રાજસ્થાની ભાષા અને સાહિત્ય

January, 2003

રાજસ્થાની ભાષા અને સાહિત્ય

ભાષા : રાજસ્થાન પ્રદેશમાં પ્રયોજાતી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. બહુધા ભાષાઓનું નામકરણ પ્રદેશના આધારે થતું રહ્યું છે; જેમ કે પંજાબની પંજાબી, ગુજરાતની ગુજરાતી અને રાજસ્થાનની રાજસ્થાની. રાજસ્થાની ભાષાનું નામકરણ આધુનિક સમયની દેન છે. રાજસ્થાનનું હાલનું રાજ્ય 21 નાનાંમોટાં રજવાડાં, અજમેર, મેરવાડા અને આબુપ્રદેશના એકત્રીકરણના ફળ સ્વરૂપે નિર્માણ પામ્યું છે. આ ક્ષેત્રની બોલીઓ અને ભાષાને આધુનિક વિદ્વાનોએ ‘રાજસ્થાની’ નામ આપ્યું છે. વસ્તુત: આ સંઘનું એકત્રીકરણ અનેક તબક્કાઓમાં થતું રહ્યું. 18મી ફેબ્રુઆરી, 1948ના રોજથી તેના એકત્રીકરણની શરૂઆત થઈ અને તે પ્રક્રિયા છેક 7મી ફેબ્રુઆરી, 1950 સુધીમાં સાત પ્રયત્નોમાં પૂર્ણ થઈ. ‘રાજપૂતાના’ શબ્દનો પ્રથમ લેખિત પ્રયોગ ઓગણીસમી શતાબ્દીના પ્રારંભમાં જ્યૉર્જ ટૉમસે કર્યો હતો એમ માનવામાં આવે છે. ભારતને આઝાદી મળ્યા પછી પ્રશાસનનાં કાર્યોમાં ‘રાજસ્થાન’ શબ્દનો પ્રયોગ થવા લાગ્યો. વસ્તુત: રાજસ્થાની રાજસ્થાન પ્રદેશના નિવાસીઓની માતૃભાષા છે. ‘રાજસ્થાન’ શબ્દનો અર્થ અત્રે વર્તમાન પ્રશાસનિક એકમ નહિ, પણ સાંસ્કૃતિક અને ભાષિક એકમ છે, જેનું ક્ષેત્ર હાલના ક્ષેત્ર કરતાં વધારે વિસ્તૃત છે. આઠમી શતાબ્દીમાં ઉદ્યોતનસૂરિ-રચિત ‘કુવલયમાલા’ ગ્રંથમાં રાજસ્થાનીનો ‘મરુભાષા’ના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત ‘મરુભાષા’ (‘રસવિલાસ’), ‘મરુભૂમ ભાષા’ (‘રઘુનાથ રૂપક ગીતાંરો’), ‘મરુબાની’, ‘મરુદેશીય ભાષા’ (‘વંશભાસ્કર’), ‘મારૂભાષા’ (‘પાબૂ પ્રકાશ’) વગેરે નામો સાહિત્યિક રાજસ્થાની માટે પ્રયોજાયાં છે.

વૈદિક ભાષામાં બધી જ આધુનિક આર્યભાષાઓના સ્રોત રહેલા છે. ભારતીય આર્યભાષાઓનું પ્રાચીનતમ રૂપ વૈદિક સંહિતાઓમાં જોવા મળે છે. વૈદિક સંસ્કૃતિમાંથી જ આધુનિક સંસ્કૃતનો પ્રાદુર્ભાવ થયો છે. મધ્યકાલીન સ્વરૂપ, વિભિન્ન પ્રાકૃતો–પાલિ, અર્ધમાગધી, શૌરસેની, મહારાષ્ટ્રી, માગધી, પૈશાચી વગેરેમાંથી કાલાન્તરે અપભ્રંશ રૂપો વિકસિત થયાં. ભાષાવૈજ્ઞાનિકોએ આધુનિક ભાષાઓનો વિકાસ આ અપભ્રંશોમાંથી માન્યો છે. ભાષાવૈજ્ઞાનિકોએ રાજસ્થાનીને અપભ્રંશોત્તર ભાષા માની છે. જોકે રાજસ્થાની ભાષાનો ઉદભવ કઈ અપભ્રંશમાંથી થયો છે – એ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. ગ્રિયર્સન, શેઠ હરગોવિંદદાસ, પુરુષોત્તમ મેનારિયા તેને નાગર-અપભ્રંશમાંથી વિકસિત માને છે. તેસિત્તોરી, શ્યામસુંદરદાસ, ઉદયનારાયણ તિવારી વગેરેનું વલણ શૌરસેની તરફી છે. કનૈયાલાલ મુનશી અને મોતીલાલ મેનારિયા રાજસ્થાનીને ગુર્જરી અપભ્રંશથી ઉત્પન્ન થયેલી માને છે, જ્યારે સુનીતિકુમાર ચૅટરજી તત્કાલીન અપભ્રંશને સૌરાષ્ટ્ર અપભ્રંશની સંજ્ઞા આપે છે. સંક્ષેપમાં સન 800 ઈસવી સનથી 1300 ઈસવી સન સુધી સમગ્ર પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સંભવત: સિંધ અને અન્તર્વેદમાં પણ એક સાહિત્યિક અપભ્રંશ પ્રચલિત હતી, જેને આપણે આપણી સુવિધા માટે ‘પશ્ચિમી અપભ્રંશ’ કહી શકીએ. (સુનીતિકુમાર ચૅટરજી) અપભ્રંશથી વિકસિત જે ભાષા બારમી શતાબ્દીથી સોળમી શતાબ્દી સુધી આ વિસ્તૃત ભૂ-ભાગ પર પ્રયોજાતી હતી તેને તેસિત્તોરીએ ‘પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની’ નામ આપ્યું છે; જેને ઉમાશંકર જોશી ‘મારુ-ગુર્જર’ કહેવાનું પસંદ કરે છે. એ સમય સુધી રાજસ્થાની અને ગુજરાતી એક જ ભાષા હતી. મુનિ જિનવિજયજી તેને ‘મારૂ-સોરઠ’ નામથી ઓળખાવે છે.

ગ્રિયર્સને રાજસ્થાની બોલીઓનું નીચે પ્રમાણે વર્ગીકરણ કર્યું છે :

(1) પશ્ચિમી રાજસ્થાની : મારવાડી, મેવાડી, થાટકી, થળી, બીકાનેરી, બાગડી, શેખાવાટી, ખેરાડી, ગોડવાડી, દેવડાવાટી વગેરે.

(2) ઉત્તરપૂર્વી રાજસ્થાની : અહીરવાટી, મેવાતી વગેરે.

(3) મધ્યપૂર્વી રાજસ્થાની : ઢૂંઢાડી, તોરાવાટી, જયપુરી, અજમેરી, કાઠૈડી, રાજાવાટી, કિશનગઢી, ચૌરાસી, નાગરચાલ, હાડોતી વગેરે.

(4) દક્ષિણપૂર્વી રાજસ્થાની : માલવી, રાંગડી, સોંધવાડી વગેરે.

(5) દક્ષિણી રાજસ્થાની : નિમાડી.

આ સિવાય પણ રાજસ્થાનીમાં કેટલીક અન્ય ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે; જેમ કે, ભીલી ઉપભાષા સમૂહ, પહાડી વર્ગની ભાષાઓ, ભટકતી જાતિઓની બોલીઓ વગેરે. તેમાં પ્રમુખ છે : બંજારી, ગૂજરી, ભીલી, પહાડી વર્ગની ભાષાઓ (નેપાલી, કુમાઉંની ગઢવાલી વગેરે), સૌરાષ્ટ્રી, નટો અને કંજોડાઓની બોલીઓ.

રાજસ્થાનીના વર્ગીકરણ અને ઉપભાષાઓ વિશે વિદ્વાનોમાં ઘણા મતભેદો છે. ગ્રિયર્સને તેના 20 ભેદ માન્યા છે. મેકાલિસ્ટરે જયપુરીના જ પંદર ભેદોનો ઉલ્લેખ કર્યો છે. મોતીલાલ મેનારિયાએ રાજસ્થાની બોલીઓની સંખ્યા સોથી પણ વધારે હોવાનું અનુમાન કર્યું છે. જનાર્દનરાય નાગર પણ નવ પ્રકાર માને છે. જોકે પ્રાચીન અને મધ્યકાલીનથી રાજસ્થાનના વિસ્તૃત ભૂભાગ પર આ બોલીઓનું પ્રચલન હતું. વળી આ ભાષા-ભાષી અન્યત્ર જઈને વસ્યા ત્યારે તેમની ભાષાઓ વધારે ને વધારે ફેલાતી ગઈ.

સોળમીથી ઓગણીસમી શતાબ્દી સુધી રાજસ્થાની ભાષાનું મધ્યકાલીન સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે. આ યુગની સાહિત્યિક ભાષાનાં બે રૂપો સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. એક તો એ રૂપ જે બોલચાલની ભાષાની અધિક નજદીક રહ્યું છે. એ રૂપ આપણને લોકગીતો, સંતકાવ્યો અને જૈન સાહિત્યમાં જોવા મળે છે. તત્કાલીન ભાષાનું બીજું સ્વરૂપ સાહિત્યિક પરંપરા-સમ્મત રહ્યું છે. આલોચ્યકાલની આ પ્રકારની ભાષાનાં બે રૂપ સ્પષ્ટપણે નજરે પડે છે જેને રાજસ્થાનમાં ‘ડિંગલ’ અને ‘પિંગલ’ના નામે ઓળખવામાં આવે છે. ડિંગલ ભાષા મારવાડીના સાહિત્યિક અને અપભ્રંશ રૂપથી પ્રભાવિત હતી અને પિંગલ મધ્યદેશીય ભાષા(બ્રજ)થી પ્રભાવિત હતી. ગુજરાત અને રાજસ્થાનના જૈન આચાર્યો અને પંડિતો દ્વારા ‘સૌરાષ્ટ્ર અપભ્રંશ’થી ઉદભૂત પ્રાચીન પશ્ચિમી રાજસ્થાનીમાં અને સાથે સાથે શૌરસેની અપભ્રંશની સાહિત્યિક ભાષામાં પણ સાહિત્યિક સર્જન થતું રહ્યું. આનું એક નવ્યતર રૂપ ‘પિંગલ’ નામથી રાજસ્થાન અને માલવાના કવિઓ દ્વારા વિકસિત થતું રહ્યું. ‘પિંગલ’ને શૌરસેની અપભ્રંશની સાહિત્યિક ભાષા અને મધ્યકાલીન વ્રજભાષાની વચ્ચેની ભાષા કહી શકાય છે. એ રીતે ‘ડિંગલ’ને અનુશ્રુતિ, ભાષાશાસ્ત્ર અને ઇતિહાસ – ત્રણેયની દૃષ્ટિએ મારવાડીનું (રાજસ્થાનીની મુખ્ય સાહિત્યિક ઉપભાષા) પરિમાર્જિત રૂપ માનવામાં આવે છે. એ જ કાલાન્તરે ચારણ, ભાટ, મોતીસર, રાવ, ઢાઢી વગેરે સમુદાયોના હાથે વૈવિધ્યમય રૂપ ધારણ કરતું રહ્યું અને સમગ્ર રાજસ્થાન, માળવા, ગુજરાત અને કચ્છમાં વ્યાપ્ત થતું રહ્યું.

