રાણીખેત : ઉત્તરાંચલ રાજ્યના અલ્મોડા જિલ્લાનું હવા ખાવાનું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : 29° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ. રે. પર તે શિવાલિક હારમાળામાં આવેલું છે. તે સમુદ્રસપાટીથી આશરે 1,500 મીટરની ઊંચાઈ પર આવેલું હોવાથી તેનું હવામાન ખુશનુમા રહે છે. રાણીખેત, તેની પૂર્વમાં આવેલું અલ્મોડા અને દક્ષિણમાં આવેલું નૈનીતાલ ત્રણેય તેમનાં કુદરતી સૌંદર્ય માટે ખૂબ જાણીતાં બનેલાં છે. અહીંનાં જંગલો ચીડ, દેવદાર વગેરે વૃક્ષોથી આચ્છાદિત રહે છે અને વાતાવરણને આહલાદક રાખે છે. ગંગા નદીની એક સહાયક નદીનું મૂળ પણ અહીં આવેલું છે.
કાશીપુર-પિથોરાગઢને સાંકળતો સડકમાર્ગ અહીંથી પસાર થાય છે. પિથોરાગઢ એ નેપાળ સરહદે આવેલો જિલ્લો છે. વિવિધ પ્રકારની વનસ્પતિ અહીં ઉપલબ્ધ થતી હોવાથી ઔષધો તથા ઊની વસ્ત્રો બનાવવાના એકમો અહીં આવેલા છે. પ્રવાસીઓની અવરજવર રહેતી હોવાથી અહીં હોટલ ઉદ્યોગ વિકસ્યો છે. અહીં આવેલા ગૉલ્ફના મેદાનની દુનિયાનાં ઉત્તમ મેદાનો પૈકીના એક તરીકે ગણના થાય છે. લશ્કરી કાર્યવહીનું મુખ્ય કેન્દ્ર અહીં આવેલું છે.
નીતિન કોઠારી