રાજા, પી. (જ. 7 ઑક્ટોબર 1952, પાડિચેરી) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1975માં અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને 1992માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે પુદુચેરી ખાતે ટાગોર આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના સિનિયર લેક્ચરર તરીકે સેવા આપી.

તેમની માતૃભાષા તમિળ હોવા છતાં તેમણે અંગ્રેજીમાં 13 ગ્રંથો પ્રગટ કર્યા છે; જેવા કે, ‘ફ્રૉમ ઝીરો ટુ ઇન્ફિનિટી’ (1987); ‘ટુ અ લોન્લી ગ્રે હેર’ (1997)  એ બે કાવ્યસંગ્રહો અને ‘બ્લડ ઍન્ડ અધર સ્ટૉરિઝ’ (1991); ‘ફોકટેલ્સ ઑવ્ પુદુચેરી’ (1987); ‘ટેલ્સ ઑવ્ મુલ્લા નસરુદ્દીન’ (1989); ‘સડન ટેલ્સ ઑવ્ ધ ફૉક્સ ટોલ્ડ’ (1995) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘એમ. પી. પંડિત : એ પીપ ઇન ટુ હિઝ પાસ્ટ’ (1993, ચરિત્ર) ઉપરાંત તેમણે ‘ધ સ્ટુપિડ ગુરુ ઍન્ડ હિઝ ફૂલિશ ડિસાઇપલ્સ’ (1981); ‘ધ સન ઍન્ડ ધ સ્ટાર્સ’ (1982)  એમના તમિળમાંથી અંગ્રેજીમાં કરેલા અનુવાદના ગ્રંથો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1987માં પૉંડીચેરી યુનિવર્સિટી લિટરરી ઍવૉર્ડ; 1988માં ઇન્ટરનૅશનલ એમિનન્ટ પોએટ ઍવૉર્ડ, ચેન્નાઈ તથા 1991માં માઇકલ મધુસૂદન એકૅડેમી ઍવૉર્ડ આપવામાં આવ્યા. 1996માં તેમને અમેરિકા તરફથી સુવર્ણચંદ્રક તથા પ્રશસ્તિ-પત્ર એનાયત કરવામાં આવેલા.

બળદેવભાઈ કનીજિયા