ગોવર્ધન શર્મા

રાજસ્થાની સાહિત્ય

રાજસ્થાની સાહિત્યના ઇતિહાસને વિદ્વાનોએ સમય દૃષ્ટિએ નીચે દર્શાવેલા તબક્કાઓમાં વિભાજિત કર્યો છે. આમ તો સાહિત્ય ધારાનું વહેણ નિરંતર ચાલ્યા કરે છે, પણ અભ્યાસના હેતુસર વિભાજન કરવામાં આવે છે; જેમાં સમય, પ્રવૃત્તિ, કાવ્યરૂપ જેવા આધારો લેવામાં આવતા હોય છે.

(1) આદિકાળ – 1050થી 1450; (2) મધ્યકાળ  1450થી 1850; (3) અર્વાચીન કાળ – 1850 પછીનો સમય.

વળી તેનું નીચે પ્રમાણે પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે : (1) જૈન કાવ્યસાહિત્ય; (2) જ્ઞાત અને અજ્ઞાત કવિઓની લૌકિક કવિતા; (3) ચારણી કાવ્ય : ઐતિહાસિક, વીર અને આશ્રયદાતાઓ સંબંધી કવિતા; દા. ત., વીરગાથા કાવ્ય, મરસિયાઓ, સંસ્તુતિપરક રચનાઓ; (4) આખ્યાનકાવ્યો; (5) સંતકાવ્યો – ભક્તિકાવ્યો  સાંપ્રદાયિક અને સંપ્રદાયમુક્ત; (6) છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, શબ્દકોશ વગેરે; (7) મધ્યકાલીન ગદ્યસાહિત્ય; (8) લોકસાહિત્ય તથા (9) આધુનિક કવિતા અને ગદ્ય.

આપણે જાણીએ છીએ કે ગુજરાતી અને રાજસ્થાની બંને ભગિની ભાષાઓ છે અને આદિકાળની પ્રારંભિક કૃતિઓ બંનેની સહિયારી મૂડી છે. મારુ-ગુર્જરમાં થયેલી રચનાઓમાં અપભ્રંશ પરંપરાની અસર જોવા મળે છે. 1050થી લગભગ એકાદ સૈકા સુધી ‘મારુ-ગુર્જર’માં કેવળ પ્રકીર્ણ કાવ્યો ઉપલબ્ધ છે. બારમી સદીના ઉત્તરાર્ધ પછી વ્યક્તિગત કૃતિઓ પ્રચુર માત્રામાં જોવા મળે છે. વજ્રસેનસૂરિની ‘ભરતેશ્વર-બાહુબલિઘોર’ મારુ-ગુર્જરની પ્રાચીનતમ જૈન કૃતિ છે. 1168ની આસપાસ રચાયેલી 48 કડીઓની આ કૃતિમાં ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધનું વર્ણન છે. આ વિષય પરની વધુ પ્રભાવશાળી કૃતિ તો શાલિભદ્રસૂરિ દ્વારા 1184માં 203 કડીઓમાં રચિત ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ છે. પ્રાચીન કાળનાં વીરકાવ્યોમાં તે કથ્ય-વિસ્તાર, ભાષાપ્રવાહ અને કાવ્યસૌન્દર્યને લીધે ઊંચું સ્થાન ધરાવે છે. શાલિભદ્રની બીજી રચના ‘બુદ્ધિરાસ’માં જનસાધારણ માટેનાં નીતિવચનો અને હિતોપદેશ છે. લગભગ 1200 વર્ષે આસિગુના ‘જીવદયા રાસ’, ‘ચંદનબાલા રાસ’ અને ‘કૃપણગૃહિણી સંવાદ’ મળે છે. 1233માં પાલ્હણ-રચિત ‘નેમિ બારહમાસા’માં 22મા તીર્થંકર નેમિનાથ-રાજુલની કથા વર્ણવી છે. રાજિમતીની હૃદયોર્મિઓ અને સુકુમાર ભાવોના અદભુત ચિત્રણને લીધે આ રચના હૃદયસ્પર્શી બની રહે છે. આ કૃતિ મારુ-ગુર્જર ભાષાનું પ્રથમ ‘બારહમાસા’ કાવ્ય છે. તેમની રચના ‘આબૂરાસ’માં વિમલમંત્રી તથા વસ્તુપાલ તેજપાલ દ્વારા આબુમાં જૈનમંદિરો સ્થપાયેલાં તેનું વર્ણન છે. લક્ષ્મીતિલક ગણિના ‘શાંતિનાથ દેવ રાસ’માં જાલોરમાં 16મા તીર્થંકર શાંતિનાથની પ્રતિમાઓની સ્થાપના અંકિત છે. સોમમૂર્તિની ચાર રચનાઓ કાવ્યસ્વરૂપની દૃષ્ટિએ નોંધપાત્ર છે. તે છે : (1) ‘જિનેશ્વરસૂરિ વિવાહવર્ણન રાસ’, (2) ‘જિનપ્રબોધસૂરિ ચર્ચરી’, (3) ‘ગુરાવલી રેલુઆ’ અને (4) ‘જિનપ્રબોધસૂરિ બોલિકા’. પ્રથમ કૃતિ રૂપક છે, જેમાં જિનેશ્વરસૂરિનાં સંયમશ્રી સાથેનાં લગ્નને અને તેમની દીક્ષાને ચિત્રાંકિત કરાયાં છે. રાજસિંહની કૃતિ ‘જિનદત્તચરિત’ તથા સધારુ-રચિત ‘પ્રદ્યુમ્નચરિત’ જીવનીપરક કૃતિઓ છે. ભાષા રાજસ્થાની હોવા છતાં તેમાં હિંદી અને અપભ્રંશની અસર જોવા મળે છે. અંબદેવસૂરિનું ‘સમરારાસ’ 11 ‘ભાસા’માં વિભાજિત કાવ્યકૃતિ છે. તેમાં સમરસિંહની આગેવાની નીચે સંઘપતિ દેસલ અને તેના અનુયાયીઓની શત્રુંજય-યાત્રાનું વર્ણન છે, જે પ્રવાસ પરત્વેની ઐતિહાસિક અને ભૌગોલિક માહિતીથી સભર છે. જિનપ્રભસૂરિનો 1333માં રચાયેલો ‘થૂલિભદ્રફાગ’ પ્રથમ ફાગુકાવ્ય છે. બાર વર્ષ કોશ્યા સાથે ભોગવિલાસમાં ગાળ્યા પછી સ્થૂલિભદ્રમાં ચેતના જાગે છે અને તે સંસારનો ત્યાગ કરે છે. કોશ્યાના સઘળા પ્રયત્નો નિષ્ફળ જાય છે. તેમાં શૃંગારિક ચિત્રણ અત્યંત સ્વાભાવિક અને પરંપરાગત છે. શાલિભદ્રસૂરિનું (પૂર્ણિમા ગચ્છ) 1353માં રચાયેલ ‘પંચપાંડવચરિત રાસુ’ દીર્ઘ કથાકાવ્ય છે જે મહાભારત પર આધારિત છે. કૃતિના અંતમાં નેમ મુનિના ઉપદેશથી પાંડવો જૈન ધર્મ અંગીકાર કરે છે. પ્રસિદ્ધ વિદ્વાન રાજશેખરસૂરિની ‘નેમિનાથ ફાગુ’ અને ‘ત્રિભુવનદીપક-પ્રબંધ’ રચનાઓ ઉલ્લેખનીય છે. પ્રાસાદિક શૈલીનું આ બૃહદ કથનકાવ્ય – ‘પ્રબંધ’ એક રૂપક છે, જે આ પ્રકારની પ્રથમ કૃતિ છે. આ કાવ્યમાં જુદી જુદી વૃત્તિઓને વિવિધ માનવપાત્રોના રૂપમાં મૂર્ત કરવામાં આવી છે અને આખરે સદવૃત્તિઓનો અસદવૃત્તિઓ પર વિજય થતો દર્શાવ્યો છે. આ કૃતિમાં વચ્ચે વચ્ચે ગદ્યના અંશો પણ જોવા મળે છે.

આપણે જોયું છે કે જૈન સાહિત્ય માત્ર ધર્મદર્શન સુધી મર્યાદિત નથી રહ્યું. તેમાં રચનાત્મક વૈવિધ્ય રહ્યું છે. પ્રાચીન જૈન સાહિત્યને નીચેનાં કાવ્યસ્વરૂપોમાં વિભાજિત કરી શકાય :

(1) પ્રબંધ અને કથાકાવ્ય : પ્રબંધ, ચરિત, કથા, રાસ, રાસો, ભાસ, ચોપાઈ, નાનાં સ્વરૂપોમાં પ્રબંધકાવ્યો રાજસ્થાનીમાં વિભિન્ન તીર્થંકરો, બલદેવો, વાસુદેવો, ધર્મપ્રાણ શ્રેષ્ઠીઓને લગતી ઘણી કાવ્યકૃતિઓ રચાઈ છે.

(2) ઋતુકાવ્ય : ફાગ, ફાગુ, બારહમાસા, ચૌમાસા શીર્ષક ધરાવતા કાવ્યગ્રંથોમાં મોટેભાગે લોકસાહિત્ય જેવી તરલતા, હૃદયપ્રક્ષાલનક્ષમતા અને સરલતા તો છે જ, સાથોસાથ તેમાં ભારતીય કાવ્યપરંપરા અને રૂઢિઓની પણ રજૂઆત છે.

(3) મુક્તકકાવ્ય : દુહા, ગીત, ધવલ, ગઝલ, મુક્તક, છંદ, ભક્તિપદ વગેરે વૈવિધ્યસભર છે. ધાર્મિક ઉપદેશ-નીતિને જનસાધારણ સુધી પહોંચાડવા માટે તેમનો ઉપયોગ થયો છે. ગઝલરૂપી ગેય પદોમાં તીર્થો અને નગરોનાં વર્ણન જોવા મળે છે.

(4) સંવાદ : માતૃકા, બાવની, કકહરા, સ્તવન, સજ્ઝાય વગેરે કાવ્યરૂપોની ભૂમિકા પૂર્ણત: ધાર્મિક રહી છે.

(5) પટ્ટાવલી, ગુર્વાવલી, વહી, દફતર, પત્ર, વિનંતીપત્ર વગેરેનું ઐતિહાસિક મહત્વ છે.

(6) બાલાવબોધ, ટબ્બા, ટીકાઓ વગેરે વ્યાખ્યાપરક સાહિત્યમાં ગણાય. એ તમામ પ્રકારની રચનાઓ વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ છે.

