રાજાજી (જિલ્લો) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 11° 14´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.ની આજુબાજુનો 3429 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સેલમ જિલ્લો, પૂર્વમાં સેલમ જિલ્લો તથા પેરામ્બુર થિરુવલ્લુવર અને પેરુમ્બિડુગુ મુથરાયર જિલ્લા, અગ્નિ તરફ તિરુચિરાપલ્લી, દક્ષિણે દીરન ચિન્નામલાઈ જિલ્લો તથા પશ્ચિમે પેરિયાર જિલ્લો આવેલા છે. નમક્કલ શહેર આ જિલ્લાનું વડું વહીવટી મથક છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો ટેકરીઓની હારમાળાઓ, ખડકાળ પ્રદેશો અને અસમતળ મેદાની પ્રદેશોથી છવાયેલો છે. નમક્કલ અને રસીપુરમ્ તાલુકાઓની પૂર્વ તરફ આશરે 1,220 મીટર ઊંચાઈનાં શિખરોવાળી કોલાઈમલાઈ હારમાળા આવેલી છે. અહીં સમૃદ્ધ વિસ્તૃત જંગલો પથરાયેલાં છે; તેની વન્ય પેદાશોમાં ચંદનનાં લાકડાં, વાંસ, સિલ્વર ઓક, ઇંધનનાં લાકડાં તેમજ અન્ય લાકડાં મળે છે. આ જિલ્લાનું મોટાભાગનું મહેસૂલ ચંદનનાં લાકડાંમાંથી મળી રહે છે. ચંદનનાં વૃક્ષો અહીંના ઉચ્ચપ્રદેશ તેમજ ટેકરીઓની હારમાળામાં વિપુલ પ્રમાણમાં ઊગે છે.

કાવેરી આ જિલ્લાની મુખ્ય નદી છે. તે પશ્ચિમ અને નૈર્ઋત્ય તરફ જિલ્લાની કુદરતી સરહદ રચે છે. વસિષ્ઠ અને સ્વેદા નદીઓ પચાઈમલાઈ અને કાલરાયન ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે. આ ઉપરાંત સિરબંગા અને તિરુમનીમિત્તર નદીઓ પણ આ જિલ્લાની મહત્વની નદીઓ ગણાય છે. વસિષ્ઠ અને સ્વેદા નદીઓ સેલમ જિલ્લાના અત્તુર તાલુકાને તથા દક્ષિણ આર્કટ જિલ્લાને વીંધીને પસાર થાય છે.

રાજાજી જિલ્લો (તમિલનાડુ)

ખેતી-સિંચાઈ-પશુપાલન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. કૃષિપાકોનો મુખ્ય આધાર વરસાદ, કૂવા અને તળાવો પર રહેલો છે. જિલ્લામાં ખેડાણ હેઠળની આશરે 90 % ભૂમિમાં ખાદ્ય પાકોની ખેતી થાય છે. ડાંગર, રાગી, બાજરી, કઠોળ, તેલીબિયાં, શેરડી, કપાસ અને ટોપિયોકા અહીંના મુખ્ય કૃષિપાકો છે. ટોપિયોકાનો ઉપયોગ સાબુદાણા બનાવવામાં થાય છે. આ જિલ્લો ખેતી, ગૌચર અને પશુઓ માટે મહત્વનો ગણાય છે. અહીં ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ અને ડુક્કરો જેવાં પશુઓ છે. નમક્કલની આજુબાજુમાં મરઘાંબતકાંનો ઉછેર થાય છે. અહીંનો પશુપાલન-વિભાગ પશુસંવર્ધન તેમજ તેમની ઓલાદ-સુધારણાનું કાર્ય પણ કરે છે.

ઉદ્યોગ-વેપાર : ઉદ્યોગોની દૃષ્ટિએ આ જિલ્લો પ્રમાણમાં અવિકસિત છે. જિલ્લામાં મોટા પાયા પર હાથસાળ-ઉદ્યોગ વિકસ્યો છે. અહીંની ઉત્પન્ન થતી ચીજોમાં સુતરાઉ સાડીઓ અને ધોતીઓ, ટુવાલો, રેશમી સાડીઓ તથા સુતરાઉ ચાદરોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર આ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. આ જિલ્લામાં બૉક્સાઇટ, ચૂનાખડકો, ક્વાર્ટઝ , ફેલ્સ્પાર અને સોપસ્ટોન પણ મળે છે. જિલ્લામાં સુતરાઉ કાપડ, રેયૉન, ધોતી, કૃત્રિમ રેશમ, ટુવાલ, આયુર્વેદિક ઔષધિઓ, રેસા, હાથસાળનું કાપડ, પાવરલૂમનું કાપડ તૈયાર થાય છે. આ પૈકીની ઘણીખરી ચીજો તથા ખાંડ, સિંગતેલ, મગફળીની નિકાસ તેમજ કપાસ, સૂતર, રેસા અને ખાદ્યતેલની આયાત થાય છે.

