રાણકપુરનું મંદિર : રાજસ્થાનનું એક જાણીતું કલાસમૃદ્ધ જૈન તીર્થ. રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી 22 માઈલ દૂર રાણકપુર આવેલું છે. રાણા કુંભાના મંત્રી ધરણ શાહે આચાર્ય સોમસુંદરજીની પ્રેરણાથી આ ચતુર્મુખ (ચોમુખ) મંદિર બંધાવ્યું હતું. શિલ્પી દેવા અથવા દેપાક આ મંદિરના સ્થપતિ હતા. વિ. સં. 1446માં શરૂ કરવામાં આવેલા આ મંદિરનું બાંધકામ 50 વર્ષમાં પણ પૂરું ન થતાં પોતાની વૃદ્ધાવસ્થાનો વિચાર કરીને ધરણ શાહે મંદિરની પ્રતિષ્ઠા કરાવવાનો નિશ્ર્ચય કર્યો. એટલે વિ. સં. 1496માં આચાર્ય સોમસુંદરસૂરિજીના હસ્તે તેની પ્રતિષ્ઠા થઈ. મંદિરના ગર્ભગૃહમાં ચારે દિશાએ મુખ કરતી આદિનાથ ભગવાનની ચાર મૂર્તિ – ચૌમુખી પ્રતિમા છે. બીજા અને ત્રીજા માળના ગર્ભગૃહમાં પણ આવી ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે. મંદિરમાં કુલ 84 દેવકુલિકાઓ છે. ગર્ભગૃહની ચારેય દિશાએ ચાર મેઘનાદ-મંડપ આવેલા છે. વિપુલ સ્તંભો એ આ મંદિરની વિશેષતા છે. સ્તંભોની ગોઠવણીનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએથી ગર્ભગૃહની પ્રતિમાનાં દર્શન કરતાં સ્તંભો વિક્ષેપ ઊભા કરતા નથી. મંદિરમાં 1,444 સ્તંભો છે. મંદિરની ઉત્તરે રાયણવૃક્ષ અને તેની નીચે ભગવાન ઋષભદેવનાં પગલાં છે, જે શ્રી શત્રુંજયનું સ્મરણ કરાવે છે. આક્રમણ વખતે પ્રતિમાનું રક્ષણ થઈ શકે તે માટે મંદિરની નીચે ભૂમિગૃહ (ભોંયરાં) બનાવેલાં છે. આબુનાં મંદિર તેની સૂક્ષ્મ કોતરણીને લીધે જાણીતાં છે. રાણકપુરનું મંદિર પણ સૂક્ષ્મ કોતરકામ ધરાવે છે; પરંતુ કોતરણીની સપ્રમાણ વિશાળતા તેનું અનેરું આકર્ષણ છે. આથી લોકોક્તિ છે કે ‘આબુની કોરણી અને રાણકપુરની માંડણી’. સાદડીના શ્રીસંઘે વિ. સં. 1953(ઈ. સ. 1897)માં આ તીર્થ શેઠ
આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દીધું. પેઢીએ આ તીર્થનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરાવ્યો. વિ. સં. 1990થી 2001 સુધી જીર્ણોદ્ધારનું કાર્ય ચાલ્યું. આ મંદિરને ચતુર્મુખપ્રાસાદ (ચૌમુખી મંદિર), ઉપરાંત ‘ધરણવિહાર’, ‘ત્રૈલોક્યદીપકપ્રાસાદ’ કે ‘ત્રિભુવનવિહાર’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
થૉમસ પરમાર