો પરંતુ રાયપુરનો હૈહયોનો સેનાપતિ અમરસિંહ મરાઠાઓથી ગભરાયો ન હતો, તેમ છતાં, 1750માં તેને ઉઠાડી મૂકવામાં આવેલો. રાયપુર, રાજીમ અને પાટણ પરગણાં તેને અપાયેલાં અને તેના બદલામાં અમરસિંહને વાર્ષિક રૂ. 7,000/- ખંડણી ભરવી પડતી હતી. 1753માં અમરસિંહના મૃત્યુ બાદ મરાઠાઓએ આ પ્રદેશ પોતાને હસ્તક લઈ લીધો. 1753થી 1818 સુધી મરાઠાઓએ અહીં શાસન કરેલું. 1757માં બિંબાજીએ નાગપુર ખાતે મરાઠાઓનો વહીવટ હાથ પર લીધો અને લશ્કરી શાસન હેઠળ શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પ્રવર્તાવી. 1787માં તેના મૃત્યુ બાદ તેની વિધવા આનંદીબાઈએ વિઠ્ઠલ દેવકરની મદદથી આ રાજ્યનો વહીવટ સંભાળ્યો. વિઠ્ઠલ દેવકરે અહીં પરગણાંની વ્યવસ્થા ઊભી કરેલી.
જ્યારે આ પ્રદેશ બ્રિટિશ હકૂમત હેઠળ આવ્યો ત્યારે કૅપ્ટન એડમંડ અહીંનો પ્રથમ અધિકારી બનેલો; પરંતુ થોડા જ વખતમાં તે મૃત્યુ પામેલો. તેના સ્થાને કર્નાલ ઍગ્નુ આવ્યો. તેણે અહીં ન્યાયી રીતે અને દૃઢપણે વહીવટ સંભાળ્યો, કાયદો-વ્યવસ્થા જાળવ્યાં અને જમીન-મહેસૂલ પ્રથામાં ઘણા સુધારા કર્યા. અહીં બ્રિટિશ-રક્ષિત રાજ્ય 1818થી 1830 સુધી ચાલેલું; પરંતુ તે પછીથી છત્તીસગઢ અને અન્ય પ્રદેશો મરાઠાઓને પાછા મળ્યા; નાગપુર પ્રાંત રદ થયો અને છત્તીસગઢ સહિતના ભોંસલેના પ્રદેશો બ્રિટિશ શાસન હેઠળ આવ્યા. આ અરસામાં પણ વિસ્તારની દૃષ્ટિએ રાયપુર મોટો જિલ્લો હતો. 1856માં તેને રાયપુર અને ધમતરી જેવા બે તાલુકાઓમાં વિભાજિત કર્યો. 1856માં જ દુર્ગને પણ તાલુકો બનાવાયો. 1861માં બિલાસપુરને રાયપુરથી અલગ કર્યો. 1863માં સિમગા નામનો ચોથો તાલુકો રાયપુરમાં ઉમેરવામાં આવ્યો. 1906 સુધી આ સ્થિતિ કાયમ રહી. 1906માં દુર્ગ, ધમતારી અને સિમગાના કેટલાક ભાગો લઈને દુર્ગનો અલગ જિલ્લો રચવામાં આવ્યો. બાકીના પ્રદેશોને 4 તાલુકાઓમાં વિભાજિત કર્યા. મહાસમંદનો નવો તાલુકો રચ્યો અને એ જ વખતે સિમગા તાલુકાને રદ કર્યો. ત્યારબાદ જૂના સિમગાના અને બિલાસપુર જિલ્લાના કેટલાક ભાગો લઈને બલોદા બાઝારની રચના કરી અને અંતે તેને રાયપુરમાં ભેળવવામાં આવ્યો.
રાયપુર (શહેર) : છત્તીસગઢના રાયપુર જિલ્લાનું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 21° 15´ ઉ. અ. અને 81° 35´ પૂ. રે.. તે મહાનદીની સહાયક ખરન નદીથી પૂર્વમાં 9 કિમી. અંતરે વસેલું છે. તે મુંબઈ-હાવડા રેલમાર્ગ પર અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 6 પર આવેલું છે. તે ખાદ્યપ્રક્રમણ અને લાકડાં વહેરવાની મિલોનું મથક હોવાથી માલની હેરફેર માટે રેલમાર્ગ દ્વારા વિઝિયાનાગ્રામ અને વિશાખાપટ્ટણમ્ બંદર સાથે જોડાયેલું છે. અહીં ચોખા અને રેશમ માટેની પ્રાયોગિક ધોરણે ચાલતી વાડીઓ આવેલી છે. આ નગરમાં સંગીત અકાદમી, સંગ્રહાલય અને ક્ષયચિકિત્સા કેન્દ્ર આવેલાં છે. તે રવિશંકર યુનિવર્સિટી(1964)નું મથક પણ છે.
આ શહેર રતનપુર વંશના રાય બ્રહ્મદેવ દ્વારા ચૌદમી સદીમાં સ્થપાયેલું. તે જૂના છત્તીસગઢ વિસ્તારના દેશી રાજ્યનું રાજધાનીનું મથક પણ રહેલું. 1867માં અહીં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવેલી. 1991માં આ શહેરની વસ્તી 4,61,851 જેટલી હતી.
ગિરીશભાઈ પંડ્યા