રામનવમી : હિંદુ ધર્મનો તહેવાર. રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરવા રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌસલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય અવતાર લીધો તે રામની જન્મતિથિ ચૈત્ર સુદ નોમ રામનવમી તરીકે ઓળખાય છે. રામ તે દિવસે બપોરે બાર વાગ્યે જન્મ્યા હતા. રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હતો અને સૂર્ય મેષ રાશિમાં હતો તથા કર્ક રાશિમાં ચંદ્ર અને ગુરુની શુભ યુતિ હતી ત્યારે થયો હતો. આથી રામનવમીનો તહેવાર કયા દિવસે ઊજવવો એ માટે ધર્મશાસ્ત્રમાં બપોરે બાર વાગ્યે નોમની તિથિ હોય ત્યારે ઊજવવા કહ્યું છે. હવે જો બંને દિવસે મધ્યાહ્ને નોમની તિથિ હોય તો બીજા દિવસની નોમ રામનવમી તરીકે ઊજવવી. બીજા દિવસે ત્રણ મુહૂર્તથી વધુ નોમ ના હોય તો પહેલા દિવસે રામનવમી ઊજવવી એવી શાસ્ત્રાજ્ઞા છે.
રામનવમીના દિવસે રામમંદિરોમાં ધામધૂમથી ભક્તિપૂર્વક ભગવાનની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. રામના ભક્તજનો રામનવમીના દિવસે ઉપવાસ કરે છે. રામનવમીનાં વ્રત અને ઉપવાસનો સંકલ્પ કરીને તેમની મૂર્તિની ષોડશોપચાર પૂજા કરે છે. ઉપવાસના અંતે પારણાં કરે છે. એ પછી રામનવમીના વ્રતનું ઉદ્યાપન કરે છે. બીજા દિવસે હોમ કરવામાં આવે છે.
ભારતમાં ઠેર ઠેર રામમંદિરો છે અને ત્યાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવે છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા