રામ પાણિવાદ (જ. 1707 આ., કિળ્ળિકુરિશિ, કેરળ; અ.?) : કેરળના પ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત-મલયાળમ ભાષાઓના કવિ. પાણિવાદ્ય એટલે ઢોલક (હાથથી વગાડવાનું વાદ્ય). તે વગાડનાર જાતિ તે પાણિવાદ કે પાણિઘ કે નમ્બીઆર. એમનો પરમ્પરાગત ધંધો નટો-ચક્કિપોરોને સંસ્કૃત નાટકો ભજવવામાં મદદ કરવાનો. તેમની સ્ત્રીઓ સ્ત્રીપાત્રો ભજવતી.
પિતા મધ્ય ત્રાવણકોરમાંના કુમારનલ્લૂરના નમ્પૂદિરિ બ્રાહ્મણ, કિળ્ળિકુરિશિમંગલમ્ મંદિરના પૂજારી. ગુરુ પિતા ઉપરાંત થ્રિક્કારિમોણ ઇલ્લમના નારાયણ ભટ્ટતિરિ. ‘શ્રીકૃષ્ણવિલાસમ્’માં કવિ ગુરુએ કિળ્ળિકુરિશિમંગલમ્ શિવમંદિરના જીર્ણોદ્ધાર સમયે કરેલ પ્રતિષ્ઠાવિધિની વિગતો આપે છે. આ નારાયણ ભટ્ટપાદ 1560-1646માં થયેલા ‘નારાયણીય’ આદિના કર્તાથી જુદા છે.
સાહિત્યિક પ્રગતિ અર્થે આઠ રાજાઓના આશ્રયે રામ રહેલા : (1) વેટ્ટતુનાડુનૃપ વીરરાય, (2) મુકુન્દપુરમના જાગીરદાર મુશ્ર્વિનાટ્ટુ નમ્બીઆર, (3) મનકોટ્ટુ અચન, (4) પાલિયતુ અચન, (5) પાલિયમના જાગીરદાર શ્રીકુબેર તથા (6-7-8) છેમ્પકશ્શેરિના નમ્પૂદિરિ રાજા દેવનારાયણ, વીરમાર્તંડવર્મન્ અને કાર્તિક તિરુનાલ મહારાજ.
કૃતિઓ ઘણી છે : સંસ્કૃતમાં ચાર રૂપકો : (1) ‘ચન્દ્રિકાવીથી’, (2) ‘લીલાવતી વીથી’, (3) ‘મદનકેતુચરિતમ્’ (પ્રહસન) તથા (4) ‘સીતારાઘવમ્’ (નાટક).
ત્રણ કાવ્યો : (1) ‘વિષ્ણુવિલાસ’-કાવ્ય સ્વોપજ્ઞ ટીકા ‘વિષ્ણુપ્રિયા’ સાથે (8 સર્ગ; નવ અવતાર વિષયક), (2) ‘ભાગવતચમ્પૂ’ (દશમસ્કન્ધવિષયક, સાતમાંથી ચાર સ્તબક શોધાયા છે, તેમાં ઘણી પ્રાકૃત કંડિકાઓ છે), (3) ‘રાઘવીયમ્’, સ્વોપજ્ઞ ટીકા ‘બાલપાઠ્યા’ સહિત (મહત્તમ કૃતિ : 20 સર્ગમાં 1,576 શ્ર્લોક).
મહત્વનાં સ્તોત્રો પાંચ છે (1) ‘મુકુન્દશતકમ્’, (2) ‘શિવશતકમ્’, (3) ‘પંચપદી’, (4) ‘અમ્બરનદીશસ્તવનમ્’ અને (5) ‘સૂર્યશતકમ્’. શાસ્ત્રીય ગ્રંથો ત્રણ છે – (1) ‘વૃત્તવાર્તિકમ્’ (સંસ્કૃત છન્દો વિશે), (2) ‘રાસક્રીડા’ (4 પરિચ્છેદોમાં છંદોનાં ઉદાહરણો), અને (3) ‘તાલ-પ્રસ્તાર’ (તાલ વિશે, અનુષ્ટુપમાં), સ્વોપજ્ઞ ઉપરાંત અન્ય બે ટીકાઓ (1) સુકુમારકૃત ‘શ્રીકૃષ્ણવિલાસકાવ્ય’ની ‘વિલાસિની’ અને (2) નારાયણ ભટ્ટપાદના ‘ધાતુકાવ્ય’નું ‘વિવરણ’ (અપૂર્ણ).
પ્રાકૃત રચનાઓ ત્રણ છે (1) ‘કંસવહો’ (‘કંસવધ:’) ચાર સર્ગમાં અને (2) ‘ઉસાણિરુદ્ધં’ (‘ઉષાનિરુદ્ધમ્’) ચાર સર્ગમાં. આ બે કાવ્યો ઉપરાંત (3) વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ ઉપરની ‘પ્રાકૃતવૃત્તિ’. તેનાં સંસ્કૃત નાટકોમાં તથા ‘ભાગવતચમ્પૂ’માં પણ પ્રાકૃત ઠીક ઠીક આવે છે.
મલયાળમમાં તો ઘણી કૃતિઓ પૈકી મહત્વની (1) ‘શ્રીકૃષ્ણ-ચરિતમ્’ (મણિપ્રવાળ પદ્ધતિઐ); (2) ‘શિવપુરાણમ્’ – (કિળિપ્પાટ્ટુ); (3) ‘પંચતન્ત્રમ્’ (કિળિપ્પાટ્ટુ) – મૂળ સંસ્કૃતનું રૂપાન્તર; (4) ‘રુક્માંગદચરિતમ્’ (કિળિપ્પાટ્ટુ).
રામ પાણિવાદ અપરિણીત જ રહ્યા લાગે છે.
રામ પાણિવાદ અને કુંજન નમ્બીઆર એક જ વ્યક્તિ છે કે બે અલગ અલગ છે એ વિશે કેરળના મલયાળમ પંડિતોમાં બહુ ચર્ચા ચાલી છે. જે વિદ્વાનો બન્ને એક જ છે એમ માને છે તેઓ સહજ રીતે જ કુંજન નમ્બીઆરની વીસેક કુળ્ળલપટ્ટુઓનું કર્તૃત્વ પણ રામને જ આપે છે ! ‘કુળ્ળલપટ્ટુ’ એટલે ઐતિહાસિક શૌર્યગાથા (ballad).
જયન્ત પ્રે. ઠાકર
પ્ર. ઉ. શાસ્ત્રી