રાત્રિ-દેવતા : એક વૈદિક દેવી. ઋગ્વેદમાં ઉષા વગેરે દેવીઓની વાત કરવામાં આવી છે તેમાં રાત્રિ પણ એક દેવી છે. ઉષા જેમ પ્રકૃતિનું તત્વ છે, તેમ રાત્રિ પણ પ્રકૃતિનું તત્વ છે. દિવસને અંતે આવતી રાત્રિ પણ દિવસની પૂર્વે આવતી ઉષાની જેમ દ્યુની એટલે અંતરિક્ષની દીકરી છે. ઋગ્વેદમાં જે દેવદેવીઓ પોતાના મૂળ પ્રાકૃતિક સ્વરૂપમાં જ રહેલાં છે તેમાં રાત્રિ-દેવીનો પણ સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ પારદર્શક વિદેશી વિદ્વાનોએ માન્યું છે.
ઋગ્વેદના દસમા મંડળનું 127મું સૂક્ત રાત્રિસૂક્ત છે. આ એક જ સૂક્ત રાત્રિ વિશેનું છે અને એમાં રાત્રિ-દેવીનું જે સ્વરૂપ વર્ણવાયું છે તે મુજબ રાત્રિ-દેવી આકાશી નક્ષત્ર, તારા વગેરે વડે બધી વસ્તુઓને નિહાળે છે અને પ્રાણીમાત્રને તેમનાં કર્મો જોઈને ફળ આપે છે. પોતાના રૂપથી તે વિશાળ જગત અને અંતરિક્ષને ભરી દે છે. ઉષા-દેવી તેની બહેન છે. રાત્રિ-દેવીની કૃપાથી જ મનુષ્યોથી માંડી પશુપક્ષીઓ સુધી બધાં જ પ્રાણીઓ સુખેથી નિદ્રા લઈ શકે છે. રાત્રિ-દેવી હિંસક પ્રાણીઓ અને ચોરથી પ્રાણીમાત્રને બચાવવાની કૃપા કરી શકે છે. રાત્રિ-દેવી ભક્તોનાં દુ:ખોને હરનારી છે. ગાય જેમ દૂધ આપે, તેમ રાત્રિ-દેવી ભક્તની ઇચ્છાને પૂરી કરનારી છે અને ભક્તના શત્રુનો નાશ કરનારી છે. તે મોક્ષ આપનારી છે. રાત્રિ-દેવતાનું રાત્રિસૂક્ત વૈદિક અને પૌરાણિક વિવિધ પ્રયોજનોને સિદ્ધ કરનારા મંત્રોને લીધે અર્થસભર છે.
દેવીભાગવત પુરાણમાં રાત્રિના જીવરાત્રિ અને ઈશ્વરરાત્રિ એવા બે પ્રકારો ગણાવવામાં આવ્યા છે : જેમાં જીવો સૂઈ જાય તે જીવરાત્રિ અને જેમાં પ્રલયમાં જગતનો નાશ થતાં ઈશ્વર સૂઈ જાય તે ઈશ્વરરાત્રિ. રાત્રિ-દેવીને ‘ભુવનેશ્વરી’, ‘ભુવનેશી’ એવાં નામો પણ તેમાં આપવામાં આવ્યાં છે.
માર્કંડેય પુરાણમાં આવતી સપ્તશતીના પ્રથમ અધ્યાયમાં વિષ્ણુમાયાની સ્તુતિ કરતાં બ્રહ્માએ કહેલા કેટલાક શ્ર્લોકોને શાક્ત ઉપાસકો રાત્રિસૂક્ત માને છે, જે વિષ્ણુને તેમની યોગનિદ્રામાંથી મુક્ત કરાવે છે. એમાં રાત્રિ-દેવીનું વર્ણન છે એવી તેમની માન્યતા છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા