રામદાસુ (જ. 1630, નેલકોંડાપલ્લી, ભદ્રાચલમ, જિ. ખમ્મમ, આંધ્રપ્રદેશ; અ. ?) : સત્તરમી સદીના તેલુગુ કવિ. તેઓ ‘પરમ ભાગવત’ નામથી પ્રસિદ્ધ હતા. પિતા લિંગન્ના તેલુગુ તથા સંસ્કૃત ભાષાઓના વિદ્વાન હતા. માતા કામન્નાના બંને ભાઈ અક્ધના અને માદન્ના પણ વિદ્વાન અને યુદ્ધકલા તથા અન્ય કલાઓમાં પ્રવીણ હતા. તેઓ બંને 1640 આસપાસ ગોલકોંડાના સુલતાનની સેવામાં મંત્રીપદે રહ્યા હતા.
બાળપણથી ‘ગોપન્ના’ના નામથી ઓળખાતા રામદાસુ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેતા. તેમણે સંસ્કૃત, તેલુગુ, કન્નડ, ફારસી તથા ઉર્દૂ ભાષાઓ શીખી લીધી હતી. રઘુનાથ ભટ્ટરે તેમને અષ્ટાક્ષરી મંત્ર(વૈષ્ણવ ધર્મ પ્રમાણે નારાયણ યંત્ર)ની દીક્ષા આપી. નારાયણ યંત્રની સાથે ‘ગાયત્રી જપમ્’ની પણ તેમને દીક્ષા આપવામાં આવી હતી. ‘નારાયણ જપમ્’ કરતાં તેઓ પોતાને ‘નારાયણદાસુ’ (નારાયણ કે મહાવિષ્ણુના ભક્ત) સમજતા રહ્યા. મૂળ રામાયણનો પાઠ કરતાં તેમને જ્ઞાન થયું કે રામાયણના નાયક શ્રીરામ જ ઈશ્વર છે.
10 વર્ષની વયે તેમણે રચેલા ગીતમાં શ્રીરામે તેમને દર્શન આપ્યાનો ઉલ્લેખ છે. કબીરદાસ નામના કબીરપંથી ફકીરે તેમને ‘તારક યંત્ર’ની દીક્ષા આપી ત્યારથી તેમના જીવનમાં ભારે પરિવર્તન આવ્યું. ભક્તો, તીર્થયાત્રીઓ અને સાધુસંતોની સેવામાં માતાપિતાની ધનરાશિ ખર્ચી નાખી. પરિણામે ભિક્ષાવૃત્તિ સાથે ભક્તિગીતો ગાતા રહ્યા.
1650માં ભદ્રાચલમમાં રામનવમી મનાવવાની ઉત્કટ ઇચ્છાથી તેઓ તેમના મામાને ત્યાં હૈદરાબાદ ગયા. ત્યાંના સુલતાન મીરજુમલાએ તેમનાં ગીતોથી પ્રસન્ન થઈને તેમને 1652માં ભદ્રાચલમ અને પાલવંચાના તહસીલદાર નીમ્યા. ત્યારબાદ તેમણે ઉત્કટ ભક્તિભાવથી ભદ્રાચલમના રામમંદિરની મરામત અને શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીનાં આભૂષણો ને રત્નો પાછળ રાજ્યનો ખજાનો ખર્ચી નાખ્યો. પરિણામે 1665થી 1677 સુધી તેમને કારાવાસની યાતના ભોગવવી પડી. તેઓ કારાવાસમાં પણ ગીતોની રચના કરી તે ગાતા રહ્યા. મામાની વિનંતીથી કારાવાસમાંથી 1677 પછી તેમનો છુટકારો થયો; પછી વળી તેમને ભદ્રાચલમ અને ટેકાપલ્લીની શ્રીરામની જાગીર પણ મળી. વખત જતાં મંદિરના આરાધ્ય દેવતા રામના અનન્ય ભક્ત રૂપે તેઓ ખ્યાતિ પામ્યા અને ભદ્રાચલમના ‘રામદાસુ’ તરીકે જાણીતા થયા. ત્યાં રહીને તેમણે અદ્વિતીય ભક્તિગીતોની રચના કરી તથા ભજન-ગોષ્ઠિની પરંપરાનો પુનરુદ્ધાર કર્યો. ભદ્રાચલમ તીર્થનો ઉલ્લેખ બ્રહ્માંડ પુરાણમાં મળે છે. ગોદાવરીતટે આવેલા તે સ્થળે શ્રીરામ વગેરેએ વનવાસ કર્યાનું અને સીતાજીનું અપહરણ તે વિસ્તારમાંથી થયાનું કહેવાય છે.
તેમની કૃતિઓ પૈકી આજે માત્ર બે જ ઉપલબ્ધ છે : એક ‘શતકામ’ છે, જેમાં દાશરથી પ્રશંસા, અનુનય-વિનય, આત્મનિવેદન સંબંધી 100 પદરચનાઓ અને એવા પ્રકારનાં 200 ગીતો છે, તેમાં આત્મતત્વવિષયક કવિતા છે. બીજી કૃતિ છે ‘દાશરથી શતકમ્’. તેમાં પ્રભુના નામની મધુરતા અને તેમના ઉદાત્ત સ્વરૂપનું સૌંદર્ય અભિવ્યક્ત કરાયું છે. તેમનાં કેટલાંક કીર્તનો સંસ્કૃતમાં પણ છે. તેમણે કર્ણાટકના 21 રાગો અને હિંદુસ્તાની 6 રાગોમાં તેમનાં કીર્તનો રચ્યાં છે. તેમનાં કીર્તનોના વિષય અને ભાવનિરૂપણમાં છ પ્રકારની ભક્તિ અભિવ્યક્ત થાય છે. તેમનાં કીર્તનો આંધ્રપ્રદેશ ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક અને કેરળનાં મંદિર-પ્રાંગણો, નદીતટો અને ગ્રામીણ મેળાઓ તથા સમારોહોમાં પ્રચલિત થયાં અને સામૂહિક ગાયનનું માધ્યમ પણ બન્યાં.
તેમનાં કીર્તનોએ ત્યાગરાજ, તુમુ, નરસિંહદાસુ, વરદાસુ જેવા સંગીતકારોને પ્રેરણા આપી. તેમનાં કીર્તનો આટલાં લોકપ્રિય બન્યાં તેનું કારણ તેમાંની સાચી અને સબળ ભાવાભિવ્યક્તિ તેમજ તેમનું ઉદાત્ત જીવનદર્શન અને પરમાત્મદર્શન છે. તેમાં પારંપરિક સંગીત-પદ્ધતિઓના સરળ વિનિયોગ સાથે ભક્તની ઈશ્વર પ્રત્યે અસીમ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસનું નિરૂપણ છે.
તેમના અવસાન વિશે બે મત પ્રવર્તે છે : એક મત પ્રમાણે ભદ્ર પર્વત પરથી દેવદૂત તેમને વિમાનમાં સ્વર્ગમાં લઈ ગયો. બીજા મત પ્રમાણે ગોદાવરી નદીમાં પૂર આવવાથી તેમની હોડી ડૂબી જતાં તેમનો દેહાંત થયો.
બળદેવભાઈ કનીજિયા