રાધેશ્યામ ‘કથાવાચક’

January, 2003

રાધેશ્યામ ‘કથાવાચક’ (જ. 1890, બરેલી, ઉત્તર પ્રદેશ; અ. 1965) : હિંદીના નાટ્યકાર. નાનપણથી જ તેઓ સંગીત તથા નાટ્ય તરફ આકર્ષાયા હતા. તેમના પિતા સંગીતના શોખીન હતા અને ખાસ કરીને ભક્તિ-સંગીતના કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપતા હતા. ભક્તિ-સંગીતના વાતાવરણમાં ઊછરેલા બાળ રાધેશ્યામને ગાતાં આવડી ગયું. 8 વર્ષની ઉંમરે તેમને ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ ભજવેલાં નાટકો જોવાની તક મળી અને એ નાટકોનાં ગીતો તથા સંવાદો તેમના ચિત્તમાં વસી ગયાં અને તેની નકલ કરવા માંડ્યા.

એ જમાનામાં મોટાભાગના સંવાદોમાં ગીત-કવિતાનો ઉપયોગ પ્રચલિત હતો અને લગભગ તમામ અભિનેતાઓ છંદોબદ્ધ કવિતા ઊંચા સૂરમાં લલકારતા. આમાં નાટ્યનિર્માતાનો મુખ્ય ઉદ્દેશ પ્રેક્ષકોને સસ્તું મનોરંજન આપી નાણાં કમાવાનો હતો. ધર્મપ્રચુર વાતાવરણમાં ઊછરેલા હોવાથી, આવી અસંસ્કારી તથા વિકૃત પરિસ્થિતિ પરત્વે તેમણે તીવ્ર આક્રોશ અનુભવ્યો અને પોતાનાં નાટકો મારફત પારસી થિયેટરનાં વિષયવસ્તુ તથા શૈલીમાં પરિવર્તન લાવવાનો દૃઢ નિશ્ર્ચય કર્યો. તેમણે પૌરાણિક તથા ઐતિહાસિક વિષયો વિશે નાટ્યરચનાઓ કરી અને નૈતિક શિક્ષણ તથા સામાજિક સુધારણાનો ઉદ્દેશ રાખ્યો. તેમનો બીજો પ્રશસ્ય પ્રયાસ તે નાટકોમાંથી કૃત્રિમ તથા અસંભવિત દૃશ્યોનું નિવારણ કરી પ્રેક્ષકોની રુચિનું સંમાર્જન કરવાનો હતો.

તેમનું પ્રથમ નાટક ‘વીર અભિમન્યુ’ ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ 1914માં રજૂ કર્યું. કરુણ અને વીર રસથી ભરેલું આ નાટક ખૂબ લોકપ્રિય નીવડ્યું અને રાધેશ્યામે પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં. જોકે નાટકોમાં હજી પરંપરાગત ઉત્તેજક તત્ત્વો પ્રચલિત હોવાથી, આદર્શવાદ તથા નૈતિક મૂલ્યો ધરાવતાં નાટકો લખવાના તેમના પ્રયાસોમાં તેમણે સમાધાન કરવું પડ્યું હતું.

તેમનાં નાટકોના સંવાદોમાં ગીત-કાવ્ય આવે છે તથા આનંદ અને શોકનાં દૃશ્યો પણ વારાફરતી યોજાતાં રહે છે. તેમની ભાષા હિંદુસ્તાની એટલે કે હિંદી તથા ઉર્દૂના મિશ્રણરૂપ છે. તેઓ દ્વિવેદી યુગના લેખક ગણાય છે. તેમણે આશરે 24 જેટલાં નાટકો લખ્યાં છે.

રંગભૂમિનાં નાટકો લખવા ઉપરાંત તેઓ પોતાના મધુર કંઠે રામકથાનું પારાયણ કરતા અને એ રીતે લાંબા વખત સુધી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરતા હતા.

તેમની મહત્વની કૃતિઓમાં ‘શ્રવણકુમાર’, ‘બાલકૃષ્ણ’, ‘ઈશ્વરભક્તિ’, ‘ભક્ત પ્રહલાદ’, ‘ઉષા-અનિરુદ્ધ’, ‘દ્રૌપદી-સ્વયંવર’, ‘ભગવાન શ્રીકૃષ્ણ’, ‘શાંતિ કે દૂત’, ‘શકુંતલા’, ‘કૃષ્ણ-સુદામા’, ‘ભારતમાતા’ તથા ‘મહર્ષિ વાલ્મીકિ’ ઉલ્લેખનીય છે.

મહેશ ચોકસી