રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ (Rampal, Jean-Pierre, Louis) (જ. 7 જાન્યુઆરી 1922, મર્સાઇલ, ફ્રાંસ) : વિશ્વપ્રસિદ્ધ વાંસળીવાદક અને સ્વરનિયોજક (composer). મર્સાઇલ કૉન્સર્વેટરીમાં પિતા પાસે વાંસળીવાદન શીખી રામ્પાલ પૅરિસ કૉન્સર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે જોડાયા.
અભ્યાસ પૂરો કર્યા પછી, 1947માં વીશી (Vichy) ઑપેરા ઑર્કેસ્ટ્રામાં વાંસળીવાદક તરીકે જોડાયા અને 1951 લગી તેમાં રહ્યા.
આ પછી 1956થી 1962 સુધી તેઓ પૅરિસ ઑપેરામાં પ્રથમ વાંસળીવાદક (first flutist) રહ્યા. 1968માં તેઓ પૅરિસ કૉન્સર્વેટરીમાં અધ્યાપક તરીકે જોડાયા. આ પછી તેમણે વાંસળીવાદનના વિશ્વપ્રવાસો શરૂ કર્યા અને અપૂર્વ નામના અને ચાહના મેળવી.
રામ્પાલે અઢારમી સદીના સ્વરનિયોજકોનું સંગીત વગાડ્યું છે અને એ રીતે પોતાની વાંસળી દ્વારા વાચા આપી છે, તેમાંથી ઍન્તોનિયો વિવાલ્ડી અને જૉસેફ હાયડન (Haydn) મુખ્ય છે. 1945માં તેમણે ફ્રેન્ચ વિન્ડ ક્વિન્ટેટ અને 1953માં બેરૉક ઍન્સૅમ્બલ ઑવ્ પૅરિસની સ્થાપના કરી.
તેમની પોતાની રચનાઓ પણ તેમણે પોતે વગાડી છે અને તે પ્રસિદ્ધિ પણ પામી છે.
અમિતાભ મડિયા