રાજેન્દ્રપ્રસાદ (ડૉ.) (જ. 3 ડિસેમ્બર 1884, ઝેરાદેઈ, જિલ્લો સારણ, બિહાર; અ. 28 ફેબ્રુઆરી 1963, પટણા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, મહાત્મા ગાંધીના નિકટના સાથી અને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. પિતા મહાદેવ સહાય સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા. માતા કમલેશ્વરી દેવી અત્યંત ધર્મિષ્ઠ હતાં. તેમના પૂર્વજો હથુઆ રાજ્યમાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર હતા અને દાદા તે રાજ્યના પ્રામાણિક, વફાદાર અને કાર્યક્ષમ દીવાન હતા.
પાંચ વર્ષની ઉંમરે અનૌપચારિક પદ્ધતિથી મૌલવી પાસે વિવિધ ભાષાઓ શીખ્યા, જેમાં ઉર્દૂ અને ફારસી ભાષાઓનો પણ સમાવેશ થતો હતો. વળી આ સાથે ઔપચારિક શિક્ષણનો આરંભ પણ થયો. શાલેય શિક્ષણ પટણાની ટી. કે. ઘોષ અકાદમીમાં લીધું. ત્યાંથી 1902માં કોલકાતા યુનિવર્સિટીની પ્રવેશ-પરીક્ષા આપી અને પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થતાં ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાં જોડાયા. ત્યાં વિજ્ઞાનના વિષયો જગદીશચન્દ્ર બોઝ અને પ્રફુલ્લચંદ્ર રૉય જેવા પ્રાધ્યાપકો પાસે ભણ્યા અને તેમના પ્રીતિપાત્ર બન્યા. 1904માં કૉલેજ વિદ્યાર્થી મંડળના મંત્રી ચૂંટાયા. 1906માં બિહાર છાત્ર-સંમેલનની સ્થાપના કરી તથા કોલકાતામાં અભ્યાસ કરતા બિહારી વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કર્યો. તેમણે સ્નાતક તેમજ અનુસ્નાતક પરીક્ષાઓમાં પ્રથમ વર્ગ હાંસલ કર્યો. 1909માં કાયદાના સ્નાતક અને 1915માં તેના અનુસ્નાતક બન્યા અને પોતાની પરંપરા અનુસાર આ પરીક્ષાઓ પણ પ્રથમ વર્ગમાં જ ઉત્તીર્ણ કરી. એમ.એલ.ની પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું. એ રીતે યુનિવર્સિટીમાં પહેલી વાર જ કોઈ વિદ્યાર્થીએ આવું સ્થાન હાંસલ કરી બતાવ્યું. દરમિયાન 1911થી કોલકાતાની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી અને સારા વકીલ તરીકે પ્રારંભથી જ તેઓ ખ્યાતિ પામ્યા. કૉલેજકાળની તેજસ્વી કારકિર્દી દરમિયાન તેઓ કોલકાતાની જાણીતી ‘ડૉન સોસાયટી’(Dawn Society)માં જોડાયા હતા, જે દ્વારા સતીશચંદ્ર મુખર્જી, સિસ્ટર નિવેદિતા અને સુરેન્દ્રનાથ બૅનરજી સાથે તેમના સંપર્કો વિકસ્યા હતા. ચર્ચાઓ અને નિબંધલેખનમાં પણ તેમણે ઇનામો જીત્યાં હતાં. આ પ્રતિભાવાન વિદ્યાર્થીને પ્રાધ્યાપક આશુતોષ મુખર્જીએ પ્રેસિડન્સી કૉલેજમાં વ્યાખ્યાતાપદ માટે આમંત્રિત કર્યા હતા.
વકીલાતની કારકિર્દીના પ્રારંભે ગોપાળ કૃષ્ણ ગોખલેએ તેમને સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીના સભ્ય થવા આગ્રહ કર્યો; પરંતુ તેમના મોટા ભાઈ મહેન્દ્રપ્રસાદની અનિચ્છાને કારણે તેઓ સભ્ય ન બન્યા. 1916માં હાઈકૉર્ટ ઑવ્ બિહાર ઍન્ડ ઓરિસા(પટણા વડી અદાલત)ની રચના થઈ અને તેઓ કોલકાતા છોડી પટણા આવ્યા. પટણામાં પ્રથમ કોટિના વકીલ તરીકે નામના મેળવી અને ‘બિહાર લૉ વીકલી’ની સ્થાપના કરી.
