રાણાઘાટ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લાનું વડું વહીવટી મથક અને અગત્યનું નગર. કૃષ્ણનગરનો એક વહીવટી ઉપવિભાગ. ભૌગોલિક સ્થાન : 23° 11´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે.
પ્રાકૃતિક રચના-આબોહવા : આ નગર ભાગીરથી નદી(હુગલી નદી)ના કાંપ-માટીનિર્મિત નિક્ષેપોના સમતળ મેદાની વિસ્તારમાં આવેલું છે. હુગલી નદી આ નગરથી પશ્ર્ચિમે આશરે 15 કિમી. દૂર તથા પૂર્વ તરફ આશરે 50 કિમી. દૂર બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમા આવેલી છે. અહીંથી સમુદ્રકિનારો દક્ષિણ તરફ માત્ર 100 કિમી. અંતરે છે.
સમુદ્રકિનારો નજીક હોવાથી આબોહવા પ્રમાણમાં સમધાત રહે છે. ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે સરેરાશ 28° સે. અને 21° સે. રહે છે; જ્યારે વરસાદ 1,600 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : આ નગરની આજુબાજુ જમીન ફળદ્રૂપ હોવાથી લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. અહીં ડાંગર, ઘઉં, કપાસ, કઠોળ, તેલીબિયાં અને શણનું મુખ્ય વેપારી કેન્દ્ર છે. અહીં નાદિયા ટેક્સ્ટાઇલ મિલ તેમજ પાવરલૂમનાં અનેક કારખાનાં આવેલાં છે.
પરિવહન : આ રાણાઘાટ નગર પૂર્વ રેલવિભાગનું મુખ્ય જંક્શન છે. ઉત્તરે આવેલ બાગુલા અને દક્ષિણે આવેલ ભાટપરા બ્રૉડગેજ રેલમાર્ગનાં મુખ્ય જંક્શનો છે. રાણાઘાટથી પૂર્વે બાનાગાઉન મીટરગેજ રેલમાર્ગ પણ આવેલો છે. રાણાઘાટની દક્ષિણે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 34 પસાર થાય છે.
અહીં નાટ્યકલાની સંસ્થાઓ; પ્રાથમિકમાધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ; ચિકિત્સાલયો અને પ્રાથમિક સારવાર-કેન્દ્રોની સુવિધાઓ પણ છે.
નીતિન કોઠારી