રાજ રાવ, આર. (જ. 6 એપ્રિલ 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : અંગ્રેજીમાં સાહિત્યસર્જન કરનાર ભારતીય લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1979માં એમ.એ. અને 1986માં પીએચ.ડી.ની પદવી મેળવી. પછી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ પુણે યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના રીડર નિમાયા. તે સાથે તેમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું.
તેમની માતૃભાષા અંગ્રેજીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ધી ઍલિયન’ (1982 : કાવ્ય તથા વાર્તાસંગ્રહ), ‘ટેન ઇન્ડિયન રાઇટર્સ ઇન ઇન્ટરવ્યૂ’, (1991 : ઇન્ટરવ્યૂ); ‘સ્લાઇડ શો’ (1992 : કાવ્યસંગ્રહ); ‘ઇમેજ ઑવ્ ઇન્ડિયા ઇન ઇન્ડિયન નૉવેલ ઇન ઇંગ્લિશ’ (1993 : સહસંપાદન); ‘વન ડે આઇ લૉક્ડ માય ફ્લૅૅટ ઇન સોલ સિટી’ (1995 : ટૂંકી વાર્તાઓ); ‘ધ વાઇઝેસ્ટ ફૂલ ઑન અર્થ ઍન્ડ અધર પ્લેઝ’ (1996) ઉલ્લેખનીય છે.
તેમના આ સાહિત્યસર્જન બદલ 1990માં લંડનની વૉરવિક યુનિવર્સિટી તરફથી તેમને નહેરુ સેન્ટિનરી બ્રિટિશ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. અમેરિકાની આયોવા યુનિવર્સિટી તરફથી તેમને ઇન્ટરનૅશનલ રાઇટિંગ પ્રોગ્રામ ફેલોશિપ 1996માં મળી છે.
તેમણે બ્રિટન, અમેરિકા, કૅનેડા, ટ્રિનિડાડ અને ટૉબેગો, ગ્રીસ, બાંગ્લાદેશ તથા શ્રીલંકાના વ્યાપક પ્રવાસો ખેડ્યા છે.
બળદેવભાઈ કનીજિયા