આ ઉપરાંત બારમાસી, ષડ્ઋતુ, ફાગુ, પ્રબંધ, ચરિત, રાસ નામક જાણીતી કાવ્યરચનાઓ વિક્રમાદિત્ય, ભોજ, હંસરાજ-વચ્છરાજ વિદ્યાવિલાસ, સઘ્યવત્સ, અંબડ, પાબૂજી, રામદેવજી, હડબૂડી વગેરે સંબંધી લોકકથાઓ પણ ઘણા કવિઓ દ્વારા રચાઈ છે. અમુક તો પોતાની શૈલી, વસ્તુવિન્યાસ અને ઉદ્દેશની દૃષ્ટિએ લોકગાથા બની ગઈ છે. ઉલ્લેખનીય કૃતિઓમાં નરપતિનાલ્હકૃત ‘વીસલદેવ રાસો’, અજ્ઞાત લેખક(ગુણવંત)કૃત ‘વસંતવિલાસ ફાગુ’, વિજયભદ્રકૃત પદ્યાત્મક લોકકથા ‘હંસરાજ વચ્છરાજ ચઉપઈ’, માણિક્યસુંદરસૂરિરચિત ‘મલયસુંદરી કથા’, વિનયચંદ્રકૃત ‘વિદ્યાવિલાસ પવાડો’, હીરજી ભાટ-રચિત ‘માનવતી વિનયવતી પ્રબંધ’ વગેરેનો સમાવેશ થાય છે. લોકજીવનમાં લોકપ્રિય બનેલ ‘ઘાઘ’ અને ‘ભડ્ડરી’ના સંવાદો – ખાસ કરીને હવામાનના વરતારાને લગતા – લોકસાહિત્યમાં મૂકી શકાય. પંદરમી સદીના પ્રથમાર્ધ પહેલાં તેનું જે મૂળ રૂપ સુલભ છે તેની ભાષા અપભ્રંશ છાંટવાળી રાજસ્થાની છે.

અગિયારમીથી ચૌદમી સદી સુધી ચારણી શૈલીનાં કાવ્યો હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણમાં અને જૈન ‘પ્રબંધો’માં ઉદ્ધૃત થયેલી છૂટક ગાથાઓ રૂપે જોવા મળે છે. આનંદ અને કરમાનંદ નામના બે ચારણ કવિઓએ સહિયારી કાવ્યરચના પ્રશ્નોત્તર રૂપે કરી છે. ડિંગલ ગીતકારો પૈકી અચલો વાણિયો અને હરસૂર રોહડિયો પ્રાચીનતાની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. અચલોનાં ગીત મેવાડના રાણા ખેતસી (1364–1382) અને હરસૂરનાં રાવ વીરમદે(1383)ને લગતાં છે. આ સમયનો નોંધપાત્ર કવિ શ્રીધર વ્યાસ છે. તેણે ઐતિહાસિક વીરકાવ્ય તથા પૌરાણિક અને ધાર્મિક બંને પ્રકારની કૃતિઓ આપી છે : (1) ‘રણમલ્લ છંદ’માં ઈડર-નરેશ રણમલ્લ અને પાટણના સૂબેદાર જફરખાંના સંગ્રામનું પ્રભાવશાળી વર્ણન છે; (2) ‘સપ્ત સતીરા છંદ’ (દુર્ગાસપ્તશતી) અને (3) ‘કવિત્ત ભાગવત’ (ભાગવતનો દશમ સ્કંધ) ધાર્મિક રચનાઓ છે. ચારણ ગાડણ શિવદાસની કૃતિ ‘અચલદાસ ખીચીરી વચનિકા’ પ્રાસયુક્ત ગદ્ય-પદ્યમાં રચાયેલી નાની કથનાત્મક કૃતિ છે. તેની ભાષા, સાહિત્યિક પરંપરા, પ્રાચીનતા તથા ઐતિહાસિકતાને કારણે તે ખૂબ મહત્વની લેખાય છે.

મધ્યકાલીન રાજસ્થાની સાહિત્ય પરિમાણમાં વિપુલ છે. ઉદ્દેશ, પ્રકાર, રચનાશૈલી, ભાષાકીય લઢણ અને અસરકારકતાની દૃષ્ટિએ પણ ઘણું વૈવિધ્યસભર છે. એક પ્રબંધકાવ્યનો જ દાખલો જોતાં તેમાં આશ્રયદાતાઓનાં મહિમા, વીરતા, દાનશીલતાને બિરદાવતાં અનેક કાવ્યો ભાટ અને ચારણો દ્વારા મળે છે. વળી પોતાના ઉપાસ્યનાં જીવન અને મહિમાને સાકાર કરતાં કથનકાવ્યો પણ વિપુલ સંખ્યામાં મળે છે. મોટેભાગે આ પ્રકારના કાવ્યગ્રંથોમાં ચરિતનાયકની વંશાવળી હોય છે. મહિમા મંડિત કરવાના હેતુથી વંશાવળીઓનો પ્રારંભ બહુધા દિવ્યોત્પન્ન મહાપુરુષ અથવા દેવી-દેવતાઓથી કરવામાં આવે છે; જેમ કે, ‘પૃથ્વીરાજરાસો’માં કવિ ચંદ વરદાયીએ અગ્નિથી ચૌહાણ કુળનો આરંભ દર્શાવ્યો છે અને કરણીદાન કવિઓએ ‘સૂરજપ્રકાશ’માં રાજવંશનો પ્રારંભ બ્રહ્માથી દર્શાવ્યો છે. કથાતત્વમાં દૃઢતા અને રોચકતા લાવવા સારુ કવિઓ બહુધા કથાનક-રૂઢિઓ અને અતિપ્રાકૃત પ્રસંગો પણ વણી લે છે. સામન્તી જીવનનું ચિત્રણ વૈભવ-વિલાસિતા, સત્તાસંઘર્ષ, યુદ્ધ, સમૃદ્ધિ અને આશ્રયદાતાઓના કલાપ્રેમને અભિવ્યક્ત કરે છે. તેના પરિણામે ઘણી વાર આશ્રયદાતાઓના જીવનને લઈને રીતિગ્રંથો(છંદ:શાસ્ત્ર, રસ, અલંકારાદિ)નું નિર્માણ થવા પામ્યું છે; જેમ કે, દેવગઢ(દેવલિયા પ્રતાપગઢ)ના રાવત હરિસિંહની કીર્તિ સંબંધી ચારણ જોગીદાસે ‘હરિ પિંગલ પ્રબંધ’ ગ્રંથની રચના કરી છે. સત્તરમી સદીની આ પરંપરા ‘લખપત ગુણ પિંગલ’ (હમ્મીરદાન રત્નૂ)થી માંડીને છેક વીસમી સદી સુધી મુરારિદાનના ‘જસવંત જસો ભૂષણ’ સુધી જોવા મળે છે. એવી જ રીતે કવિ મંછે ‘રઘુનાથ રૂપક ગીતાંરો’ તથા કિસનાજી આઢાએ ‘રઘુવર જસપ્રકાશ’ જેવા પિંગળગ્રંથો આપ્યા છે, જેમાં રામકથા વર્ણવી છે. ટૂંકમાં, રાજસ્થાની પ્રબંધકાવ્યો વિવિધ પ્રકારનાં છે. ક્યારેક તેઓ ઇતિહાસ પ્રત્યે સજાગ છે, તો ક્યારેક ઇતિહાસમાં કલ્પનાનો પ્રચુર ઉપયોગ કરે છે  કથાનક, રૂઢિઓ અને અતિશયોક્તિ રૂપમાં. અમદાવાદના સૂબેદાર સેર બિલંદ ગુજરાતમાં મુઘલ સલ્તનતના પ્રતિનિધિ હોવા છતાં સ્વેચ્છાચારી થવા લાગ્યા. પરિણામે મુઘલ સમ્રાટે જોધપુરના અભયસિંહને અમદાવાદ મોકલ્યા. બંને વચ્ચે યુદ્ધ થયું. તિથિ, વાર, સંવત, યોદ્ધાઓનાં નામ તથા સંઘર્ષનું હૂબહૂ ચિત્રણ – એ બધી જ વિગતો કવિ વીરભાણ રતનુએ પોતાની કૃતિ ‘રાજરૂપક’માં આપી છે. ઐતિહાસિક દૃષ્ટિએ આવી રચનાઓ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે. આવી વસ્તુલક્ષી કૃતિઓ પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ છે.

આવાં પ્રબંધકાવ્યો ઘણી મોટી સંખ્યામાં છે અને હજી ઘણા ગ્રંથભંડારો તો અજ્ઞાત અવસ્થામાં પડ્યા છે. તે બધાંની અધિકૃત ચર્ચા અશક્ય છે. તે ગ્રંથોની સૂચિ આપવાનું કામ પણ મુશ્કેલ છે. એટલે અહીં અમુક મુખ્ય અને મહત્વપૂર્ણ રચનાઓનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(1) ચંદ વરદાયીકૃત ‘પૃથ્વીરાજ રાસો’; (2) કેશવદાસકૃત ‘ગુણરૂપક’; (3) કિશોરદાસનું ‘રાજપ્રકાશ’; (4) કિશનાજી આઢાનું ‘ભીમવિલાસ’; (5) ‘રઘુવર જસ પ્રકાશ’; (6) સૂજાજીનું ‘રાવ જૈતસીરો છંદ’; (7) બાદરનું ‘વીરમાયણ’; (8) ગોપીનાથનું ‘ગ્રંથરાજ’; (9) જોગીદાસનો ‘હરિપિંગળ પ્રબંધ’; (10) કરણીદાનનું ‘સૂરજપ્રકાશ’; (11) સાગરનું ‘રતન જસપ્રકાશ’; (12) સૂર્ય્યમલ્લનું ‘વંશભાસ્કર’; (13) વિઠુમેહાનું ‘પાબૂજી રો છંદ’; (14) ડુંગરસીનું ‘શત્રુસાલ રાસો’; (15) જોધરાજનું ‘હમ્મીરરાસો’; (16) પૃથ્વીરાજનું ‘વેલિ કિસન રુક્મણીરી’; (17) ગિરધરનું ‘સગતસિંહ રાસૌ’; (18) માન કવિનું ‘રાજવિલાસ’; (19) હરિનામનું ‘કેસરીસિંહ સમર’; (20) વીરભાણનું ‘રાજરૂપક’; (21) દલપતનું ‘ખુમાણ રાસો’; (22) નરપતિ નાલ્હનું ‘વીસલદેવ રાસો’; (23) કુંભકર્ણ સાંદૂનું ‘રતનરાસો’; (24) પૃથ્વીરાજ સાંદૂનું ‘અભયવિલાસ’ વગેરે.

