રાઠોડ, નારણભાઈ (જ. 26 ડિસેમ્બર 1921, તીધરા, જિ. નવસારી; અ. –) : દલિતોને સામાજિક ન્યાય મળે તે માટે સંઘર્ષ કરનાર.

તેમના નાના હમાલ હતા, દાદા સરકારી વેઠિયા હતા, પિતા પણ મુંબઈમાં હમાલી કરતા હતા. ગામમાં બાળપણમાં દાતણ, બોર, આંબલી, અરીઠાં, કેરી વગેરે વેચીને કુટુંબનું જીવન ચાલતું. પ્રાથમિક શાળમાં અસ્પૃશ્યતાનો ભોગ બનેલા. મુસ્લિમ મિત્ર સાથે મુસ્લિમ નામ લખાવી મુસાફરખાનામાં રહેલા. આગળ અભ્યાસ માટે એક બ્રાહ્મણ શિક્ષક અને હરિજન સેવક સંઘ તરફથી પરીક્ષિતભાઈ મજમુદારે મદદ કરેલી.

21 વર્ષની ઉંમરથી આઝાદીની લડતમાં જોડાયા. હાળીપ્રથા નાબૂદી અને ગણોતિયાઓને ખેતીની જમીન મળે તે માટે લડતો ચલાવેલી. 1952 અને 1956ની ચૂંટણીઓમાં નવસારી અને ગણદેવી વિસ્તારમાંથી ચૂંટાઈને મુંબઈ રાજ્યની ધારાસભામાં ગયેલા. દલિતોને સામાજિક ન્યાય મળે તે માટે ઝઝૂમતા રહ્યા. પોલીસો કેસ ન નોંધે તો તે નોંધાય, ગુનેગારો પકડાય અને તેમને સજા થાય ત્યાં સુધી તે મંડ્યા રહેતા.

આદિવાસીઓના પ્રશ્ને પણ તેમણે લડતો આપી. ગણોતિયાઓના પક્ષે રહી જમીનદારો સામે કોર્ટે ચઢીને કેસ જીતેલા. ગાંધીઘર કછોલીના કીકુભાઈ નાયક અને વલસાડના લલ્લુભાઈ મકનજી પટેલ જેવા અનુભવી કાર્યકરોએ નારાયણભાઈની નીડરતા અને નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી.

માત્ર નવ વર્ષની વયે નારણભાઈનાં લગ્ન લાડુબહેન સાથે થયેલાં. પત્નીની લકવાગ્રસ્ત અને પથારીવશ સ્થિતિમાં નારણભાઈએ પ્રેમપૂર્વક ચાકરી કરી. તેમની રચનાત્મક પ્રવૃત્તિઓ બદલ તેમને સન્માન અને ઍવૉર્ડ પ્રાપ્ત થયેલાં. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઝંખના વિના સાચો સેવક કેવાં મોટાં કામ કરી શકે તેનો ઉત્તમ નમૂનો નારણભાઈ રાઠોડે પૂરો પાડ્યો. નાના માણસોમાંથી બહુ થોડા પોતાને થયેલા અન્યાય સામે લડવા તૈયાર થતા હોય છે. આવા લડવૈયાઓને હૂંફ, સહાય અને માર્ગદર્શનની તાતી આવશ્યકતા હોય છે. નારણભાઈએ આ પડકાર ઉપાડી લીધો. માર પડ્યો હોય, ખૂનની ધમકી મળી હોય, ત્યારે પણ પીછેહઠ કર્યા વિના તેઓ અડીખમ ઊભા રહ્યા હતા.

ડંકેશ ઓઝા