રામશાસ્ત્રી (જ. 1720, માહુલી, જિ. સાતારા; અ. 25 ઑક્ટોબર 1769, પુણે) : મહારાષ્ટ્રમાં પેશવાઓના શાસનકાળ દરમિયાન થઈ ગયેલા નીડર અને બાહોશ ન્યાયાધીશ. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતાનું નામ વિશ્વનાથ, માતાનું નામ પાર્વતીબાઈ અને અટક પ્રભુણે. બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી. થોડાક સમય માટે કાકાએ ભરણપોષણ કર્યું, પરંતુ ઉંમર વધવા છતાં દ્રવ્ય-ઉપાર્જન ન કરવાના બહાના હેઠળ કાકાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ તેઓ સાતારાના અનગળ નામના એક શાહુકારને ત્યાં ઘરકામ કરવા લાગ્યા. તેમની કામ કરવાની સચોટ પદ્ધતિ અને પ્રામાણિક આચરણથી પ્રભાવિત થયેલા શાહુકારે તેમને પોતાના ખર્ચે વિદ્યાભ્યાસ માટે કાશી મોકલ્યા, જ્યાં ધર્મશાસ્ત્રનું અધ્યયન પૂરું કરી 1751માં પેશવાના દરબારમાં શરૂઆતમાં શાસ્ત્રીના પદ પર અને ત્યારબાદ 1759માં ન્યાયાધીશના પદ પર નિમાયા. સમય જતાં તેઓ પેશવાના વિશ્ર્વાસુ સલાહકાર બન્યા. માધવરાવ પેશવા લગભગ દરેક મહત્વની બાબતમાં તેમની સલાહ લેતા અને મોટાભાગના કિસ્સામાં રામશાસ્ત્રીની સલાહ મુજબ નિર્ણય લેતા અને તેનો અમલ પણ કરતા. રામશાસ્ત્રી આખાબોલા હોવાથી કેટલીક બાબતોમાં પેશવાઓના નિર્ણયો સાચા ન હોય ત્યારે અથવા તેમના આચરણમાં કસર દેખાય ત્યારે તેઓ પેશવાને મોઢામોઢ સત્ય હોય તે સંભળાવી દેવામાં પાછીપાની કરતા નહિ.
1773માં નારાયણરાવ પેશવાનું પુણે ખાતે તેમના પ્રાસાદમાં ખૂન થયું. તે અંગેનું કાવતરું તેમના કાકા રઘુનાથરાવ પેશવાએ તેમનાં પત્નીની દોરવણીથી ઘડી કાઢ્યું હતું. આ સત્ય હકીકત મુજબ ન્યાયાધીશ તરીકે રામશાસ્ત્રીએ ચુકાદો આપી રઘુનાથરાવને દેહાંતદંડની સજા ફટકારી અને તે દ્વારા પોતાની નીડરતા, તટસ્થતા તથા સચ્ચાઈનો પરિચય આપ્યો અને ચુકાદો જાહેર કર્યા પછી તુરત જ ન્યાયાધીશના પદનું રાજીનામું પણ ધરી દીધું. સમય જતાં રઘુનાથરાવને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ 1777માં રામશાસ્ત્રીની ફરી વાર ન્યાયાધીશના પદ પર નિમણૂક કરવામાં આવી.
પુણે ખાતેના સુપ્રસિદ્ધ શનિવાર વાડામાં રામશાસ્ત્રી ન્યાય આપવાના કાર્ય ઉપરાંત વિદ્વાનોની પરીક્ષા લેવાનું કાર્ય પણ કરતા. એક વિદ્વાન તરીકે પણ તેમની ખ્યાતિ હતી.
રામશાસ્ત્રી સ્પષ્ટવક્તા અને નિ:સ્પૃહ હોવા ઉપરાંત મરાઠા શાસન પ્રત્યે તેમની વફાદારી સંપૂર્ણ હતી, જેને પરિણામે પેશવાઓના દરબારમાં તેમના માનમરતબામાં સતત વધારો થતો રહ્યો. વળી પેશવાઓએ તેમને પ્રસંગોપાત્ત, ઉદાર હાથે આર્થિક લાભ પણ આપ્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે