રાઠોડ, કાન્તિલાલ

January, 2003

રાઠોડ, કાન્તિલાલ (જ. 12 ડિસેમ્બર 1924, રાયપુર; અ. 28 સપ્ટેમ્બર 1988, મુંબઈ) : કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાન્તિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન-કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. 1954થી ’56 દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન વિષયના શિક્ષક તરીકે પણ સેવા આપી. આ સંસ્થા માટે જ તેમણે બાળકોના ચિત્રકામ વિશે ‘ક્લાઉન હોરાઇઝન’ નામની લઘુફિલ્મ બનાવી, જેનું વિતરણ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાએ કર્યું હતું. ત્યારબાદ તેમણે કૅનેડાના વિખ્યાત કાર્ટૂન-ચલચિત્રસર્જક નૉર્મન મેક્લેરન જોડે કૅનેડાના નૅશનલ ફિલ્મ બૉર્ડમાં કામ કરેલું.

ભારત પાછા વળ્યા બાદ તેમણે 1956થી 1969 સુધી ફિલ્મ્સ ડિવિઝન, ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઉપરાંત અમેરિકાની ઇન્ફર્મેશન એજન્સી માટે લઘુ ફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો અને બાલફિલ્મો બનાવી. આ દસ્તાવેજી ફિલ્મોને દેશ-વિદેશમાં ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયેલા. કાર્ટૂન-ફિલ્મોમાં એમનું મહત્વનું પ્રદાન રહ્યું. તેમની ‘આકાર ફિલ્મ્સ’ નામની સંસ્થા વડે બનાવાયેલી કાર્ટૂન-આધારિત વિજ્ઞાપનોની ટૂંકી ફિલ્મો અસરકારક થઈ.

કાન્તિલાલે 1969માં ફિલ્મ ફાઇનાન્સ કૉર્પોરેશનની મદદ લઈ પહેલી જ વાર કથાફિલ્મ બનાવવાનું સાહસ કર્યું. પન્નાલાલ પટેલની વાર્તા પરથી બનેલી એ ફિલ્મનું નામ ‘કંકુ’ હતું. કાન્તિભાઈનું આ પ્રથમ કથાત્મક ચલચિત્ર ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ એવો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ગઈ. છઠ્ઠા શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ‘કંકુ’ની મુખ્ય અભિનેત્રી પલ્લવી મહેતાને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. ‘કંકુ’માં પલ્લવી મહેતા ઉપરાંત કિશોર જરીવાલા, કૃષ્ણકાન્ત, અરવિંદ જોષી, કિશોર ભટ્ટ, જયંત વ્યાસ, મીનાક્ષી યાજ્ઞિક, ઇન્દિરા મહેતા, અરવિંદ રાઠોડ જેવા કલાકારો હતાં. વેણીભાઈ પુરોહિતે લખેલાં ચાર ગીતો અને દિલીપ ધોળકિયાનું સંગીત પણ યાદગાર બન્યું હતું.

‘કંકુ’ બાદ તેમણે એક દસ્તાવેજી અને બે લઘુ ફિલ્મ બનાવ્યા બાદ 1974માં હરિન મહેતાની વાર્તા પરથી રોમેશ શર્મા, શબાના આઝમી, કૃષ્ણકાન્ત, ચાંપશીભાઈ નાગડા અભિનીત ‘પરિણય’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. સમાંતર ચિત્ર હેઠળ બનેલી આ ફિલ્મની પટકથા પણ ‘કંકુ’ની જેમ કાન્તિલાલ રાઠોડની હતી. સંગીત જયદેવનું હતું. ફિલ્મ સફળ રહી હતી, પરંતુ તેમને યોગ્ય નાણાકીય વળતર અપાવી શકી નહોતી. 1975માં તેમણે એક લઘુ ફિલ્મ અને 1976માં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે દસ્તાવેજી ફિલ્મ બનાવ્યા બાદ ‘ઝાંગ્બો ઍન્ડ ધ ઝિંગ ઝિંગ બાર’ નામની બાળફિલ્મ બનાવી. 1979માં તેમણે અમોલ પાલેકર, સુહાસિની મૂળે, નીલુ ફુલે અને સુલભા દેશપાંડેને લઈ રામ નગરકરની કથા-પટકથા પરથી ‘રામનગરી’ નામની બીજી હિન્દી કથાફિલ્મનું દિગ્દર્શન કર્યું. ત્યાર પછીનાં વર્ષોમાં ‘ધ ચૉઇસ ઇઝ યૉર્સ’ (1982) નામની દસ્તાવેજી ફિલ્મ ઉપરાંત ‘ડુંગરનો ભેદ’ (1975) નામની બાલફિલ્મ ઉતારી. તેમની ‘સેવ એનર્જી થ્રુ એફિદૃશ્યન્ટ મોટરિંગ’ નામની દસ્તાવેજી ફિલ્મ તેમના અવસાન બાદ 1989માં રજૂ થયેલી.

અંતર્મુખી સ્વભાવના કાન્તિભાઈનું નામ-કામ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં નવાં સર્જનાત્મક પરિમાણ દાખવવા બદલ ઉલ્લેખનીય છે. તેઓ ગુજરાત સરકારની ફિલ્મ સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે પણ થોડાં વર્ષ સક્રિય રહ્યા હતા.

હરીશ રઘુવંશી