ઉપર્યુક્ત યાદી જોતાં જણાશે કે ગ્રંથોનું નામકરણ મોટેભાગે ચરિતનાયકોને કેન્દ્રમાં રાખીને કરાયું છે – રચનાનું કથ્ય પછી ભલે વીરકાવ્ય હોય, પ્રશસ્તિકાવ્ય હોય અથવા પિંગળશાસ્ત્ર હોય; જેમ કે ‘વીસલદેવ રાસો’, ‘રતનરાસો’; ‘સૂરજપ્રકાશ’, ‘રાજપ્રકાશ’; ‘ભીમવિલાસ’, ‘રાજવિલાસ’; ‘રાજરૂપક’, ‘રતનરૂપક’, ‘મહારાજ ગજસિંહજી રો રૂપક’; ‘પાબૂજીરો છંદ’, ‘વેલિ કિસન રુક્મણીરી’ વગેરે.

વળી રાજસ્થાની કવિઓએ પોતાના ગ્રંથોનું નામકરણ પૂર્વવર્તી વિભિન્ન ભાષાઓના ગ્રંથોના આધારે પણ કર્યાના દાખલા છે; જેમ કે, ‘વીરમાયણ’, ‘કેસરીસિંહ સમર’, ‘ગ્રંથરાજ’, ‘વંશભાસ્કર’ વગેરે.

ઉપર્યુક્ત ગ્રંથોમાં મોટાભાગનાં સુદીર્ઘ પ્રબંધકાવ્ય (કથનકાવ્ય) છે, જે વીર, શૃંગારાદિ રસોને પ્રાધાન્ય આપે છે; પરંતુ અનેક ખંડકાવ્યો પણ ધાર્મિક પ્રેરણાથી લખાયાં છે; જેવાં કે, સાયાંઝૂલા-રચિત ‘નાગદમણ’, આસા બારઢકૃત ‘ગોગાજી રી પેઢી’, મુરારિદાનકૃત ‘ગુણબિજૈ બ્યાહ’, વિઠ્ઠલદાસનું ‘રુક્મણિહરણ’. ઉપર્યુક્ત રચનાઓમાં ત્રણ તો ભગવાન કૃષ્ણ સંબંધી છે અને એક લોકદેવતા ‘ગોગાજી’ સંબંધી છે. નિર્દેશનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે ખંડકાવ્યો પૌરાણિક કથાવસ્તુને તેમજ લોકદેવતા, સાંપ્રદાયિક મુનિઓ અને સંતોના જીવન-પ્રસંગોને પણ ગૂંથી લે છે.

રાજસ્થાની સાહિત્યમાં મુક્તકો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. મુક્તક કાવ્યપ્રકારોમાં મોખરાનું સ્થાન છે ‘ડિંગલગીત’નું. ‘ડિંગલ-ગીત’ નામ ભ્રામક છે. સામાન્યત: ગીત-સંજ્ઞક રચનાઓ ગેય ગણાતી હોય છે. ડિંગલગીત રાજસ્થાની સાહિત્યની આગવી છંદ-પ્રણાલી છે, પદ્ધતિ છે. મોટાભાગનાં ડિંગલગીતો ગેય નથી, પાઠ્ય છે. ચારણ, ભાટ, મોતીસર, ભોજક અને અલ્પ અંશે ઇતર જ્ઞાતિના કવિઓએ પણ ડિંગલગીતો રચ્યાં છે. તેની સંખ્યા હજારોની છે. રાજપૂત શાસકો, સરદારોનાં વીરતાભર્યાં પરાક્રમો, બલિદાનો અને પ્રાણોત્સર્ગ તથા સત્કાર્યો, દાન, ઉત્તમ ગુણો અને નારીઓના સતી-પ્રસંગોને લગતાં વિપુલ ગીતોની રચના કરવામાં આવી છે. ડિંગલગીતોમાં ઇતિહાસના ઉલ્લેખો હોવા છતાં તેમને શુદ્ધ ઐતિહાસિક કૃતિ રૂપે ગ્રહણ કરી ન શકાય, કારણ કે તે મૂલત: કાવ્યસંવેદનાઓને મહત્વ આપે છે, તેમાં ઘટનાઓ તો નિમિત્ત માત્ર હોય છે. ઇતિહાસનાં શુષ્ક હાડપિંજરોને ડિંગલગીતોએ લોકોર્મિઓના સજીવ રક્તમાંસથી જીવંત કરી દીધાં છે. અસંખ્ય ડિંગલગીત-રચયિતાઓમાંથી ચયન કરવું એ અઘરું કાર્ય છે, કારણ કે હજી પણ ઘણાં ડિંગલગીતો હસ્તપ્રતોમાં દટાયેલાં છે, અજ્ઞાત છે; છતાં અહીં મુખ્ય ડિંગલગીતનાં રચયિતાઓનાં નામો પ્રસ્તુત છે :

  1. 1. બારઢ ચૌહથ, 2. આશાનંદ, 3. દુરસ આઢા, 4. ખીંવરાજ, 5. કિશનાજી આઢા, 6. કરમસી, 7. ગાડણ પસાઇત, 8. ડૂંગરસી, 9. ખૈતસી, 10. હરસૂર, 11. ઈસરદાસ, 12. બાંકીદાસ, 13. કેશવદાસ, 14. બીઠૂ મેહો, 15. તેજસી, 16. આસિયા રતનસી, 17. મંછારામ, 18. કલ્યાણદાસ, 19. હરદાસ, 20. ગેપો તૂંકારો, 21. સાંદૂ કુંભા, 22. સૂરતાણ, 23. રાજસિંહ, 24. જોગીદાસ, 25. ઉમ્મેદરામ, 26 હુકમીચંદ.

એવી જ રીતે દોહા, સોરઠા, કુંડલિયા, કવિત્ત, છપ્પા, ઝૂલણા, ઝમાલ, ત્રોટક વગેરે જાતજાતના છંદોમાં ઘણી મુક્તક રચનાઓ મળે છે. આવી રચનાઓના સંખ્યાબંધ ગ્રંથો થયા છે. પ્રસિદ્ધ અને ઉચ્ચ કોટિના સંગ્રહોની યાદીમાં ‘છત્રસાલરા દૂહા’, ‘સરોતરા દૂહા’, ‘નાગડારા દૂહા’; ‘રાજિયે રા સોરઠા’, ‘ઝમાલ નખશિખ’, ‘કિવભાસરા દૂહા’, ‘સહણીરા દૂહા’, કવિરાજ બાંકીદાસની મોટાભાગની કૃતિઓ, ‘હાલા ઝાલારી કુંડલિયા’, ‘કેહર રી કુંડલિયા’, ‘ગજસિંહ રા ઝૂલના’, ‘મયણ રા કવિત્ત’, ‘જેઠવે રા દૂહા’, ‘ઢોલામારુ રા દૂહા’, ‘સૂરસિંહ રા ત્રોટકા’, ‘અમરસિંહ સવૈયા’, ‘રસાલૂ રા દૂહા’, ‘ગંગાજી રા દૂહા’ વગેરે. આ યાદી પણ કામચલાઉ છે, કારણ કે હજી મોટાભાગની એવી કૃતિઓ ગ્રંથભંડારમાં પુરાયેલી પડી છે. રાજસ્થાની જીવનની વિવિધતાઓ, સાંસ્કૃતિક પક્ષો, તહેવારો, રીતરિવાજો અને લોકવિશ્વાસનું સશક્ત તથા અનન્ય ચિત્રણ આ મુક્તક-કાવ્યોમાં મળે છે. વિષયવસ્તુ અને કથ્યની દૃષ્ટિએ આ પ્રકારની રચનાઓનું વૈવિધ્ય નોંધપાત્ર છે. નીતિ, ધર્મ, ઉપદેશ, ઉત્સવ વગેરે તથા ભક્તિ, વીર, શૃંગાર, હાસ્ય, કરુણ વગેરે રસો; નાયિકાભેદ, યશવર્ણન, આશ્રયદાતાઓની સંસ્તુતિ, પ્રકૃતિચિત્રણ તેમજ સામાજિક રૂઢિ-માન્યતાઓનું નિરૂપણ વગેરે આ રચનાઓમાં મળે છે. આવી રચનાઓ એક તરફ શાસ્ત્રીય પરંપરાઓની પરિધિને સ્પર્શે છે, તો બીજી તરફ જનજીવનની મૌલિક પરંપરાઓને પણ પ્રગટ કરે છે. તેથી તેવી કૃતિઓ વસ્તુવૈવિધ્ય, સરળ ભાષા અને સહજ ભંગિમાને લીધે લોકપ્રિય નીવડી છે. આવા સંગ્રહોનાં નામકરણ ત્રણ રીતે થયાં છે :

(1) વિષયવસ્તુની દૃષ્ટિએ અથવા નાયકના નામ પરથી; જેમ કે, ‘ઢોલા-મારૂ રા દૂહા’, ‘ગંગાજી રા દૂહા’, ‘ઠાકુરજી રા દૂહા’, ‘ઝમાલ નખશિખ’, ‘સત્રસાલ રા દૂહા’, ‘હાલા ઝાભા રા કુંડલિયા’ અને ‘કાયર બાવની’.

(2) લેખકના નામ પરથી; જેમ કે, ‘પૃથ્વીરાજ રા દૂહા’; ‘જેઠવે રા દૂહા’, ‘ઉદૈરામ રા દૂહા’ અને ‘સૂરસિંહ રા ત્રોટકા’.

(3) કવિઓએ અનેક વાર પોતાના પ્રિય પાત્ર, મિત્ર, સેવક અથવા સંબંધીને સંબોધીને રચનાઓ કરી છે. કૃપારામ નામના એક ચારણ કવિએ પોતાના સેવક રાજિયાને સંબોધીને સોરઠા રચ્યા છે, જેના સંગ્રહનું નામ છે ‘રાજિયે રા સોરઠા’.

(4) અનેક કવિઓએ નીતિવિષયક અને ધાર્મિક વિભાવનાના ઉત્કર્ષ માટે સંવાદકાવ્યો રચ્યાં છે. જૈન પરંપરાના ‘જીભ-દાત સંવાદ’; ‘લોચન-કાજળ સંવાદ’; ‘ઉદ્યમ-કર્મ સંવાદ’ નામક સંગ્રહો પોતે નામકરણ દ્વારા જે તે વિષય સૂચવે છે. સાહિત્યમાં કાવ્યસ્વરૂપ, શિલ્પ અને પ્રણાલીમાં આદાનપ્રદાન થતું રહ્યું છે. શંકરદાન બારઠ-રચિત ‘સૂમ દાતાર સંવાદ’ આ પરંપરાનું ચારણી કાવ્ય છે.

