રામચંદ્રન, ગોપાલસમુદ્રમ્ નારાયણ
January, 2003
રામચંદ્રન, ગોપાલસમુદ્રમ્ નારાયણ (જ. 8 ઑક્ટોબર 1922, એર્નાકુલમ, કેરળ; અ. 7 એપ્રિલ 2001) : આણ્વિક જૈવવિજ્ઞાન, સ્ફટિકવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના લબ્ધપ્રતિષ્ઠ સંશોધક અને અભ્યાસી.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાંથી લીધું. 1942માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી. (ઑનર્સ); 1944માં એ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી; 1947માં બૅંગલોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ(I.I.Sc.)માંથી ડી.એસસી. થયા. 1947-49 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીની કૅવેન્ડિશ પ્રયોગશાળામાં પોસ્ટડૉક્ટરલ સંશોધક તરીકે કાર્ય કરી પીએચ.ડી. થયા.
1946-49 સુધી વ્યાખ્યાતા અને 1949-52 સુધી મદદનીશ પ્રાધ્યાપક તરીકે I.I.Sc.માં; 1952-64 સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં જૈવભૌતિકીના પ્રાધ્યાપક; 1964-70 સુધી મદ્રાસ યુનિવર્સિટીના સેન્ટર ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડિઝ ઇન બાયોફિઝિક્સના નિયામક; 1970-78 સુધી I.I.Sc.માં પ્રાધ્યાપક; 1980-82 સુધી મૅથેમૅટિકલ ફિલૉસૉફીના પ્રાધ્યાપક; 1982-84 સુધી કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(C.S.I.R.)ના વિદ્યુત-વિજ્ઞાની અને 1984-89 સુધી ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના આલ્બર્ટ આઇન્સ્ટાઇન નૅશનલ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.
I.I.Sc.માં તેમણે આણ્વિક જૈવભૌતિકીનો એકમ શરૂ કર્યો. આ એકમ અને મદ્રાસ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગ(જે પાછળથી સેન્ટર ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડિઝ ઇન બાયોફિઝિક્સ ઍન્ડ ક્રિસ્ટલૉગ્રાફી તરીકે ઓળખાવા લાગ્યો)ને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવવાનો યશ તેમને જાય છે. જ્યારે તે I.I.Sc. અને મદ્રાસ યુનિવર્સિટીમાં હતા ત્યારે મદ્રાસ યુનિવર્સિટીના વાઇસચાન્સેલર ડૉ. સર લક્ષ્મણસ્વામી મુદાલિયર અને I.I.Sc.ના નિયામક સતીશ ધવનનો તેમને સંપૂર્ણ સહકાર અને ટેકો મળ્યો.
રામચંદ્રન શરૂઆતમાં I.I.Sc.માં હતા ત્યારે સ્ફટિક-ભૌતિકી અને સ્ફટિક-પ્રકાશિકી તેમના સંશોધનના મુખ્ય વિષયો રહ્યા. ઉપકરણન(instrumentation)ના ક્ષેત્રે, તેમના રસને અનુલક્ષી, તેમણે X-કિરણ માઇક્રોસ્કોપને જરૂરી X-કિરણોની ફોકસન અરીસા પ્રયુક્તિ તૈયાર કરી, જેને લીધે સ્ફટિક સમતલમાં નોંધાયેલ X-કિરણોનાં પરાવર્તનો, ઘનાવસ્થા અપક્રાંતિકતા (reactivity) અને સ્ફટિકવિકાસના ક્ષેત્રે પ્રયુક્ત થવા લાગ્યાં.
રામચંદ્રન પોતાની કારકિર્દી દરમિયાન ભૌતિકવિજ્ઞાની જ રહ્યા. કૅવેન્ડિશ પ્રયોગશાળામાં X-કિરણોના પરાવર્તન વડે ઘન સ્ફટિકના સ્થિતિસ્થાપક નિયતાંકો નક્કી કર્યા. તેમનું સંશોધનકાર્ય બે વિભાગમાં વહેંચાયેલું છે : (1) સ્ફટિકવિજ્ઞાન અને (2) બહુલક સંરૂપણ (polymer conformation). X-કિરણ-સ્ફટિકવિજ્ઞાનમાં તેમનું પ્રદાન મહત્વનું રહ્યું છે.
પ્રો. જે. ડી. બર્નલ જ્યારે મદ્રાસ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા ત્યારે તેમના સંપર્કથી જૈવિક સ્થૂળ અણુના બંધારણમાં રસ પડતાં તેમણે તે ક્ષેત્રે સંશોધન ચાલુ કરી દીધું. આ રીતે તે જૈવભૌતિકવિજ્ઞાન(biophysics)માં પ્રવેશ્યા. અહીં તેમણે કૉલેજન(collagen)ની ત્રિવિધ સર્પિલ સંરચના સૂચિત કરી અને પ્રગટ પણ કરી. તે શૃંખલાઓની વચ્ચે સુસંકલિત સંકુલન (close packing) અને સંતોષકારક હાઇડ્રોજન બંધન(bonding)ની ગોઠવણીમાં નિર્ણાયક ભાગ ભજવે છે.
