રાણાવાવ : પોરબંદર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 40´ ઉ. અ. અને 69° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 588 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વમાં કુતિયાણા તાલુકો તથા દક્ષિણે અને પશ્ર્ચિમે પોરબંદર તાલુકો આવેલા છે. તાલુકામથક પોરબંદરથી ઈશાનમાં 16 કિમી.ને અંતરે તથા પોરબંદર-જામનગર અને પોરબંદર-રાજકોટ માર્ગોને ત્રિભેટે ઉત્તર તરફ આવેલું છે. તાલુકામથક તાલુકાની મધ્યમાં છે.
રાણાવાવ તાલુકામાં પોરબંદરથી 30 કિમી. દૂર બરડાની ડુંગરમાળા આવેલી છે. 48 કિમી.માં ફેલાયેલી આ ટેકરીઓનો કેટલોક ભાગ જામનગર જિલ્લામાં પણ છે. તેમની ઊંચાઈ 300થી 350 મીટર જેટલી છે. બરડાની ખીણો અને ટેકરીઓ સિવાયનું તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. તાલુકાનો સરેરાશ વાર્ષિક વરસાદ 314 મિમી. જેટલો છે. જુલાઈ માસનું ગુરુતમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 40°થી 42° સે. અને 26°થી 28° સે. જેટલું રહે છે. શિયાળા પ્રમાણમાં ઓછા ઠંડા રહે છે.
તાલુકાની કુલ વાવેતરલાયક જમીન પૈકી 14 % જમીનમાં બાજરી, ઘઉં, જુવાર, કઠોળ જેવા ખાદ્યપાકોની તથા 84 % જમીનમાં કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકોની ખેતી થાય છે. ખેતીની સાથે લોકો પશુપાલન પણ કરે છે.
તાલુકામાં ચૂનાખડકો, બાંધકામ માટેના પથ્થરો તેમજ સફેદ રંગની મૃદ મળે છે. ચૂનાખડકો સિમેન્ટ બનાવવામાં અને પથ્થરો બાંધકામમાં વપરાય છે. રાણાવાવ સ્ટેશન નજીક સિમેન્ટ અને રસાયણોનાં કારખાનાં આવેલાં છે. અગાઉ રાણાવાવથી ત્રણ કિમી. દૂરના દલખાણ ગામ નજીક મળતું લોહઅયસ્ક ખોદી કાઢી, તેનું ધાતુગાળણ કરી લુહારો લોખંડની વિવિધ વસ્તુઓ બનાવતા હતા.
તાલુકામાં પોરબંદર-જેતલસર રેલમાર્ગ પૈકીનો આશરે 25 કિમી. જેટલો રેલમાર્ગ આવેલો છે, તેના પર ત્રણ રેલમથકો છે. તાલુકામાં 137 કિમી.ના પાકા અને 18 કિમી.ના કાચા રસ્તા છે.
તાલુકાની કુલ વસ્તી આશરે 1,03,766 (2001) જેટલી છે, તે પૈકી 60 % ગ્રામીણ અને 40 % શહેરી છે તથા 30 % પુરુષો અને 18 % સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવે છે. તાલુકામાં 55 પ્રાથમિક શાળાઓ, 7 માધ્યમિક અને 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને 6 પુસ્તકાલયો છે. અહી બક્ષી પંચના લોકોની વસ્તી વિશેષ છે, તે પૈકી મેર કોમ ખૂબ જાણીતી છે. તાલુકામાં બે નગરો અને 62 ગામો આવેલાં છે.
રાણાવાવ (નગર) : તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 21° 41´ ઉ. અ. અને 69° 41´ પૂ. રે.. રાણાવાવ પોરબંદરથી ઈશાન ખૂણામાં આશરે 16 કિમી. અંતરે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. 2001 મુજબ તેની વસ્તી 29,648 જેટલી છે. સ્ત્રી-પુરુષોનું પ્રમાણ લગભગ સમાન છે. નગરના આશરે 51 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ 60 % અને 40 % જેટલું છે.
અહીં તેલની મિલ તથા સિમેન્ટ અને રસાયણોનાં કારખાનાં સિવાય અન્ય કોઈ ઉદ્યોગ વિકસેલા નથી. નગરમાં સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર બૅંક, જમીન વિકાસ બૅંક અને જિલ્લા સહકારી બૅંકની શાખાઓ છે. અહીં 3 પ્રાથમિક અને 2 માધ્યમિક શાળાઓ તથા પુસ્તકાલય, સ્વાસ્થ્ય-કેન્દ્ર, દવાખાનું, તાર-ટપાલ-ટેલિફોન ઑફિસની સગવડો પણ છે.
પોરબંદરના રાણા ભાણ જેઠવાએ ઈ. સ. 700ના અરસામાં આ શહેરની સ્થાપના કરેલી. રાણાએ આ નગરથી ચાર કિમી. દૂર એક વાવ બંધાવી હતી. રાણાના વંશનું નામ આ વાવ સાથે જોડી દઈને લોકોએ આ સ્થળને રાણાવાવ નામ આપેલું છે.
શિવપ્રસાદ રાજગોર