રાજસ્થાનની સામાન્ય જનતા પર સિદ્ધો, નાથો, સંતો અને ધાર્મિક આચાર્યોનો બહુવિધ પ્રભાવ રહ્યો છે. વામાચારથી માંડીને શુદ્ધ સંતમત અને વિભિન્ન ભક્તિ-સંપ્રદાયોની અહીં બોલબાલા રહી છે. જૈનોના અનેક ગચ્છ, શાખા-પ્રશાખાઓ અહીં ફૂલ્યાંફાલ્યાં છે. ઘણી વાર સિદ્ધો અને નાથોના વિશ્વાસો, તંત્રવિદ્યા અને જીવનદર્શનનો મેળ ભક્તિભાવના અને સંતમતની નિશ્ચલ નિષ્ઠા સાથે વિચિત્ર રૂપે થયો છે જે એક કોયડારૂપ છે. આ ઉપરાંત અનેક ઐતિહાસિક વ્યક્તિઓ અને અર્ધઐતિહાસિક ઘટનાઓને લીધે લોકમાં નિજંધરી આખ્યાનો અને સિદ્ધિ ગાથાઓ પ્રચલિત છે. પાબૂજી, રામદેવજી, હડબૂજી, ગોગાજી, મેહાજી, મલ્લિનાથજી, જસનાથજી, તેજાજી અત્યંત લોકપ્રિય શ્રદ્ધેય લોકદેવતાઓ છે. અનેકોના નામે ‘વાણી’ અને ‘સબદ’ પ્રચલિત છે. એમની જીવની અને એમના ચમત્કારોને લીધે અનેક લોકગાથાઓ સર્જાઈ છે. એમના ભક્તો અને અનુયાયીઓ દ્વારા ઘણી પ્રદર્શનધર્મી રચનાઓ, ગેય કથાકાવ્યોની રચના કરવામાં આવી છે. અખિલ ભારતીય કક્ષાના ભક્તિ-સંપ્રદાયોને પણ રાજસ્થાનમાં આશ્રય મળ્યો છે. વલ્લભસંપ્રદાયનાં નાથદ્વારા અને કાંકરોલી મહત્વપૂર્ણ કેન્દ્રો બની રહ્યાં છે. રાજસ્થાનમાં નાનામોટા અનેક સંપ્રદાયો પ્રગટ થયા છે અને તેઓના સંતો, મહંતો અને અનુયાયીઓ દ્વારા વિપુલ સાહિત્યસર્જન થયું છે. મુખ્ય સંપ્રદાય છે – નાથ, રસિક, વિશ્નોઈ, જસનાથી, નિરંજની, નિમ્બાર્ક, દાદૂ, લાલદાસી, ચરણદાસી, ગુદડપંથી, રામસનેહી (4 શાખાઓ), અલખિયા અને આઈ પંથ. આ સર્વનું વિપુલ રાજસ્થાની સાહિત્ય ઉપલબ્ધ છે.

નિમ્બાર્ક સંપ્રદાય એ ચાર સુવિખ્યાત સગુણ ભક્તિ-સંપ્રદાયો પૈકીનો એક છે. પરશુરામદેવ આ સંપ્રદાયના સ્થાપક. સગુણ ભક્તિ-ઉપાસક આચાર્ય પરશુરામે 2,225 સાખીઓ, 15 ચરિત અને 13 લીલાકાવ્યો રચ્યાં છે. કવિત્ત, સવૈયા, દુહા-ચોપાઈ છંદોમાં રચિત એમનું સાહિત્ય વૈવિધ્યસભર છે. તેમનાં ચરિત અને લીલાકાવ્યો કથનપ્રધાન છે. તેમાં પ્રસિદ્ધ ભક્તોને લગતા અને ઈશ્વરી અવતારમાંની લીલાઓને લગતા પ્રસંગોનું આલેખન જોવા મળે છે. ‘દસ અવતાર’, ‘રઘુનાથ’, ‘શ્રીકૃષ્ણ’ અને ‘પ્રહલાદ’ જેવાં ચરિતકાવ્યો અને ‘અમરબોધ’, ‘નામનિધિ’, ‘સાંચનિષેધ’, ‘નિજરૂપ’, ‘નિર્વાણ’ અને ‘હરિલીલા’ જેવાં લીલાકાવ્યો તેમનાં મુખ્ય પ્રબંધકાવ્યો છે. તેમનાં અનેક માર્મિક પદો પણ ઉપલબ્ધ છે. ઉપર્યુક્ત બધા જ સંપ્રદાયોના આચાર્યો અને મહાત્માઓનું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય ઉપલબ્ધ છે.

બીજું ઉદાહરણ એક અનુયાયીનું છે. જોધપુર મહારાજા માનસિંહ કવિ, વિદ્વાન અને સંગીતજ્ઞ હતા. તેઓ નાથપંથી સાધુના શિષ્ય બન્યા. તેમણે 60 કાવ્યરચનાઓ કરી છે. ‘જાલંધરનાથજી રો ચરિતગ્રંથ’, ‘જલંધર ચંદ્રોદય’, ‘જાલંધર ગ્યાનસાગર’, ‘અનુભવમંજરી’, ‘નાથચરિત’ જેવી કૃતિ નાથપંથી પરંપરાને લગતી છે. સામન્તી પરિવેશને લીધે તેમણે ‘ષડ્ઋતુ વર્ણન’, ‘ઉદ્યાન વર્ણન’ જેવી રચનાઓ પણ આપી છે. વિભિન્ન સંતભક્તો, સાંપ્રદાયિક કવિઓમાં પૃથ્વીનાથ, બનાનાથ, સંતદાસ, કેશોદાસ ગોદારા, લાલનાથ, ચોખાનાથ, હરિદાસ નિરંજની, હરિરામદાસ, તત્વવેત્તા ટીકમદાસ, દાદૂ, રજ્જબ, લાલદાસ, હરિદાસ, ચરણદાસ, દયાબાઈ, સહજોબાઈ, રામચરણ, નવલરામ, ભવાનીદાસ, તારાચંદ વગેરે મુખ્ય છે.

સંપ્રદાયયુક્ત સંત ભક્ત કવિઓમાં સંત પીપાજી, કાજી મહમૂદ, મીરાં, સંત માવજી, દીનદરવેશ, ગવરીબાઈ વગેરે ઉલ્લેખનીય છે. અનેક સદગૃહસ્થોએ પણ ભક્તિ કાવ્યોની રચના કરી છે. તેમાં ‘ગુણનિરંજન પ્રાણ’ (આસા બારઢ), ‘ગોગાજી રા રસાવળા’ (‘વીઠૂ મેહા’), ‘કિરતાર બાવની’ (દુરસા આઢા), ‘વેલિક્રિસન રુક્મણી રી’ (પૃથ્વીરાજ), ‘હરિ રસ’ (ઈસરદાસ), ‘દુર્ગા સાત્તસી’ (જૈન કવિ કુશલલાભ), ‘નિસાણી વિવેકવાટ’ (ગાડણ કેશોદાસ), ‘રામરાસો’ (માધોદાસ), ‘નાગદમણ’ (સાયાંઝૂલા), ‘કથા હરિગુણ’ (સુરજનદાસ પૂનિયા), ‘રામાયણ’ (મેદોજી), ‘ગજઉદ્ધાર ગ્રંથ’ (અજિતસિંહ), ‘માતાજી રી વાચનિકા’ (યતિ જયચંદ), ‘ગુણવિજૈ બ્યાહ’ (મુરારિદાન), ‘ગુણ છબા પ્રન’ (મહાભારતના સભાપર્વ પર આધારિત હરિદાસ લાલસ) ઉલ્લેખનીય છે. આ ઉપરાંત રામાયણ, ભાગવત, પુરાણોને લગતાં અનુવાદ, રૂપાંતર અથવા સારસંક્ષેપ ઘણા કવિઓએ કર્યાં છે. આવી જ રીતે જૈન સંતો અને કવિઓએ પ્રચુર સાહિત્યની રચના કરી છે. સાંપ્રદાયિક સાહિત્યની ચર્ચા અહીં નિવારી છે. માત્ર અન્ય પ્રકારની મહત્વપૂર્ણ રચનાઓનો ઉલ્લેખ નીચે આપ્યો છે.

છીહલ કવિએ ‘પંચસહેલી ગીત’, ‘પંથીગીત’, ‘પંચેન્દ્રિય વેલિ નામબાવની’ જેવી રચનાઓ આપી છે. ‘પંચસહેલી’માં પાંચ સ્ત્રીઓને એમના પતિનો વિરહ થતાં વિરહવ્યથાનું તથા સમયાંતરે એમના પુનર્મિલનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પાંચ સ્ત્રીઓ માળી, તંબોળી, છીપા, કલાલ અને સોનીની પત્નીઓ છે. દરેક સ્ત્રી પોતપોતાના વ્યવસાયને લગતી શબ્દાવલી યોજીને તેની વિરહવ્યથા વર્ણવે છે. કવિની પ્રયોગશીલતા આકર્ષક છે. કુશલલાભે ‘માધવાનલ ચૌપાઈ’, ‘ઢોલા મારવણ ચૌપાઈ’ જેવી લોકપ્રિય લોકકથાઓ, ‘અગડદત્ત રાસ’, ‘પૂજ્યવાહણગીત’ જેવી જૈન પરંપરાની રચનાઓ પણ આપી છે. તેમની પ્રતિભાએ સાહિત્યશાસ્ત્રમાં પણ પ્રદાન કર્યું છે – ‘નામમાલા’ (પર્યાયવાચી કોશ), ‘પિંગલ શિરોમણિ’ (છંદ:શાસ્ત્ર). ‘પિંગલ શિરોમણિ’માં પણ રામકથાને ઉપજીવ્ય બનાવવામાં આવી છે. સમય-સુંદરનું પ્રદાન પણ મહત્વપૂર્ણ છે. લગભગ 24 રાસ‘ચોપાઈ’સંજ્ઞક કૃતિઓ તેમની સામગ્રી, સ્વરૂપ, છંદ, લોકભોગ્ય ઢાળો તથા સાહજિક ભાષાપ્રયોગોની દૃષ્ટિએ મહત્વની છે. તેમાં ‘સિંહલસુત પ્રિયમેલક રાસ’, ‘ચંપક શેઠ ચૌપાઈ’, ‘સીતારામ ચૌપાઈ’, ‘મૃગાવતી રાસ’, ‘વસ્તુપાલ-તેજપાલ રાસ’ વગેરે મુખ્ય છે. કથ્યની દૃષ્ટિએ જૈન શ્રેષ્ઠીઓ, પુરાણકથાઓ, લોકકથાઓ વગેરે વિષયવસ્તુનો તેઓ ઉપયોગ કરે છે. હેમરતનસૂરિકૃત ‘ગોરાબાદલ પદ્મિની ચૌપાઈ’, જિનરાજસૂરિ-રચિત ‘શાલિભદ્ર ધન્ના ચૌપાઈ’, ‘રામાયણ’, લબ્ધોદયનિર્મિત ‘પદ્મિની ચરિત ચૌપાઈ’ જેવી રચનાઓમાં લોકભોગ્ય ગેય ઢાળોનું આયોજન છે. જસરાજ (જિનહર્ષ), ધરમસી (ધર્મવર્ધન) જેવા કવિઓએ નીતિ, સ્તુતિ, ઋતુઓ અને વીરપુરુષો જેવા વિવિધ વિષયોને આવરી લીધા છે. જિનહર્ષની 74 કૃતિઓ છે; જેમાં ‘વિદ્યાવિલાસ રાસ’, ‘પ્રેમપત્રિકા’, ‘બારહમાસા રા દૂહા’ જેવી રચનાઓ પણ મળે છે. દૌલતવિજય-રચિત ‘ખુમ્માણ રાસ’ની અધૂરી પ્રત ઉપલબ્ધ છે. યુદ્ધ, પ્રણય, સાહસ તથા સામયિકતા – એ સર્વનું જીવંત ચિત્રણ તેમાં જોવા મળે છે. આ કૃતિ ‘ગોરા બાદલ પદ્મિની ચઉપઈ’, ‘ઢોલા મારુ રા દૂહા’, ગાડણ શિવદાસ અને ખિડિયા જગ્ગાની ‘વચનિકાઓ’, ‘માધવાનલ કામકંદલા પ્રબંધ’ તથા ‘પૃથ્વીરાજ રાસો’ જેવી અનેક પ્રખ્યાત કૃતિઓની અસર અહીં જોવા મળે છે. ‘ખુમ્માણ રાસ’ને આ યુગનું પ્રતિનિધિકાવ્ય લેખી શકાય.

