રાની હબ્બાખાતૂન (1550-1597થી 1603 સુધીમાં, ચંદહાર, શ્રીનગર પાસે, કાશ્મીર) : કાશ્મીરી લેખિકા. 1550 સમય સંશોધકો અનુસાર બાહ્ય પ્રમાણોને આધારે 1597થી 1603 સુધીમાં માનવામાં આવે છે.
શ્રીનગરથી આઠ માઇલ દૂર દક્ષિણમાં ચંદહારના એક ખેડૂત કુટુંબમાં જન્મ. પિતાનું નામ અબ્દુલ રાપર. બાળપણથી જ તેઓ તીવ્ર સ્મરણશક્તિ તથા પ્રખર બુદ્ધિમત્તા ધરાવતાં હતાં. મક્તબમાં કુરાનનું શિક્ષણ ગ્રહણ કર્યું હતું અને ઘરમાં એમના પિતાએ એમને શેખ સાદીનું ‘ગુલિસ્તાન’, ‘બોસ્તાન’, ‘કરીમા’ ભણાવ્યાં હતાં. બાળપણથી જ તેઓ અત્યંત ભાવુક હતાં. કોઈને ગુસ્સામાં કે મોટેથી વાત કરતાં જોઈ એ રડી પડતાં હતાં. એમનાં એક ખેડૂતના અભણ પુત્ર જોડે નાનપણમાં જ લગ્ન કરવામાં આવ્યાં હતાં. એટલે તેમનો પતિ એમની આગળ લઘુતાગ્રંથિ અનુભવતો હતો અને એમને અનેક પ્રકારે ત્રાસ આપતો હતો.
હબ્બાખાતૂન લોકોમાં ભળતાં અને મેળાઓમાં જતાં તે કારણે લોકગીતોમાં તેમને ઊંડો રસ જાગ્યો અને લોકગીતોના ઢાળમાં તેમણે ગીતો રચવા માંડ્યાં, જે કાશ્મીરમાં ઝડપથી પ્રચલિત થયાં. પરિણામે લોકકવયિત્રી તરીકે તેમને નામના મળી. હબ્બાખાતૂન ગીતો રચવા ઉપરાંત તે જાહેરમાં ગાતાં હતાં. કાશ્મીરી કાવ્યસાહિત્યમાં આમ લોકગીતોના પ્રભાવમાં એમનું અતિ મહત્વનું પ્રદાન રહ્યું છે. એમને સંગીતની રાગરાગિણીઓનું પણ સારું જ્ઞાન હતું. એમનાં ગીતકાવ્યોમાં શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યનો સુમેળ સધાયો છે. વળી એમને ફારસીનું પણ સારું એવું જ્ઞાન હતું. એટલે કાશ્મીરીઈરાની સંગીતના સંમિશ્રણથી એમનાં લોકગીત પ્રકારનાં કાવ્યોમાં નાવીન્ય પણ આવ્યું હતું. એમનાં એ ગીતોમાં ભાવવૈવિધ્ય પણ ઘણું છે. શૃંગાર, કરુણ, હાસ્ય એમ રસવૈવિધ્ય પણ છે. આમ સાસરાના અત્યંત કષ્ટમય જીવનના પંકમાંથી એમના કાવ્ય-માધુર્યનાં કમળો ખીલ્યાં છે. એમનો અંત શ્રીનગરથી સાડા ત્રણ માઇલ દૂર પાંતચોખ ગામમાં આવ્યો હતો
ચન્દ્રકાન્ત મહેતા