રામકુમાર (જ. 1924, સિમલા) : આધુનિક ભારતીય ચિત્રકાર. રામકુમાર તૈલરંગોમાં અમૂર્ત નિસર્ગદૃશ્યોનાં ચિત્રો સર્જવા માટે જાણીતા છે. 1950થી ’51 સુધી પૅરિસમાં આંદ્રે લ્હોતે (Andre Lhote) અને ફર્નાન્ડ લેહાર (Fernand Leger) પાસે ચિત્રકલાની તાલીમ લીધી.

રામકુમારે 1951થી 1977 સુધીમાં દિલ્હીમાં 9 વૈયક્તિક પ્રદર્શનો, 1951થી 1973 સુધીમાં મુંબઈમાં 9 વૈયક્તિક પ્રદર્શનો, 1965માં કોલકાતામાં એક વૈયક્તિક પ્રદર્શન તથા અમદાવાદમાં 1998માં એક વૈયક્તિક પ્રદર્શન કર્યાં છે. આ ઉપરાંત રામકુમારે વિદેશમાં પૅરિસમાં (1951), પ્રાગમાં (Prague) (1955), કૉલમ્બોમાં (1957) તથા વૉર્સોમાં (Warsaw) વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે.

રામકુમાર

કેન્દ્રીય લલિત કલા અકાદમીનાં વાર્ષિક પ્રદર્શનોમાં તેમણે વારંવાર ભાગ લીધો છે. ટોકિયો, વેનિસ, સાઓ પૉલો, બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ, બ્રાઝિલ ખાતે યોજાયેલાં સમૂહ-પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો છે. તેમને ભારતની કેન્દ્રીય લલિત કલા અકાદમીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ 1956માં તથા 1958માં મળ્યો.

નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં, કેન્દ્રીય લલિત કલા અકાદમીમાં, મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં, પંજાબ યુનિવર્સિટી મ્યુઝિયમમાં, ચંડીગઢના પંજાબ મ્યુઝિયમમાં, અમેરિકાના ફૉર્ડ ફાઉન્ડેશનમાં, બર્લિનના નૅશનલ મ્યુઝિયમમાં, પ્રાગ(Prague)ના નૅશનલ મ્યુઝિયમમાં, વૉશિંગ્ટનના ગ્રે ફાઉન્ડેશનમાં તથા ન્યૂયૉર્કના હૅરી એબ્રમ્સ કલેક્શનમાં તેમની કૃતિઓ સંગ્રહાયેલી છે.

1971માં તેમને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો.

અમિતાભ મડિયા