રાજેન્દ્રકુમાર

January, 2003

રાજેન્દ્રકુમાર (જ. 20 જુલાઈ 1929, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ, હાલ પાકિસ્તાન; અ. 12 જુલાઈ 1999) : અભિનેતા. મૂળ નામ : રાજેન્દ્રકુમાર તુલી.

‘ધૂલ કા ફૂલ’માં માલા સિંહા સાથે રાજેન્દ્રકુમાર

હિંદી ચિત્રોના વ્યાવસાયિક રીતે સફળ અભિનેતાઓમાંના એક રાજેન્દ્રકુમારનાં એટલાં બધાં ચિત્રોએ રજત-જયંતી ઊજવી હતી કે તેઓ ‘જ્યૂબિલીકુમાર’ તરીકે જાણીતા બન્યા હતા. દેશના ભાગલા પછી નિરાશ્રિત થઈને પરિવાર સાથે મુંબઈ આવેલા રાજેન્દ્રકુમારને અભિનેતા બનવાની ખ્વાહિશ હતી, પણ હિંદી ચિત્રોમાં પ્રવેશ-અભિનેતા તરીકે નહિ, પણ દિગ્દર્શક એચ. એસ. રવૈલના સહાયક તરીકે થયો હતો. રવૈલ સાથે તેમણે પાંચ વર્ષ કામ કર્યું અને એ દરમિયાન ‘પતંગા’, ‘સગાઈ’ અને ‘પૉકેટમાર’ જેવાં ચિત્રોમાં દિગ્દર્શકના મદદનીશ બની રહ્યા.

દિલીપકુમાર અભિનીત ચિત્ર ‘જોગન’માં એક ટચૂકડી ભૂમિકા ભજવીને રાજેન્દ્રકુમારે અભિનય-કારકિર્દીનો આરંભ કર્યો હતો. ‘વચન’માં તેમને એક મહત્ત્વની ભૂમિકા મળી હતી, જેમાં તેઓ ગીતા બાલીના ભાઈ બન્યા હતા. તેમને નાયક તરીકે પ્રથમ વાર ‘આવાઝ’માં તક મળી હતી. મેહબૂબખાનના ચિત્ર ‘મધર ઇન્ડિયા’માં બે દીકરા પૈકી સારા દીકરાની ભૂમિકા તેમણે ભજવી હતી. એ પછી તેમણે જેટલાં ચિત્રોમાં કામ કર્યું એમાં મોટાભાગે એક આદર્શવાદી અને કોઈનું બૂરું ન કરનાર યુવાનની ભૂમિકાઓ ભજવી. ‘ગુંજ ઉઠી શહનાઈ’માં તેમને પ્રથમ વાર સફળતા મળી અને પછી એ સિલસિલો જારી રહ્યો. એક પછી એક તેમનાં ચિત્રો સફળ થતાં રહ્યાં. 1970નો દાયકો સફળતાની દૃષ્ટિએ રાજેન્દ્રકુમારનો દાયકો હતો. તેમનાં ‘આસ કા પંછી’, ‘સસુરાલ’, ‘હમરાહી’, ‘દિલ એક મંદિર’, ‘આઈ મિલન કી બેલા’, ‘ઝિંદગી’, ‘સંગમ’, ‘આરઝૂ’, ‘સૂરજ’ વગેરે ચિત્રોએ ભારતભરનાં છબિઘરોમાં રજત જયંતી ઊજવી હતી. એ પછીનાં વર્ષોમાં પણ તેમનાં સરેરાશ ચિત્રો વચ્ચે ‘ગોરા ઔર કાલા’માં બેવડી ભૂમિકા ભજવીને વધુ એક સફળ ચિત્ર આપ્યું હતું. એક નોંધપાત્ર ગુજરાતી ચિત્ર ‘મેંદી રંગ લાગ્યો’માં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1981માં રાજેન્દ્રકુમારે તેમના પુત્ર કુમાર ગૌરવને અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરવા ‘લવસ્ટોરી’ ચિત્રનું નિર્માણ કર્યું. આ ચિત્ર વ્યાવસાયિક રીતે ખૂબ સફળ રહ્યું, પણ આ સફળતાનો લાભ કુમાર ગૌરવને એક અભિનેતા તરીકે મળ્યો નહિ. કુમાર ગૌરવ માટે થઈને જ તેમણે એ પછી ‘ફૂલ’, ‘જુર્રત’ અને ‘નામ’ વગેરે ચિત્રોનું નિર્માણ કર્યું હતું. આ ચિત્રો પૈકી ‘નામ’ પણ ખૂબ સફળ થયું, પણ કુમાર ગૌરવની કારકિર્દીને તેનો કોઈ ફાયદો ન થયો. કુમાર ગૌરવ પિતાનો અભિનયનો વારસો જાળવી શક્યા નહિ.

નોંધપાત્ર ચિત્રો : ‘જોગન’ (1950), ‘આવાઝ’ (1956), ‘તૂફાન ઔર દિયા’ (1956), ‘મધર ઇન્ડિયા’ (1957), ‘ઘરસંસાર’ (1958), ‘તલાક’ (1958), ‘ચિરાગ કહાં રોશની કહાં’ (1959), ‘ધૂલ કા ફૂલ’ (1959), ‘ગુંજ ઉઠી શહનાઈ’ (1959), ‘કાનૂન’ (1960), ‘માબાપ’ (1960), ‘મેંદી રંગ લાગ્યો’ (1960), ‘આસ કા પંછી’ (1961), ‘ઘરાના’ (1961), ‘સસુરાલ’ (1961), ‘દિલ એક મંદિર’ (1963), ‘હમરાહી’ (1963), ‘મેરે મેહબૂબ’ (1963), ‘આઈ મિલન કી બેલા’ (1964), ‘સંગમ’ (1964), ‘ઝિંદગી’ (1964), ‘આરઝૂ’ (1965), ‘સૂરજ’ (1966), ‘સાથી’ (1968), ‘તલાશ’ (1969), ‘મેરા નામ જોકર’ (1970), ‘ગોરા ઔર કાલા’ (1972), ‘લવસ્ટોરી’ (1981).

હરસુખ થાનકી