રાજિન્દર, મદનમોહન (જ. 21 ઑગસ્ટ 1923, અંબાલા કૅન્ટૉન્મેન્ટ, હરિયાણા) : ઉર્દૂ અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે અને પંજાબ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી તથા ફારસીમાં ઑનર્સ થયા. તેઓ નવી દિલ્હી ખાતે ભારતીય વાયુસેનાના જૉઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાંથી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય શરૂ કર્યું. તેમની માતૃભાષા હિંદી હોવા છતાં તેમણે અંગ્રેજી તથા ઉર્દૂમાં 18 ગ્રંથો આપ્યા છે.
ઉર્દૂમાં ‘નકૂશ’ (1946); ‘ખોખલે અંબર’, ‘રોશની કે મીનાર’; ‘રંગ- મહલ’ તેમના વાર્તાસંગ્રહો છે. ‘આગ ઔર ધુઆં’ (નવલકથા); ‘પહાડ પર આગ’ (અંગ્રેજીમાંથી અનૂદિત નવલકથા, 1995) ઉપરાંત તેમણે હિંદીમાં ‘આકાશગંગા’ (1969); ‘એક ધનુષ, સાત રંગ’ (1988); ‘ગંગૂદાદા કા સ્કૂલ’ (1993) તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે. તેમણે મુલ્કરાજ આનંદ અને અનીતા દેસાઈનાં લખાણોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1948માં ન્યૂ આટલાન્ટિક ઇન્ટરનૅશનલ ઍવૉર્ડ; 1966માં વેસ્ટ બગાલ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ; 1985માં ગાલિબ ઍવૉર્ડ; 1988માં સેન્ટ્રલ હિંદી ડિરેક્ટોરેટ ઍવૉર્ડ; 1990માં દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ; 1992 તથા 1993માં ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ; 1996માં મીર અકાદમી ઍવૉર્ડ તથા એ જ વર્ષે ઉર્દૂમાં સાહિત્ય અકાદમી ભાષાંતર પારિતોષિક એનાયત થયેલાં.
બળદેવભાઈ કનીજિયા