રામુ (નદી) : પાપુઆ ન્યૂ ગિનીમાં આવેલી લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક નદી. જૂનું નામ ઓત્તિલિયેન. ભૌગોલિક સ્થાન : 5° 00´ દ. અ. અને 144° 40´ પૂ. રે.. તે ક્રાત્કે હારમાળાના અગ્નિભાગમાંથી નીકળે છે. મધ્ય થાળામાં થઈને વાયવ્ય તરફ વહે છે. તે દરમિયાન તેને ઘણાં નાનાં નદીનાળાં મળે છે. બિસ્માર્ક (દક્ષિણ), ફિનિસ્ટર અને ઍડેલબર્ટ(ઉત્તર)ની હારમાળાઓમાંથી વહીને આવતાં તે આશરે 400 કિમી. જેટલું અંતર કાપે છે, તેના છેલ્લા 100 કિમી.ના અંતર માટે તે ઉત્તર તરફ વહે છે. અહીં તેના ભાગો કળણવાળા બને છે તથા સોગેરામ નામની મુખ્ય સહાયક નદી તેને મળે છે. રામુ નદી સેપિક નદીના મુખથી 32 કિમી. અગ્નિ તરફ બિસ્માર્ક સમુદ્રમાં ઠલવાય છે. આ નદીમાં પૂર આવે છે ત્યારે તેનો પથ બદલાય છે. વારંવાર પ્રવાહપટ બદલતી હોવાથી તે જળમાર્ગ તરીકે ઉપયોગી બની શકતી નથી. આ નદીને કિનારે દુમ્પુ, બુંદી અને ઍતેમ્બલ જેવી વસાહતો આવેલી છે.
નદીના છેક ઉપરવાસમાં મારખમ નદીને અલગ પાડતા જળ- વિભાજક (water-divide) પાસે વર્ષાછાયાનો સૂકો પ્રદેશ આવેલો છે. ત્યાં ઘાસ ઊગી નીકળે છે, તેથી તેને પશુ ચરિયાણ તરીકે વિકસાવાયો છે. ઉપરવાસમાં આવેલા જળવિદ્યુત-મથક દ્વારા ઊંચાણવાળા પ્રદેશોને જળવિદ્યુત પૂરી પડાય છે.
જાહ્નવી ભટ્ટ