આધુનિક રાજસ્થાની સાહિત્ય પ્રકાર શિલ્પ, કૃતિઓ અને કથ્ય વૈવિધ્યની દૃષ્ટિએ મહત્વનું છે. જોધપુરના રામકરણ આસોવાએ રાજસ્થાની, હિંદી અને સંસ્કૃતમાં વૈવિધ્યસભર પહેલ કરેલી. તેમણે ‘મારવાડી વ્યાકરણ’ (ઈ. સ. 1896) અને પાઠ્યપુસ્તકો ‘મારવાડી પુસ્તક ભાગ 1 – 2 – 3’ (ઈ. સ. 1906) આપ્યાં. વળી ‘રાજરૂપક’ (રતનૂ વીરભાણ), ‘સૂરજ પ્રકાશ’ (કરણીદાન) તથા બાંકીદાસ ગ્રંથાવલીનું સંપાદન તેમણે કર્યું. ડૉ. તેસિતોરીને તેમણે રાજસ્થાની ભાષા અને સાહિત્યનો અભ્યાસ કરાવ્યો હતો. આ તેસિતોરી ઉપરાંત મેક્એલિસ્ટર અને ગ્રિયર્સન જેવા વિદેશી અભ્યાસીઓ તેમજ ભાંડારકર સુનીતિકુમાર ચૅટરજી અને મુનિ જિનવિજય જેવા વિદ્વાનોએ રાજસ્થાની ભાષા અને સાહિત્યના અભ્યાસને બળવાન બનાવ્યો. આ પરંપરાને સૂર્યકરણ પારિક, રામસિંહ, નરોત્તમ સ્વામી, મોતીલાલ મેનારિયા અને અગરચંદ નાહટા વગેરેએ આગળ ધપાવી.

આધુનિક યુગમાં રાજસ્થાની કવિતા પરંપરાગત રીતે તથા નવીન રૂપે અભિવ્યક્તિ પામી છે. પારંપરિક પદ્ધતિની કવિતામાં રામનાથ કવિયા (‘પાબૂજી રા સોરઠા’), ‘કરુણા બાવની’ (જેમાં મહાભારતના દ્રૌપદી-ચીરહરણનો પ્રસંગ છે.), દાદૂપંથી સ્વરૂપદાસ (‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’), રાવ બખ્તાવર (‘કેહર પ્રકાશ’ – સામંત કેસરીસિંહ અને વારાંગના કમલની દસ ખંડમાં પ્રણયગાથા), ચિમનાજી કવિયા (ઐતિહાસિક વીરકાવ્યો – ‘સોઢાયણ’, ‘પ્રાગ્રાન રૂપગ’, ‘સમ્મારા ઝૂલણાં’, ‘આનંદસિંઘ રા મરસિયા’; પૌરાણિક અને લોકદેવતાઓનાં ભક્તિકાવ્યો – ‘રામદેવ ચરિત’, ‘પીછમી પીર રા છંદ’, ‘ગુમાન ભારતી રી વેલ’, ‘હરિજન મોખ્યાર્થી’; અને છંદશાસ્ત્ર તથા અલંકાર-ગ્રંથ  ‘જસવંત પિંગલ’,  ‘ભાખા વિસ્તાર’), ગુમાનસિંહ (‘ગીતાસાર’, ‘યોગબત્રીસી’, ‘અદ્વૈત બાવની’), શિવબક્ષ પાલ્હાવત (‘અલ્વર કી ષટ્ઋતુ ઝમાલ’, મહારાજા મંગલસિંહ નિમિત્તે ષડ્ઋતુવર્ણન), ઉમરદાન લાલસ (સ્વામી દયાનંદના પ્રભાવ હેઠળ કટાક્ષકાવ્ય – ‘અમરકાવ્ય’ – સામાજિક સુધારાનો સૂર), મહારાજ ચતુરસિંહ (યોગ, ભક્તિ, નીતિ, ઉપદેશ અને સામાજિક અસંગતિઓને વાચા આપતી 18 પુસ્તિકાઓ), હિંગળાજદાન કવિયા (શિકારી અને શિકાર વચ્ચેનો સંવાદ – ‘મૃગયા મૃગેન્દ્ર’, છંદ:શાસ્ત્ર ‘પ્રત્યય પયોધર’, ભક્તિ – ‘મેહાઈ મહિમા’, કટાક્ષકાવ્યો જેવાં કે ‘આખેટ અપજસ’, ‘વાણ્યા (વાણિયા) રાસૌ’ વગેરે ઉલ્લેખનીય છે. રાજસ્થાનની અસ્મિતા પણ રાજસ્થાની કાવ્યમાં પ્રગટે એ સ્વાભાવિક છે, પણ એક પ્રસંગ ઉલ્લેખનીય છે. લૉર્ડ કર્ઝને મેવાડના મહારાણાને દિલ્હી દરબારમાં આમંત્ર્યા (1903). મહારાણા ફતેહસિંહ રવાના થવાના હતા તેમાં ઉદ્દામ રાષ્ટ્રવાદી કવિ કેસરીસિંહ બારહઠના ‘ચેતાવણી રા ચૂંગય્યા’ તેમને મળ્યા. પરિણામે મહારાણાએ પોતાનો દિલ્હીનો પ્રવાસ બંધ રાખ્યો. ઉદયરાજ ઉજ્જ્વલ ‘દીપઈ વાંરા દેસ જ્યાંરા સાહિત જગમગૈ (તેજસ્વી સાહિત્ય ધરાવતો દેશ જ ઝળહળે છે.) સૂત્ર આપનાર યુગાનુરૂપ અનેક કૃતિઓ આપી; ઉદાહરણ તરીકે, ‘માતૃભાષા દોહાવલી’, ‘સ્વરાજ શતક’, ‘સર્વોદય શતક’, ‘શ્રમ શતક’, ‘જાગીરદારાં રા અવગુણાં રા દુહા’, ‘ગાંધી રા દુહા’, ‘વિગ્યાન રા દુહા’ વગેરે. તત્કાલીન સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક, પ્રગતિશીલ ચેતનાની ઝલક એમની રચનાઓમાં પ્રતીત થાય છે. નાથૂસિંહ મહિયારિયાએ ચારણ પરંપરાની ‘વીર સતસઈ’, ‘ગાંધી શતક’, ‘હાડી શતક’, ‘ચૂંડા શતક’, ‘કાશ્મીર શતક’ જેવી કૃતિઓ આપી છે. કવિરાવ મોહનસિંહ-રચિત ‘વીર ચરિત્ર સતસઈ’માં મહારાણા પ્રતાપ, રાવ ચંદ્રસેન, રાઠોડ, દુર્ગાદાસ, શિવાજી, છત્રસાલ, બુંદેલા, ગુરુગોવિંદસિંહ જેવાં વીર પાત્રોનું આલેખન છે. જૈન તેરાપંથી આચાર્ય તુલસીએ રાજસ્થાનીમાં ‘માણક મહિમા’ ‘ડાલિમ ચરિત’, ‘કાળૂ યશોવિલાસ’ રચીને ચરિતકાવ્ય પરંપરાને ફરીથી જીવતી કરી છે. સરળ ભાષાશૈલીમાં રચિત આ ચરિતકાવ્યો તેઓના પૂર્વવર્તી આચાર્યોનાં છે. બૂંદીના મુરારિદાસ, ઇન્દ્રગઢના મહારાજા સંગ્રામસિંહ, ઠાકુર રેવતસિંહ ભાટી, કેસરીસિંહ સોત્યાણા, સાધુ ભગવાનદાસ, હનૂતસિંહ દેવડા, શક્તિદાન કવિયા વગેરે કવિઓની કૃતિઓ મળી છે. મહદંશે રૂઢ રીતિની નીતિમૂલક કવિતાના તેઓ રચયિતાઓ છે – રાજશ્રી ‘સાધના’, કન્હૈયાલાલ દૂગડ, કન્હૈયાલાલ સેઠિયા, માંગીલાલ ચતુર્વેદી, મનોહર શર્મા વગેરે. ગણેશીલાલ વ્યાસ, ‘ઉસ્તાદ’ ભૈરવલાલ, માણિક્યલાલ વર્મા, સુમનેશ જોશી તથા જયનારાયણ વ્યાસ જેવા કવિઓ–કાર્યકર્તાઓએ નવી હવા લઈને રાજકીય ચેતના જગાડતી ગેય રચનાઓ આપી છે. મેઘરાજ મુકુલની કવિતા ‘સૈનાણી’ અને ચંદ્રસિંહની ‘બાદળી’ ભાવિ કવિઓ માટે પ્રેરક રહી છે.