1917માં ધીકતી વકીલાત પડતી મૂકી ચંપારણ દોડ્યા, કારણ, બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતા ખેડૂતો અંગ્રેજ શાસકો અને વેપારીઓના જોરજુલમનો ભોગ બન્યા હતા. તેમના પર ભારે અત્યાચાર કરવામાં આવતો હતો તેમજ આ ખેડૂતોએ પોતાની જમીનના અમુક હિસ્સામાં ગળીની ખેતી કરવી તે બાબત વેપારીઓએ ફરજિયાત બનાવી હતી. આમ ન કરનાર ખેડૂતોને વેપારીઓ લૂંટતા, તેમનાં ઘરો બાળતા અને ખેડૂતોને મરઘાઘરમાં કેદ રાખતા. આથી તેઓ ખેડૂતોની મદદે પહોંચ્યા. ગાંધીજીએ પણ આ વાત જાણી અને તેઓ ચંપારણ આવ્યા. અહીં ગાંધીજી સાથે તેમનો પ્રથમ મેળાપ થયો અને જીવનભર તેઓ તેમના પરમ વિશ્ર્વાસુ સાથી બની રહ્યા.
રોલૅટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં અસહકારનું આંદોલન આરંભાયું ત્યારે તેઓ વકીલાત છોડી આંદોલનમાં સામેલ થયા અને 1920થી કાયમ માટે તે વ્યવસાય છોડ્યો. એ અરસામાં તેઓ રાષ્ટ્રીય લડતના ભાગ રૂપે લગભગ સમગ્ર ભારતનો પ્રવાસ કરી રાષ્ટ્રીય ચેતના જગાડવાના કામમાં જોડાયા. રાષ્ટ્રીય ચેતના સતત પ્રવર્તમાન રહે તે માટે તેઓ સક્રિય પત્રકાર બન્યા તથા ‘સર્ચલાઇટ’ અને ‘દેશ’ સામયિકોમાં સતત લખતા રહ્યા. અસહકાર આંદોલન સમયે રાષ્ટ્રીય શિક્ષણ-સંસ્થાઓ સ્થાપવામાં આવી, તેમાં બિહાર વિદ્યાપીઠના આચાર્યપદની કામગીરી તેમને સોંપવામાં આવી. 1922માં કૉંગ્રેસનું અધિવેશન ગયા મુકામે યોજાયું ત્યારે તેમણે સ્વાગત સમિતિના મંત્રીની કામગીરી સંભાળી હતી. 1934માં બિહારમાં પ્રલયકારી ભૂકંપ આવ્યો ત્યારે નાદુરસ્ત તબિયતે પણ તેમણે લોકસેવાનું કામ જારી રાખ્યું અને અસાધારણ કહી શકાય તેવું 38 લાખનું ભંડોળ ભેગું કર્યું. 1934માં કૉંગ્રેસના મુંબઈ અધિવેશનના તેઓ પ્રમુખ નિમાયા અને ત્યારબાદ 1939 અને 1947માં પણ પ્રમુખ તરીકે પસંદગી પામ્યા.
ભારત આઝાદ થવાની અણી પર હતું ત્યારે 1946માં બંધારણ-ઘડતરની કામગીરી આરંભાઈ. ભારતની બંધારણ-સભાના અધ્યક્ષની કામગીરી તેમણે સંભાળી અને તેમની કાયદાશાસ્ત્રી તરીકેની સૂઝ-સમજનો લાભ બંધારણ-ઘડતરના કાર્યમાં લેવાયો. વળી સ્વતંત્ર ભારતની વચગાળાની સરકારમાં તેઓ ખાદ્યમંત્રી તરીકે સેવાઓ આપતા હતા. 1950માં સર્વસંમતિથી તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા તેમજ 1952ની પહેલી સામાન્ય ચૂંટણી બાદ અને 1957માં ત્રીજી વાર પ્રમુખપદે ચૂંટાયા. હિંદી ભાષા પ્રત્યે તેમને વિશેષ લગાવ હતો. તેઓ હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાનો મત ધરાવતા હતા. ‘ભારતમિત્ર’, ‘ભારતોદય’ અને ‘કમલા’ વગેરે પત્રિકાઓમાં તેઓ લેખો લખતા હતા. તેઓ વિવિધ સમયે હિંદી સાહિત્યસંમેલનોના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. ભારતના રાષ્ટ્રપ્રમુખ માત્ર નામના જ વડા છે એવા અભિપ્રાય સાથે તેઓ વૈયક્તિક રીતે સંમત નહોતા. પ્રારંભિક રાષ્ટ્રપ્રમુખ તરીકેની કારકિર્દી દ્વારા તેમણે દૃઢ રાજકીય પરંપરાઓનું ઘડતર કર્યું હતું.
1962માં ચીને ભારત પર કરેલા આક્રમણથી તેઓ ખૂબ વ્યથિત હતા. 1962માં નિવૃત્તિના લગભગ એક માસ બાદ સપ્ટેમ્બરમાં તેમનાં પત્ની રાજવંશીદેવીનું અવસાન થતાં તેઓ ભાંગી પડ્યા. તેમની જીવનકથા ‘આત્મકથા’ શીર્ષકથી પ્રકાશિત થઈ છે.
રક્ષા મ. વ્યાસ