રાઠોડ, કેશવ (જ. 16 ઑગસ્ટ 1954, ગાંડલા) : ગુજરાતી ફિલ્મોના કથા-પટકથાકાર, દિગ્દર્શક ઉપરાંત ગાયક, ગીતકાર અને સંગીતકાર. ઑલ ઇન્ડિયા રેડિયો પર લોકસંગીત અને સુગમસંગીતના કાર્યક્રમો આપી કારકિર્દી આરંભનાર કેશવ રાઠોડની લોકકથા કહેવાની શૈલીથી પ્રભાવિત થઈ ગાયક-કવિ-સંગીતકાર નીનુ મઝુમદારે તેમને લેખન તરફ વાળ્યા. 1971માં તેઓ મુંબઈ આવ્યા અને મનહર રસકપૂર-દિગ્દર્શિત ‘વાલો નામોરી’ માટે પટકથાલેખન કર્યું. 1973માં કેશવ રાઠોડ-લિખિત મનુ દેસાઈ-દિગ્દર્શિત ‘કાદુ મકરાણી’ ફિલ્મ આવી. આ ફિલ્મની સફળતા બાદ કેશવ રાઠોડ એવા વ્યસ્ત થઈ ગયા કે ગુજરાતી ફિલ્મ બનાવવા વિચારતા નિર્માતા કથા-પટકથા માટે સૌપ્રથમ તેમનો જ આગ્રહ રાખતા. આ કારણે જ તેમણે 175 જેટલી ફિલ્મોની પટકથા લખી હોવાનું નોંધાયું છે. તેમણે લખેલી ફિલ્મોમાંથી 85 જેટલી ફિલ્મોએ રજત જયંતી ઊજવી છે. ગુજરાત સરકાર તરફથી બે વાર શ્રેષ્ઠ પટકથાનો પુરસ્કાર જીતનાર કેશવ રાઠોડે ગુજરાતી ફિલ્મોમાં 500 જેટલાં ગીતો લખ્યાં છે. જોકે તેમાં લોકગીતો પણ સમાયાં છે. ગુજરાતી ફિલ્મોના આ કથા-પટકથાકારે 15 જેટલી હિન્દી ફિલ્મોમાં પણ લેખન કર્યું છે. 1983માં તેમણે ‘મહિયરની ચૂંદડી’ લખી હતી જેના પરથી ભારતની એકથી વધુ ભાષામાં ફિલ્મો બની છે. તેમાંય મરાઠી ભાષામાં ‘માહેરચી ચૂંદડી’ નામે ફિલ્મ બની હતી તેણે તો ગુજરાતી ‘મહિયરની ચૂંદડી’થી પણ અધિક સફળતા મેળવી હતી.
1981થી તેઓ દિગ્દર્શક બન્યા અને ‘અમર રાખડી’નું દિગ્દર્શન કર્યું ત્યારબાદ ‘ભાઈની બેની લાડકી’, ‘જીવતર’ (1999), ‘ચૂંદડીની લાજ’, ‘માનવી તારાં મોંઘેરાં મૂલ’, ‘સમાજનાં છોરું’ (2000), ‘રાજુડીનો નેડો લાગ્યો’ (2002) ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. ગુજરાતી ફિલ્મોના અનેક મુખ્ય દિગ્દર્શકો સાથે કામ પાડનાર કેશવ રાઠોડ થાક વિના કામ કરવા માટે જાણીતા હોવાથી જ ખૂબ કામ કરી શક્યા. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ કથા હોય તેમાં તેઓ કાંઈક સંદેશ ઉમેરવાનું કૌશલ્ય ધરાવે છે. આ કારણે જ સાસુ-વહુના સંબંધો પરથી અનેક ફિલ્મો બન્યા બાદ પણ તેઓ એ વિષયમાં સફળતા મેળવી શક્યા છે. કથા-પટકથા-ગીત ઉપરાંત દિગ્દર્શનમાં પણ તેઓ સ્વયં હોવાથી ઓછા નિર્માણખર્ચ સાથે ઝડપથી ફિલ્મો બનાવવામાં તેઓ સફળ થતા રહ્યા છે.
હરીશ રઘુવંશી