ચંદ્ર તેની ધરી ઉપર ભ્રમણ કરે છે, સાથે સાથે પૃથ્વીની ફરતે પણ ભ્રમણ કરે છે. સમન્વિત (coordinated) ગતિને કારણે ચંદ્રની એક જ સપાટી પૃથ્વી તરફ રહે છે. આ ખ્યાલનો ઉપયોગ કરીને તેમણે કુંડલિત ગૂંચળાં(coiled coil)નું પરિરૂપ તૈયાર કર્યું. આ ખ્યાલ તેમણે કૉલેજનના બંધારણ સાથે સાંકળી લીધો, જેમાં ગ્લાયસિલ અવશેષ હમેશાં ત્રિવિધ કુંડલિનીના કેન્દ્ર તરફ રહે છે.
ભારતમાં કમ્પ્યૂટરનું આગમન થયું ન હતું ત્યારે જટિલ અને કંટાળાજનક ગણતરીઓ ઇલેક્ટ્રૉનિક ગણકયંત્ર (calculator) વડે કરવી પડતી હતી. રામચંદ્રન આ સ્થિતિમાં ધીરજપૂર્વક ગણતરીઓ પૂરી કરતા હતા. આ ગણતરીઓથી જે પરિણામો 1962માં બહાર આવ્યાં તેને ‘રામચંદ્રન મૅપ’ (map) તરીકે ઓળખવામાં આવે છે. જર્નલ ઑવ્ મૉલેક્યુલર બાયૉલોજીમાં તેની 1963માં પ્રસિદ્ધિ થઈ. આજે પ્રોટીન સંરૂપણમાં તેનો અવારનવાર ઉપયોગ થાય છે, કારણ કે તે સમયે પ્રોટીનનું સ્ફટિક-બંધારણ ઉપલબ્ધ ન હતું. પેપ્ટાઇડ અને પૉલિપેપ્ટાઇડની સંરચનાના અભ્યાસ માટે આ મૅપ મૂલ્યવાન પુરવાર થયો.
રામચંદ્રનનું મન હંમેશાં ખુલ્લું હતું. તેમના મૅપ સામે પડકાર થતાં તેમણે ગ્લાયસિલ બાબતે તેની યથાર્થતા પુરવાર કરી બતાવી. તે પોતાના સંશોધનકાર્ય પ્રત્યે ચોક્કસ અભિગમ ધરાવતા.
જ્યારે રામચંદ્રન ચેન્નાઈ(મદ્રાસ)થી બૅંગલોર આવ્યા ત્યારે જૈવ બહુલક સંરૂપણના ક્ષેત્રે સૈદ્ધાંતિક કાર્યનાં વિવિધ પાસાંઓ માટે પ્રાયોગિક પૂર્તિનો તેમનો મુખ્ય હેતુ. પેપ્ટાઇડ સંશ્ર્લેષણ, X-કિરણ-સ્ફટિકવિજ્ઞાન, ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝોનન્સ (NMR) અને અન્ય પ્રકાશિકીય અભ્યાસ પ્રત્યે તેમને સફળતા મળી અને તે પણ આણ્વિક જૈવ-ભૌતિકી એકમના એકમાત્ર છત્ર હેઠળ.
સંશોધનક્ષેત્રે તે કાર્યાન્વિત હતા ત્યારે તેમણે જીવનનો મોટો ભાગ ભારતમાં જ રહીને કામ કર્યું. 1965-66માં રામચંદ્રન મિશિગન યુનિવર્સિટી અને 1967-77 સુધી શિકાગો યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા. આ સમય દરમિયાન તેમણે કમ્પ્યૂટર-આધારિત ટૉમોગ્રાફી(tomography)માં પ્રયુક્ત થતા રેડિયોગ્રાફ અને ઇલેક્ટ્રૉન-માઇક્રોગ્રાફમાંથી ત્રિ-પારિમાણિક પ્રતિબિંબની પુન:રચના ઉપર ઉત્તેજનાત્મક સંશોધનકાર્ય કર્યું.
તેમના સંશોધન-વિષયને લગતી તમામ દેશ અને વિદેશની અકાદમીના તે ફેલો રહી ચૂક્યા હતા તથા વિવિધ શૈક્ષણિક અને સંશોધનસંસ્થાઓના સભ્ય કે અધ્યક્ષ પણ રહ્યા હતા.
