રાજુ, પલાલા રાધાકૃષ્ણ

January, 2003

રાજુ, પલાલા રાધાકૃષ્ણ (જ. 9 ડિસેમ્બર 1928, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટસ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ કરી 1951માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. જલરંગોમાં ત્રિપરિમાણ-આભાસી ચિત્રોનું સર્જન તેમની કલાનું મુખ્ય અંગ છે. તેમણે ચેન્નાઈમાં (1951, ’56), ચિત્તૂરમાં (1953) અને હૈદરાબાદમાં (1973, ’74, ’76 અને ’77) પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. ચેન્નાઈના મદ્રાસ મ્યુઝિયમમાં, હૈદરાબાદના આંધ્ર પ્રદેશ ગવર્નમેન્ટ મ્યુઝિયમમાં, હૈદરાબાદના સાલારજંગ મ્યુઝિયમમાં, હૈદરાબાદના વર્લ્ડ તેલુગુ કલ્ચરલ મ્યુઝિયમમાં તથા આંધ્રપ્રદેશ લલિત કલા અકાદમીના કાયમી સંગ્રહમાં તેમનાં ચિત્રો સંગ્રહાયેલાં છે. કલાવિષયક તેલુગુ સામયિક ‘કલા’ના તેઓ તંત્રી છે. હાલમાં તેઓ હૈદરાબાદ ખાતેની ડાયરેક્ટરેટ ઑવ્ ઍગ્રિકલ્ચરના મુખ્ય કલાકાર છે.

અમિતાભ મડિયા