રાણી રાસમણિદેવી [જ. સપ્ટેમ્બર 1793, કોનાગામ (કોલકાતા); અ. 19 ફેબ્રુઆરી 1861, કોલકાતા] : કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરનાં સ્થાપક તેજસ્વી જમીનદાર મહિલા. મૂળ નામ રાસમણિ, પણ માતા રામપ્રિયાદેવી તેમને લાડમાં ‘રાણી’ કહેતાં તેથી રાણી રાસમણિ નામ પ્રસિદ્ધ થયું. માતા અને પિતા હરેકૃષ્ણદાસ ભક્તિપરાયણ હતાં. પિતા પાસે લખતાં-વાંચતાં શીખ્યા પછી તેઓ નાનપણથી પુરાણકથાઓ અને ધર્મગ્રંથો વાંચવા લાગ્યાં. માતાનું સાત વર્ષની વયે અવસાન થતાં તેમના ઘડતરનું કામ તેમના પિતાએ કર્યું હતું. તેમનાં લગ્ન જાનબજારના ધનિક જમીનદાર પ્રીતમરામદાસના પુત્ર રાજચંદ્ર સાથે થયાં હતાં. રાણીની બુદ્ધિમત્તાથી પ્રભાવિત થયેલા સસરાએ તેમને પોતાની વિશાળ જમીનદારીના વહીવટમાં જોતર્યાં હતાં. સસરાના અવસાન પછી પતિને વહીવટી કાર્યોમાં વિશેષ સહાય કરી. કારોબાર અને સંપત્તિ ખૂબ વધતાં હોઈ રાજચંદ્ર પ્રત્યેક કાર્યમાં રાણીની સલાહ લેતા. તેમણે એ જમાનામાં પચીસ લાખ રૂપિયા ખર્ચી રાણી માટે ત્રણ સો ખંડ ધરાવતું વિશાળ મહાલય બંધાવ્યું, જે આજે રાણી રાસમણિની કોઠીને નામે ઓળખાય છે. રાણીને સંતાનમાં ચાર પુત્રીઓ હતી.
ઈ. સ. 1836માં રાજચંદ્રનું અવસાન થતાં રાણીને ભારે આઘાત લાગ્યો. પતિની સ્મૃતિમાં તેમણે ખૂબ દાનપુણ્યનાં કાર્યો કર્યાં. પોતાના જમાઈ મથુરબાબુની સહાયથી તેમણે વિશાળ જમીનદારીનો વહીવટ કરવા માંડ્યો. સફેદ સાડીનું પરિધાન અને સાધ્વી જેવું જીવન ગાળતાં રાસમણિદેવીનો સમય વહીવટી કાર્યો ઉપરાંત પૂજાપાઠ, જપધ્યાન, શાસ્ત્રચર્ચા અને પુરાણકથાઓ સાંભળવામાં વ્યતીત થતો. દાન અને પૂર્તકાર્યોમાં, રથોત્સવ અને દુર્ગાપૂજાના ઉત્સવ વગેરેમાં તેઓ હજારો રૂપિયા ખર્ચતાં. હુગલીમાં તેમજ કોલકાતામાં ગંગાકાંઠે ઘાટ બંધાવ્યા. ગંગાસ્નાન કરવા જવા માટે પાકી સડક કરાવી. કોલકાતામાં તેમણે દક્ષિણેશ્વરનું વિશાળ કાલીમંદિર બંધાવ્યું. આ મંદિરના પૂજારી તરીકે રામકૃષ્ણ પરમહંસની નિયુક્તિ કરવામાં આવી હતી અને અહીં તેમને જગન્માતાનો સાક્ષાત્કાર થયો હતો. રાણી રાસમણિદેવીએ રામકૃષ્ણ પરમહંસની ઉચ્ચ આધ્યાત્મિકતાને પિછાણી હતી. તેથી તેમણે પોતાના જમાઈ મથુરબાબુ દ્વારા શ્રી રામકૃષ્ણની સારસંભાળ બરાબર રખાય તેવી તજવીજ કરી હતી.
ગંગામાં માછલી પકડતા માછીમારો પર અંગ્રેજ સરકારે ‘જલકર’ નાખ્યો હતો તે રાણી રાસમણિએ પાછો ખેંચાવ્યો હતો. એમના સમયમાં અંગ્રેજ સિપાઈઓ તોફાન કરીને એમના મહાલયમાં ઘૂસી તોડફોડ કરવા લાગ્યા ત્યારે રાણી પોતાના ઇષ્ટ-દેવતાના ખંડ બહાર ખુલ્લી તલવારે ઊભાં રહી ગયાં હતાં. તેમનું રૌદ્રરૂપ જોઈ સિપાઈઓ પલાયન કરી ગયા હતા. પાછળથી રાણીએ પોતાના ઘરમાં ભાંગફોડથી થયેલ નુકસાની અંગ્રેજ સરકાર પાસેથી વસૂલ કરી હતી.
જ્યોતિ થાનકી