રા’મેલિંગ (શાસનકાળ ઈ. સ. 1400-1416) : સૌરાષ્ટ્રમાં વંથલીનો ચૂડાસમા વંશનો રાજા. રા’માંડલિક બીજાને પુત્ર હતો નહિ, તેથી તેનો ભાઈ મેલિગ સોરઠનો ગાદીવારસ બન્યો હતો. તેનું બીજું નામ મેલિંગદેવ પણ હતું. રા’મેલિંગદેવ બુદ્ધિશાળી અને સાહસિક હતો. તેના દીવાન હીરાસિંહની મદદથી તેણે નાનાં રાજ્યોને જીતી, સમૃદ્ધ સૈન્ય ઊભું કરી મુસ્લિમ સત્તા સાથે બાથ ભીડી હતી. ગુજરાતની અને દિલ્હીની ડામાડોળ પરિસ્થિતિનો લાભ લઈ રા’મેલિંગે જૂનાગઢમાં રહેલા શાહી થાણદારને કાઢી મૂક્યો અને પછી મુસ્લિમ સરદારોને વશ કરી લીધા. રા’મેલિંગે ચૂડાસમા વંશની રાજધાની વંથલીમાંથી જૂનાગઢ ફેરવી જૂનાગઢના મુસ્લિમ શાહી થાણદારને કાઢી મૂક્યો હોવાથી હવે તેને મુઝફ્ફરશાહ અને અહમદશાહ જેવા રાજકર્તાઓની નજર તળે રહેવાનું થયું હતું. સોરઠની પરિસ્થિતિ પણ ગંભીર હતી. કાઠીઓનું જોર વધ્યું હતું. આવા સમયે રા’મેલિંગે બુદ્ધિ અને હિંમતથી રાજ ચલાવ્યું. તેમાં તેનાં વીરતા, બળ અને બુદ્ધિમત્તાનાં દર્શન થાય છે. અહમદશાહ બાદશાહના બળવાખોર સરદાર શેરમલિકને રા´મેલિંગે સોરઠમાં આશ્રય આપ્યો હતો. આથી અહમદશાહે ઈ. સ. 1413માં સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. અહમદશાહે શરૂઆતમાં આવતા ઝાલાવાડના પાટનગર કૂવાને ઘેર્યું, ત્યારે ત્યાંના કૃષ્ણરાજને થયું કે પોતે હવે જીતી શકશે નહિ, તેથી તે ઝાલાવાડમાંથી ભાગીને સોરઠના ધણી રા´મેલિંગના આશ્રયે આવ્યો. આથી અહમદશાહ વધુ ક્રોધે ભરાયો. અહમદશાહનું લશ્કર રા’મેલિંગને હરાવવા સોરઠમાં વંથલી મુકામે આવી પહોંચ્યું; ત્યારે તેણે વંથલીના કિલ્લામાં રહી તે મુસ્લિમ સેનાનો જોરદાર સામનો કર્યો. આ લડાઈ ઈ. સ. 1413(વિ. સં. 1469)ના જેઠ સુદ સાતમ ને રવિવારના રોજ થઈ હતી. આ લડાઈની યાદગીરી જાળવી રાખતા સાત શિલાલેખો વંથલીમાંથી મળ્યા છે. આ લડાઈમાં મુસ્લિમ સેનાનો કચ્ચરઘાણ વળી ગયો અને રા’એ મુસ્લિમ સેનાનાં સાધન-સરંજામ બધું પોતાને હસ્તક કરી લીધું. પોતાની સેનાની આવી નામોશીભરી હારના સમાચાર અહમદશાહને મળ્યા. તેથી તે પોતે જ તુરત ઈ. સ. 1414માં મોટી સેના લઈને આવ્યો. રા´મેલિંગદેવ ખુદ અહમદશાહને સેના સાથે આવેલો જોઈને તેની સામે જીતવાની આશા ખોઈ બેઠો. તે નાસીને જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં ભરાઈ ગયો; પરંતુ અહમદશાહને તો હવે રા’મેલિંગદેવને હરાવવો જ હતો. તેથી તેણે ઉપરકોટને ઘેરો ઘાલ્યો. અંતે રા’ને શરણે થવાની ફરજ પડી. રા’ અહમદશાહ સામે હાજર થયો અને તેને નજરાણું ધર્યું અને અહમદશાહનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. તેથી અહમદશાહે તેને મુક્ત કરી જૂનાગઢમાં પોતાના એક સેનાધ્યક્ષની નજર હેઠળ મૂક્યો. ચારણી સાહિત્યમાં રા’એ ઉપરકોટના ઘેરા-સમયે કેસરિયાં કરી પોતે રણક્ષેત્રમાં વીરગતિ મેળવી છે એમ લખ્યું છે; જ્યારે મુસ્લિમ ઇતિહાસકારોએ તેને નજરાણું આપીને સાર્વભૌમત્વ સ્વીકારતો બતાવ્યો છે.

પ્રદ્યુમ્ન ભ. ખાચર