સ્વાતંત્ર્યોત્તર કાળમાં સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ અને વિસ્તરતી નવી ચેતનાને લીધે રાજસ્થાની કાવ્ય, કથ્ય, શૈલી, શિલ્પ, કાવ્યસ્વરૂપ, ભાષાપ્રયોગ અને અભિગમમાં ઘણું પરિવર્તન પામ્યું છે. પરંપરાગત રાજસ્થાની કાવ્ય-પ્રબંધ અને મુક્તકની સાથે નવાં કાવ્યસ્વરૂપો અંગ્રેજી, હિંદી તથા અન્ય અસરો હેઠળ આવ્યાં છે  સૉનેટથી હાઈકુ સુધીનાં. એવી જ રીતે રાષ્ટ્રીયતા, સમાજવાદ, માર્કસવાદ, પ્રયોગવાદ, છાયાવાદી અને મનોવિશ્લેષણવાદી ચિત્રણ – એ બધાંની અસર આધુનિક કાવ્ય પર વરતાય છે. પરંપરા અને પરિવર્તનશીલતા બંને પ્રવાહ જોવા મળે છે. કથનપ્રધાન કાવ્યોમાં મહદંશે પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક, દંતકથાત્મક વિષયવસ્તુની જે તે કવિની પોતાની વિચારસરણીના અનુસંધાનમાં નૂતન પ્રયોગોની રીતે અભિવ્યક્તિ થઈ છે. ‘રામદૂત’ (શ્રીમંતકુમાર વ્યાસ), ‘રામકથા’ (વિશ્વનાથ ‘વિમલેશ’), ‘લંકાણ ધણી’ (નાનુરામ સંસ્કર્તા) – પ્રત્યેકમાં રામકથા પોતાની રીતે નવસંસ્કરણ સાથે પ્રસ્તુત થઈ છે. મનોહર શર્મા નવા ઉપક્રમ દાખવે છે. ‘મેઘદૂત’ના આદર્શ પર રચાયેલ ‘કૂંજા’ વિયોગી પ્રેમીઓની ગાથા છે, તો ભ્રમરગીતની પરંપરાના કાવ્ય ‘ગોપીગીત’માં નિર્ગુણ અને સગુણ ભક્તિ તથા પ્રણયની વિશુદ્ધિનું આલેખન છે. ‘ઢોલામારુ’ની પ્રેમકથાને રૂપકકથા તરીકે ‘મારવાણી’માં રજૂ કરી છે અને તેમાં ઢોલા, મારુ અને માલવણીને અનુક્રમે ‘જીવ’, ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ તરીકે વર્ણવ્યાં છે. ‘અમરફળ’ અને ‘અંતર્યામી’ અનુક્રમે ‘કઠ’ અને ‘કેન’ ઉપનિષદો પર આધારિત છે. પરંપરાગત કથ્યને નવોન્વેષ આપવામાં તેમની વિશેષતા રહી છે. ગિરધારીસિંહ પરિહાર (‘માનરવો’ મહાભારત પ્રસંગ), સત્યપ્રકાશ જોશી (‘રાધા’, ‘બોલ ભારમલી’), નારણસિંહ ભાટી (‘મીરાં’, ‘દુર્ગાદાસ’, ‘પરમવીર’), કાન્હ મહર્ષિ (‘મરુ મયંક’, શ્રીરામદેવચરિત), બનવારીલાલ મિશ્ર ‘સુમન’ (‘દેળ્યાં કો દિવલો’, રાણા પ્રતાપ); સત્યનારાયણ ‘અમન’ (‘સીસદાન’ : જગદેવ પંવારની કુરબાની), રઘુરાજસિંહ હાડા (‘હરદૌલ’), મહાવીરપ્રસાદ જોષી (‘બ્રિંદાબન’), રામસિંહ સોલંકી (‘જનનાયક પ્રતાપ’, રણવીરસિંહ ‘રસિક’ – ‘પ્રતાપ પતાકા’ વગેરે) વગેરે ઉલ્લેખનીય છે. પ્રયોગની ર્દષ્ટિએ પ્રેમજી – ‘પ્રેમ’નું ‘સૂરજ’, કવિ સૂર્ય્યમલ્લ મિશ્રણના વીર ભાવોને વાચા આપતું અને કલ્યાણ ગૌતમનું ‘પિવ બાંધવ રૈ ભેખ’ લોકકથાની બાંધણીવાળું કાવ્ય છે, જેમાં એક યુવાન રાજપૂત પતિની હૃદયસ્પર્શી કથા છે. પોતાની પત્નીને તેડી લાવવા તે શાહુકાર પાસેથી કરજ લે છે અને બાંયધરી આપે છે કે તે જ્યાં સુધી આ ઉછીની રકમ પરત નહિ કરે ત્યાં સુધી તે પોતાની પત્નીને બહેન જેવી ગણશે. વચન પ્રત્યે વફાદાર આ તરુણ દંપતીની વ્યથા-કથા નવા અભિગમ સાથે અહીં ચિત્રિત કરાઈ છે. અન્ય નોંધપાત્ર રચનાઓ છે : ‘જાગતી જોતાં’ (ગિરધારીસિંહ), ‘અરાવલી કી આત્મા’ (મનોહર શર્મા), ‘જૂની વાર્તા’ (સૂરજ સોલંકી) અને ‘મરૂ મીંઝર’ (દયાશંકર આર્ય). ત્રિલોક ગોયલ, મેઘરાજ ‘મુકુલ’, સત્યેન જોશી, ગજાનન વર્મા, રેંવતદાન ચારણ, વ્રજેશ ‘ચંચલ’, ગંગારામ ‘પથિક’, રામપાલી ભાટી વગેરે પણ ઉલ્લેખનીય છે. પલટાતી સામાજિક પરિસ્થિતિ અને વિચારણા પ્રમાણે હાસ્ય, વ્યંગ્ય, વિનોદમાં પણ અસરકારક પ્રયોગો થયા છે. વિશ્વનાથ ‘વિમલેશ’, નાગરાજ શર્મા, સત્યનારાયણ ‘અમન’, બુદ્ધિપ્રકાશ પારિક વગેરેની રચનાઓ પ્રભાવક છે. અન્નારામ સુદામા, ‘પિરોળમાં કુત્તી બ્યાઈ’માં ખાસ કરીને શહેરોમાં ભૌતિકવાદી વિચારસરણીને કારણે ભ્રષ્ટ અને વિકૃત બનતા જીવનનું નિરૂપણ છે. પ્રગતિવાદી વિચારધારા રેવતદાન ચારણ, પ્રેમચંદ રાવળ, મનુજ દેપાવત, ત્રિલોક શર્મા, ભીમ પંડ્યા, હણૂંત સિંહ દેવડા, કિશોર કલ્પનાકાન્ત, માણક તિવારી, ભંવરસિંહ સામૌર, વેદ વ્યાસ, ગૌરીશંકર કમલેશ વગેરે કવિઓની રચનાઓમાં પ્રગટ થયા છે. અમેરિકી, અંગ્રેજી અને હિંદીની નવી નવ્ય કવિતાથી પ્રભાવિત અછાંદસ કાવ્ય તથા નૂતન શિલ્પવિધાનનું સર્જન તેજસિંહ જોધા, હરમન ચૌહાણ, મણિ મધુકર, રામેશ્વર દયાલ શ્રીમાળી, ગોવર્ધન શર્મા, સાંવર દૈયા, નંદ ભારદ્વાજ, પારસ અરોડા, ચંદ્રપ્રકાશ દેવલ, શિવરાજ છંગાણી જેવા કવિઓએ કર્યું છે.

પ્રાચીનતા, સાતત્ય, વૈવિધ્ય, વિસ્તાર અને સૌંદર્યની દૃષ્ટિએ રાજસ્થાની ગદ્ય સાહિત્ય સમૃદ્ધ છે. પંદરમી સદીના પૂર્વાર્ધમાં અનેક ઐતિહાસિક સર્જનાત્મક કૃતિઓ રચાઈ હતી. 1430 અને 1435ની વચ્ચે લખાયેલી ‘અચલદાસ રવીચી રી વચનિકા’ (ગાડણ શિવદાસ) પ્રાસયુક્ત રમણીય ગદ્યનું ઉદાહરણ છે. પ્રાચીન ધાર્મિક ગદ્ય ‘બાલાવબોધ’ અને ‘ટબ્બા’ રૂપે (જૈન) તથા ‘વાત’ તરીકે મળે છે. ઐતિહાસિક ગદ્યમાં ‘વંશાવળી’, ‘પિઢિયાવલી’, ‘ખ્યાત’, ‘વાત’, ‘વિગત’, ‘હકીગત’, ‘હાલ’, ‘વચનિકા’ અને ‘દવાવૈત’ ઉપલબ્ધ છે. ‘વચનિકા’ અને ‘દ્વાવૈત’માં કડીઓ તથા પ્રાસયુક્ત ગદ્યખંડો હોય છે. ‘વચનિકા’ રાઠોડ રતનસિંહજી મહેસદા સૌત રી’ (ખિડિયા જગ્ગા), ‘માતાજી રી વચનિકા’ (જયચંદ જતી), ‘દવાવૈત નરસિંહદાસ ગૌડકી’ (માભીદાસ ભાટ) અને ‘મહારાજા અજિતસિંહજી કી દવાવૈત’ (દ્વારકાદાસ દધવાડિયા) મુખ્ય રચનાઓ છે. ‘વાત’ કે ‘બાત’ સર્જનાત્મક ક્ષેત્રે ઊંચું સ્થાન ધરાવે છે. ‘વાત’ અમુક ખાસ લઢણથી, મૂળભૂત રૂપે વાર્તા કહેવા માટે જ લખાઈ હોય છે. ‘વાતો’ની પ્રાચીનતા અને તેમનું કર્તૃત્વ અજ્ઞાત જ રહ્યાં છે. આ પરંપરાગત રૂપ અને શૈલીમાં કેટલાક જાણીતા લેખકોએ પણ ‘વાતો’ લખી છે. ‘રાજા ભોજ રી પંદરવી વિદ્યા રી વાત’ (ભવાનીદાસ વ્યાસ), ‘સગુણા સત્ર સાલ રી બાત’ (કૃપારામ વણસૂર) વગેરે. આ ‘વાતો’નું વિષયવસ્તુ છે – શૌર્ય (‘કુંઅર રણમલ રી બાત’), પ્રણય (‘જલાલ બૂબના’) વિનોદ (‘પોપાંબાઈ રી વાત’), નીતિ (‘બંધી બુહારી રી વાત’), ભક્તિ/નિર્વેદ (‘રામ દે તુંવર રી બાત’), અદભુત રસ (‘માંધાતા રી વાત’). મધ્યકાળથી ચાલી આવતી આ ગદ્યપરંપરા ઘણી સમૃદ્ધ છે; પણ આધુનિક ટૂંકી વાર્તા પશ્ચિમની દેન છે. શિવચંદ્ર ભરતિયાની ટૂંકી વાર્તા ‘વિશ્રાંત પ્રવાસી’ સૌપ્રથમ 1904માં કોલકાતાના હિંદી માસિક ‘વૈશ્યોપકારક’માં પ્રગટ થઈ હતી. ગુલાબચંદ નાગૌરી અને શિવનારાયણ તોશનીવાળની વાર્તાઓ પણ ‘માહેશ્વરી’ (અલીગઢ) અને ‘પંચરાજ’ (નાસિક) પત્રિકાઓમાં છપાઈ છે. આરંભિક ત્રણેય વાર્તાલેખકો પ્રવાસી રાજસ્થાની છે એ તથ્યસૂચક છે. રાજસ્થાની ટૂંકી વાર્તાના લેખકો મહદંશે હિંદી, બંગાળી, ગુજરાતી અને મરાઠી ટૂંકી વાર્તાથી પ્રેરિત થયા છે.