તેમના વિશિષ્ટ સંશોધનકાર્યને અનુલક્ષી તેમની સિદ્ધિઓને બિરદાવતાં મોટા ભાગનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો, ઍવૉર્ડ, પદકો તથા ડી.એસસી. જેવી માનદ ઉપાધિઓ તેમને મળેલ છે.
તેમણે 1963 અને 1967માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદોનું ચેન્નાઈ ખાતે આયોજન કર્યું હતું. તેમાં જૈવબહુલક સંરચના અને સંરૂપણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓ અને સંશોધનકારોએ હાજરી આપી હતી. આ પરિસંવાદોમાં હાજરી આપનારાઓમાં લાઇનસ પાઉલિંગ, સેવેરો ઓકોઆ, ડેવિડ ફિલિપ્સ, મૉરિસ વિલકિન્સ, ડૉરોથી હૉજકિન (Hodgkin), સ્ટૅન્ફર્ડ મરે જેવા ખ્યાતનામ વિજ્ઞાનીઓનો સમાવેશ થાય છે. પરિસંવાદની કાર્યવાહીને ચાર પુસ્તકોમાં રામચંદ્રને સંપાદિત કરી.
જૈવ આણ્વિક સંરચનાના પૃથક્કરણ માટે તેમણે ભૌતિક-રાસાયણિક ખ્યાલો અને તક્નીકી આપી. રાસાયણિક ઘટક-અણુઓની સંરચના અને સંરૂપણના સંદર્ભમાં જૈવિક ક્રિયાઓની સમજૂતી આપી. તેમણે X-કિરણ-સ્ફટિકવિજ્ઞાનના સંશોધન માટે સંસ્થા ઊભી કરી. તે ‘કરન્ટ સાયન્સ’ના સંપાદક રહ્યા હતા. આ સાથે તે જર્નલ ઑવ્ મૉલેક્યુલર બાયૉલૉજી, બાયોકેમિકા એટ (et) બાયૉફિઝિકા એક્ટા (ઍમ્સ્ટર્ડામ), ઇન્ટરનૅશનલ જર્નલ ઑવ્ પેપ્ટાઇડ ઍન્ડ પ્રોટીન રિસર્ચ (કોપનહેગન), બાયોપૉલિમર (ન્યૂયૉર્ક); જર્નલ ઑવ્ બાયોમોલેક્યુલર સ્ટ્રક્ચર ઍન્ડ ડાયનૅમિક્સ (અલ્બેની) અને ઇન્ડિયન જર્નલ ઑવ્ બાયોકેમિસ્ટ્રી ઍન્ડ બાયોફિઝિક્સના સંપાદકમંડળમાં સક્રિય કામગીરી બજાવી.
તેમણે ફૂરિયે (Fourier) મેથડ્ઝ ઇન ક્રિસ્ટલૉગ્રાફી, ક્ન્ફર્મેશન ઑવ્ પૉલિપેપ્ટાઇડ્ઝ ઍન્ડ પ્રોટીન્સ અને એડ્વાન્સિઝ ઇન પ્રોટીન કેમિસ્ટ્રી ઉપર પુસ્તકો લખ્યાં.
રામચંદ્રન જીવનમાં ઊંચા આદર્શો સાથે રહ્યા અને કોઈ પણ સંજોગોમાં બાંધછોડ કરી ન હતી. કોઈ પણ પાસેથી મળતા સારા અને સર્જનાત્મક વિચારોને તેઓ આવકારતા તથા તેમાં ભાગીદારી કરતા હતા. તેઓ ખૂબ સાલસ હતા અને સરળતાથી તેમને મળી શકાતું હતું. તેમની સાથે ચર્ચા કરીને જનાર હંમેશાં નવા વિચારો (ખ્યાલો) સાથે જતા. તે સક્ષમ સંશોધક અને ઉચ્ચ કોટિના શિક્ષક હતા. તેમનાં વિચારો અને અભિવ્યક્તિ સ્પષ્ટ હતાં.
જીવનની સંધ્યાટાણે તેમની જીભ તોતડાતી હતી. પાર્કિન્સનના વ્યાધિનો ભોગ બન્યા હતા છતાં અંત સુધી તેમનું મન અને મગજ સતેજ રહ્યું. બેશક તે પ્રેરણામૂર્તિ રહ્યા. પ્રોટીન-સંરચના અને સંરૂપણના ક્ષેત્રે ભૂંસી ન શકાય તેવાં વજ્રલેપી પગલાં તેઓ પાડતા ગયા છે. વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના પ્રતીકરૂપે તે રામચંદ્રન મૅપ અને રામચંદ્ર ઍંગલ્સ આપતા ગયા છે.
પ્રહલાદ છ. પટેલ