વાહનવ્યવહાર : આ જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગોની સગવડ સારી છે. દક્ષિણ રેલવિભાગની બ્રૉડગેજ રેલવેથી તે સેલમ, મૅંગલોર, બૅંગલોર, તિરુવનન્તપુરમ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી સાથે જોડાયેલો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગો નં. 7 અને 47 આ જિલ્લાનાં બધાં જ તાલુકામથકો પરથી પસાર થાય છે. અન્ય નગરો તથા મોટાભાગનાં ગામડાંઓ પણ રસ્તાઓથી જોડાયેલાં છે.

પ્રવાસન : નમક્કલ ખાતે આવેલો કિલ્લો મદુરાઈ નાયક શાસનકાળ દરમિયાન બંધાયેલો હોવાનું કહેવાય છે. તે નૃસિંહમૂર્તિ મંદિર માટે જાણીતો છે. હિરણ્યકશિપુનો નાશ કર્યા પછી ભગવાન નૃસિંહનું રૌદ્ર સ્વરૂપ શમ્યું ન હતું. તેમનો ક્રોધ શાંત પડ્યા પછી શ્રી અંજનેયા દ્વારા તેમને આ સ્થળે લક્ષ્મીજી પાસે રહેવા લાવવામાં આવેલા. નૃસિંહ-લક્ષ્મીની પૂજા કરતી હોય એ રીતે બે હાથ જોડેલી, આશરે 5.5 મીટર ઊંચી, શ્રી અંજનેયાની પૂર્વાભિમુખ મૂર્તિ પણ અહીં જોવા મળે છે. તિરુચેનગોડુ ખાતે અર્ધનારીશ્વરનું મંદિર પ્રવાસીઓ માટે અહીંનું બીજા ક્રમે આવતું આકર્ષણનું સ્થળ ગણાય છે. આ મંદિર આશરે 300 મીટર ઊંચી ટેકરી પર આવેલું છે, ત્યાં પગથિયાં ચઢીને જવાય છે. નમક્કલ તાલુકાની કોલામલાઈ ટેકરીઓનો પર્યટનના સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. આ જિલ્લાના સેંદામંગલમમાં પેરુમલકારનો તહેવાર ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન રંગેચંગે ઊજવાય છે. આ ઉપરાંત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના તહેવારોની પણ ઉજવણી થાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 14,95,661 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 51 % અને 49 % જેટલું તેમજ ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 80 % અને 20 % જેટલું છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે, જ્યારે શીખ, જૈન, બૌદ્ધ તેમજ ઇતરધર્મીઓનું પ્રમાણ ઘણું ઓછું છે. તમિળ આ જિલ્લાની મુખ્ય ભાષા છે. જિલ્લાનાં નગરો અને ગામડાંઓમાં શિક્ષણનું પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું છે. હૉસ્પિટલો, નાનાં દવાખાનાં, સ્વાસ્થ્યકેન્દ્રો, કુટુંબનિયોજન-કેન્દ્રોનું પ્રમાણ પણ જરૂરિયાત કરતાં ઓછું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકાઓમાં અને 16 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 16 નગરો આવેલાં છે.

ઇતિહાસ : રાજાજી જિલ્લો સેલમ જિલ્લાનો ભાગ હોવાથી તેનું ઐતિહાસિક મહત્વ સમાન છે. પાંડિયનો અને ચિરાસ કોલાસ વચ્ચેના સંઘર્ષ પછી, હોયશળો સત્તા પર આવેલા. તેમનું શાસન ચૌદમી સદી સુધી ચાલેલું. તે પછીથી 1565 સુધી વિજયનગરના શાસકોએ અહીં રાજ્ય કરેલું. 1623માં મદુરાઈ નાયકો આવ્યા. તિરુમલાઈ નાયકો પૈકીના રામચંદ્ર નાયક અને ગટ્ટી મુદલિયારે અહીં રાજ્ય કરેલું. નમક્કલનો કિલ્લો રામચંદ્ર નાયકે બંધાવેલો હોવાનું કહેવાય છે. 1635 પછી બીજાપુર-ગોલકોંડાના મુસ્લિમ સુલતાનો અને તે પછીથી મરાઠાઓએ આ પ્રદેશ કબજે કરેલો. ત્યારપછીનો ઇતિહાસ હૈદરઅલી અને ટિપુ સુલતાન તેમજ બ્રિટિશરો સાથેના સંઘર્ષનો રહેલો. આ જિલ્લો નમક્કલ જિલ્લા તરીકે પણ ઓળખાય છે.

ગિરીશભાઈ પંડ્યા