રાણકદેવીનું મંદિર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરમાં આવેલું સતી રાણકદેવીનું મંદિર. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને લડાઈ થઈ તેમાં રા’ખેંગાર મરાયો. સિદ્ધરાજે બળજબરીથી તેની રાણી રાણકદેવીને પોતાની સાથે લીધી અને પોતાની રાણી બનાવવા તેને પાટણ લઈ જતો હતો; પરંતુ રસ્તામાં વઢવાણ નજીક ભોગાવા નદીને કાંઠે તે સતી થઈ, તેથી સિદ્ધરાજે ત્યાં એક મંદિર બંધાવ્યું એવી માન્યતા પ્રચલિત છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના કિલ્લાની રાંગ પાસે આવેલા શિવમંદિરને લોકો રાણકદેવીના મંદિર તરીકે ઓળખે છે. વાસ્તવમાં રાણકદેવીની દેરી તો ભોગાવા નદીના કિનારે બતાવવામાં આવે છે.
આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેની માહિતી મળતી નથી. માત્ર તેના બાંધકામ ઉપરથી તે દશમા સૈકામાં બંધાયેલું માનવામાં આવે છે. એના શિખરની રચના અનુ-મૈત્રકકાલની છે; પરંતુ બારમા સૈકામાં થઈ ગયેલ રા’ખેંગારની રાણી રાણકદેવીના નામે કેમ ચડી ગયું હશે તે અસ્પષ્ટ છે. ડૉ. મધુસૂદન ઢાંકી અને હરિશંકર શાસ્ત્રી વર્ધમાન(વઢવાણ)ના ચાપ (ચાવડા) રાજા ધરણીવરાહના શાસનકાળમાં ઈસુની નવમી શતાબ્દીના અંતિમ ચરણમાં આ મંદિર બંધાયું હશે, એમ જણાવે છે. ડૉ. કાંતિલાલ સોમપુરા આ મંદિરને વહેલામાં વહેલું દસમી સદીમાં મૂકે છે.
આ મંદિર 9 મીટર જેટલું ઊંચું છે. મંદિરના શિખર ઉપર આમલક અને કળશ છે. મંદિરની બહારની ત્રણેય દીવાલોમાં ગવાક્ષ છે; પરંતુ તેમાં હાલમાં મૂર્તિ નથી. મંદિરની બહારની દીવાલોમાં કીર્તિમુખ, ચૈત્ય, ગવાક્ષ, લટકતા ઘંટ અને તમાલપત્રનાં શિલ્પો શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ મંદિરમાં જળાધારી ઉત્તર તરફ જતી હોઈ તે શિવમંદિર
હોવાનું પ્રતીત થાય છે. આજે તો બહાર ઊખડી ગયેલો પોઠિયો પણ ત્યાં પડેલો જોવામાં આવે છે. ગર્ભગૃહમાં સાદા પથ્થરની બે મૂર્તિઓ રાખવામાં આવી છે, ત્યાં ઉપર મહાકાળી અને રાણકદેવીનાં નામ લખેલાં છે. ગર્ભગૃહના દ્વાર ઉપર મૂર્તિશિલ્પ, બ્રહ્મા અને શિવ તેમજ અન્ય આકૃતિઓ કંડારેલી છે. જેમ્સ બર્જેસે આ મંદિરને રાણકદેવીનું સ્મૃતિમંદિર કહ્યું છે.
પ્રદ્યુમ્ન ભ. ખાચર