રાતો રાજાલાલ (scarlet-minivet) : ભારત દેશમાં વ્યાપક રીતે વસતું પંખી. તેનું હિંદી નામ છે પહાડી બુલાલચરમ. શાસ્ત્રીય નામ છે Pericrocotus flammeus. તેનું કદ બુલબુલથી જરાક નાનું, 22 સેમી.નું. નરનું માથું, પીઠનો વચલો ભાગ અને ડોક કાળાં, બાકીનાં બધાં અંગ છાતી પેટ, પેડુ અને કેડ લાલ ચટકદાર. પુખ્ત વયના નરનો રંગ કાજળ જેવો કાળો અને નીચેનો ભાગ નારંગી કે ઘેરો ચળકતો રાતો હોય છે. પાંખ કાળી, પણ વચ્ચે લાલ ધાબું હોય છે. પૂંછડીનાં વચલાં 4 પીંછાં કાળાં, બાકીનાં લાલ, નરનો ભભકાભર્યો રાતો રંગ સૂર્યપ્રકાશમાં સુંદર દીપી ઊઠે છે.
માદાનો માથાનો પાછલો ભાગ, તેનાં ગરદન અને પીઠ રાખોડી; કપાળ, ગાલ, દાઢી, ગળું અને નીચેનો બધો જ ભાગ પીળો હોય છે. કાળી પાંખમાં 2 પીળા પટ્ટા અને પૂંછડીનાં વચલાં પીંછાં કાળાં, બાકીનાં પીળાં, પણ છેડે કાળાં હોય છે.
ઘટાદાર વૃક્ષોની ટોચે 5-6ની ટોળીમાં તે જોવા મળે છે. શિયાળામાં 30થી વધુના ટોળામાં જીવાત વીણતાં હોય છે. ક્યારેક નર તથા માદા અને બચ્ચાંનું ટોળું જુદું પણ હોય. ઘટાદાર વૃક્ષોની ટોચે અને પાંદડાંમાં તેઓ ઊડાઊડ અને ઠેકાઠેક કર્યા કરતાં હોય છે. ક્યારેક ડાળી સામે પાંખો ફફડાવતાં ઝળૂંબી રહે છે અને પાંદડાં તથા અંકુરમાંથી જીવાત પકડે છે. હરતાંફરતાં મધુર સંગીતમય ‘વ્હી-વ્હીટ’ અથવા ‘વ્હીટીટી’ ‘વ્હીટીટી’ એવા અવાજ કરે છે.
માળાની ઋતુ ચૈત્રથી અષાઢ સુધીની હોય છે. તેઓ ડાળીની ખાંચમાં નાનકડો મજાનો 5 સેમી. પહોળો અને 21 સેમી. ઊંડો વાટકી જેવો સુઘડ માળો મૂળિયાં અને રેસામાંથી બનાવી, જાળાં વડે બાંધી, કરોળિયાંનાં ખાલી ઈંડાંથી શણગારી, ધરતીથી 3થી 15 મીટર ઊંચે બાંધે છે અને તેમાં આછા લીલા ઉપર ઘેરા ભૂરા રંગનાં, લવંડર રંગનાં છાંટણાંવાળાં 2થી 4 ઈંડાં મૂકે છે.
બળદેવભાઈ કનીજિયા