રામચંદ્રન, એ. (જ. 1935, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1961માં તેમણે ફાઇન આર્ટનો ડિપ્લોમા મેળવ્યો. 1965માં ‘કેરળનાં ભીંતચિત્રો’ વિષય પર મહાનિબંધ લખીને શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.
રામચંદ્રન વિશાળ કદના કૅન્વાસ પર તૈલરંગોથી ભારતીય પુરાકથાઓ અને નારીનાં શણગારાત્મક (decorative) ચિત્રો સર્જે છે.
રામચંદ્રને દિલ્હીમાં 1966, ’67, ’68, ’70, ’75, ’77 અને ’78માં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં.
રાષ્ટ્રીય લલિત કલા અકાદમીનાં તેમજ ભારતનાં અન્ય વાર્ષિક કલા-પ્રદર્શનોમાં રામચંદ્રને ઘણી વાર ભાગ લીધો છે. આ ઉપરાંત ભારતના પહેલા, બીજા અને ત્રીજા ત્રિવાર્ષિક પ્રદર્શનમાં પણ ભાગ લીધો. આ ઉપરાંત ન્યૂ જર્સી, ઑસ્ટ્રેલિયા, ક્યોતો, ટોક્યો, ટોરૉન્ટો, બલ્ગેરિયા, ભૂતપૂર્વ યુગોસ્લાવિયા, બ્રાઝિલ, બેલ્જિયમ અને પોલૅન્ડમાં યોજાયેલી આધુનિક ભારતીય કલાનાં પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો.
દિલ્હીની નૅશનલ ગેલરી ઑવ્ મૉડર્ન આર્ટ તથા કેન્દ્રીય લલિત કલા અકાદમીના કાયમી કલાસંગ્રહોમાં અને ખાનગી કલાસંગ્રહોમાં રામચંદ્રનની કલાકૃતિઓ સંગ્રહાયેલી છે.
1978માં યોજાયેલ ચોથા ભારતીય (ત્રિ-વાર્ષિક) પ્રદર્શનમાં રામચંદ્રન મુખ્ય કાજી (કમિશનર) નિયુક્ત થયા હતા. તિરુવનંતપુરમના ઑલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર તે 1954થી 1957 લગી ગવૈયા (ગાયક) હતા. 1966થી 1990 લગી તે નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના કલા અને કારીગરી શિક્ષણ વિભાગમાં વ્યાખ્યાતા હતા. તેમણે બાળકો માટે અસંખ્ય ચોપડીઓ લખી છે અને તેમાં વાર્તાચિત્રો પણ દોર્યાં છે. હાલમાં (2002માં) તે દિલ્હી ખાતે નિવાસ કરી ચિત્રકલામાં વ્યસ્ત છે.
અમિતાભ મડિયા