સન 1950થી આ ક્ષેત્ર વધુ વિસ્તર્યું, જીવનમૂલ્યો અને દૃષ્ટિકોણમાં પરિવર્તન આવતાં વાર્તામાં પણ વૈવિધ્ય આવ્યું. સુધારાવાદી વાર્તાઓ અમુક સમસ્યાઓનું નિરાકરણ સૂચવે છે. ઉલ્લેખનીય વાર્તાકારોમાં – મુરલીધર વ્યાસ (‘વરસગાંઠ’), મનોહર શર્મા (‘કન્યાદાન’), નાનુરામ સંસ્કર્તા (‘દસદોખ’), નૃસિંહ રાજપુરોહિત (‘રાતવાસો’), અન્નારામ સુદામા (‘આંધઇ નઇ આંખ્યાં’) અને મૂલચંદ ‘પ્રાણેશ’(‘પરદેશી રી ગોરડી’)નો સમાવેશ થાય છે. અન્ય મહત્વના વાર્તાકારોમાં રામેશ્વર દયાળ શ્રીમાળી, વૈજનાથ પંવાર, શ્રીલાલ નથમલ જોશી, રામનિવાસ શર્મા, કિશોર ‘કલ્પનાકાંત’, નંદ ભારદ્વાજ, પ્રેમજી ‘પ્રેમ’, સાંવર દૈયા, કરણીદાન બારહટ, ભંવરલાલ સુથાર, સત્યનારાયણ વ્યાસ, પુરુષોત્તમ છંગાણી, પુષ્પલત્તા કશ્યપ વગેરેને ગણાવી શકાય. આ રચનાકારોની વાર્તાઓમાં સામાજિક જીવન અને વિચારસરણીનાં પરિવર્તનો, કુટુંબજીવન તથા વ્યક્તિગત જીવનનાં વિવિધ પાસાંઓ, શોષિત વર્ગોની અવદશા, દુષ્કાળને કારણે જનજીવનમાં જોવા મળતી યાતનાઓ, સામુદાયિક અને વ્યક્તિપરક મનોભાવો – આ બધાંનું ચિત્રણ કરવામાં આવ્યું છે. યથાર્થવાદ, પ્રગતિવાદ, પ્રયોગવાદ વગેરેનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ ઉપલબ્ધ છે. અનેક વાર્તાકારોએ પ્રતીકાત્મક વાર્તાઓ રચી છે; દા.ત., બદ્રીપ્રસાદ સાકરિયાની ‘બારણૈ નૈ ઝરોખૈ રો કજિયો’, મૂલચંદ ‘પ્રાણેશ’ની ‘દોય કુકરિયા’, શ્રીલાલ નથમલ જોશીની ‘ખેજડી અર બોતી’. ઐતિહાસિક અને અર્ધઐતિહાસિક વાર્તાકારોમાં લક્ષ્મીકુમારી ચૂંડાવત અગ્રણી છે. તેમણે ‘માંઝલ રાત’, ‘મૂમળ’, ‘ગિર ઊંચા, ઊંચા ગઢા’, ‘કૈ રે ચકવા વાત’ અને ‘અમોલક વાતાં’ નામક પુસ્તકો આપ્યાં છે. વાતાવરણનું સજીવ વર્ણન, ચોકસાઈપૂર્વકની રમણીય પદાવલિ, ભાવોની વેગીલી અને બળવાન અભિવ્યક્તિ એમની વાર્તાઓનાં લક્ષણો છે. વ્રજમોહન જાવલિયા અને સત્યનારાયણ વ્યાસે પણ ઐતિહાસિક અને ધાર્મિક પાત્રોને અક્ષરદેહ આપ્યો છે. હાસ્ય-વ્યંગથી ભરપૂર વાર્તાકાર રાયરંજન શર્મા ‘ઢિમાઉ’ આ ક્ષેત્રના મોખરાના કલાકાર છે.

નવલકથા : રાજસ્થાનીમાં સૌપ્રથમ નવલકથા આપવાનો યશ શિવચંદ્ર ભરતિયાના ફાળે જાય છે. 1903માં ‘કનક સુંદર’ નામક આ નવલકથા બે કુટુંબોની કથની દ્વારા સામાજિક દૂષણોને ચર્ચે છે. નારાયણ અગ્રવાલની ‘ચંપા’ વૃદ્ધલગ્નની સમસ્યાને સ્પર્શે છે. બંને સુધારાવાદી નવલકથાઓ પછી 1956માં શ્રીલાલ નથમલ જોશીની ‘આભૈ પટકી’ પ્રગટ થઈ; જેમાં હિંદુ વિધવાજીવન, સામાજિક વહેમો અને અનિષ્ટોનું ચિત્રણ છે. જોશીએ પ્રયોગવાદી અભિગમપ્રેરિત બીજી બે નવલકથાઓ પણ આપી છે. ‘ધોરાં રો ધોરી’માં પ્રખ્યાત ઇટાલિયન વિદ્વાન ડૉ. તેસિતોરીની કથા છે. તે એક સફળ જીવનપરક નવલકથા છે. ‘એક બીનણી દો બિંદ’ ટેનિસનના કથનપ્રધાન કાવ્ય ‘એનોક આર્ડન’નું રૂપાંતર છે. પ્રયોગશીલતાનું બીજું ઉદાહરણ વિજયદાન દેથાની કૃતિઓ છે. વિજયદાન દેથા તેમની નવલ ‘તીડો રાવ’માં લોકકથાને આધુનિક નવલકથાનું રૂપ આપે છે. તેમની અન્ય નવલકથામૂલક કૃતિઓ છે : ‘આઠ રાજકુંવર’, ‘સાંચ રો ભરમ’, ‘માં રૌ બદલૌ’. નૃસિંહ રાજપુરોહિતની નવલકથા ‘ભગવાન મહાવીર’ એક જીવનીપરક નવલ છે. વાસ્તવવાદી ગ્રામીણ જીવનને આલેખતી અન્નારામ સુદામાની ત્રણ રચનાઓ નોંધપાત્ર છે : ‘મઇકતી કાયા મુળકતી ધરતી’માં એક પરિત્યક્તા વૃદ્ધા તેની કરુણ દાસ્તાન રજૂ કરે છે. ‘આંધી અર આસ્થા’માં એક ગરીબ ગ્રામીણ બ્રાહ્મણ કુટુંબની કથા છે. ‘મેવઈ રા રૂંખ’ નામની રાજસ્થાની ગ્રામકથામાં દેશમાં લદાયેલી કટોકટી (જૂન 1975, માર્ચ 1976) દરમિયાન ગ્રામજીવનના ભારે ત્રાસજનક અનુભવોને વાચા મળી છે.

યાદવેન્દ્ર શર્મા ‘ચંદ્રે’ બે નવલકથાઓ લખી છે : ‘હૂં ગોરી કીણ પીવરી’ અને ‘જોગસંજોગ’. પ્રથમ કૃતિમાં કુંભારની વિધવાના જીવનનું અને તેના દિયર સાથેના પુનર્લગ્નનું નિરૂપણ છે. ‘જોગસંજોગ’માં મધ્યમ વર્ગના એક વેપારીના પુત્રની કથા છે, જે સામાજિક બંધનો સામે વિદ્રોહ કરીને એક ખ્રિસ્તી કન્યાને પરણે છે. આ રચનાઓમાં પાત્રોનું માનસશાસ્ત્રીય વિશ્લેષણ પ્રભાવક છે. ‘હૂં ગોરી કીણ પીવરી’ રાજસ્થાની નવલકથા સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે. છત્રપતિસિંહ-રચિત ‘તિરસંકુ’માં ગામમાં વસતા જમીનદારના સ્નાતક પુત્રની કથા છે; જે ગ્રામીણ અને શહેરી જીવન, પ્રણય અને રૂઢિચુસ્તતા, સુધારાવાદી અભિગમ અને સંકીર્ણ સ્વાર્થપરકતાના સંઘર્ષમાં રહેંસાતાં ત્રિશંકુ બની રહે છે. સીતારામ મહર્ષિની બે નવલો ‘કુણ સમઝૈ ચંવરી રા કૌબ’ અને ‘લાલડી એક ફેરૂં ગમગી’ લગ્નનાં કજોડાં વિશે છે.

સત્યેન જોશીની ‘કંવલપૂજા’ જેસલમેરના ઇતિહાસને લગતી કથા છે. તેમાં રાવ વિજયરાવ અને મહમૂદ ગજની વચ્ચેના યુદ્ધનો ચિતાર છે. રામનિવાસ શર્માની ‘કાલભૈરવી’ સોળમી સદીની ભૂમિકામાં તાંત્રિક પદ્ધતિને સ્પર્શે છે. રામદત્ત સાંકૃત્ય-કૃત ‘આભલ દે’માં ઇતિહાસ અને આંચલિકતાનો સુમેળ છે.

લઘુનવલ : ‘ખૂલતી ગાંઠો’ નામક લઘુનવલ ઉલ્લેખનીય છે. પારસ અરોડાએ તેમાં તરુણ-તરુણીઓની વાત ગૂંથી છે અને આંતરજ્ઞાતીય લગ્નની હિમાયત કરી છે. કેટલીક નવલો ‘હરાવલ’, ‘ઓળમો’, ‘ભાડેસર’ જેવાં સામયિકોમાં ખંડ કે પૂર્ણ રૂપે પ્રગટ થઈ છે; જેમ કે દીનદયાલ કુંદનની ‘ગુંવારપાઢો’, કિશોર કલ્પનાકાન્તની ‘ધાડવી’, લક્ષ્મીનિવાસ બિડલાની ‘પદમ રો સરાપ’.

રાજસ્થાનનું લોકસાહિત્ય એટલું સમૃદ્ધ, વૈવિધ્યસભર અને જીવંત છે કે એને ન્યાય આપવા માટે બૃહત્કાય ગ્રંથ જોઈએ. લોકસાહિત્યના ક્ષેત્રે ગીત, ગાથા, કથા, નાટ્ય અને સુભાષિત – એ બધાં જ અંગો પ્રબળ છે. લોકગીતો સમાજનાં વિવિધ વર્ણો, રીત-રિવાજો, ભક્તિભાવના, સામાજિક-ધાર્મિક પ્રસંગોને અનુરૂપ બહુવિધ હોય છે. સંતો-ભક્તોના નામે પ્રચલિત હરજસ તેમજ જાગરણ-ગીતો વિપુલ છે. ભોજાગાથાઓ પણ વૈવિધ્યપૂર્ણ છે. વીરગાથાઓમાં ‘પાબૂજી રા પવાડા’, ‘તેજાજી’, ‘ગલાનેંગ’, ‘ડૂંગજી જવારજી’ નામક ગેય લોકગાથાઓ કુરબાની અને વીરતાનું ચિત્રણ કરે છે અને ધંધાદારી ગાયકો દ્વારા તે પ્રસ્તુત થાય છે. એવી જ રીતે કૌતુકરંગી ગાથા ‘બગડાવત’માં 24 બગડાવત ભાઈઓની યુદ્ધગાથા છે, જે ‘જૈમતી’ નામની રાણી નિમિત્તે રચાઈ છે. ‘નિહાલદે સુલતાન’ એક પ્રણયરંગી ગાથા છે. પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોને લઈને પ્રચલિત અનેક ગેય લોકગાથાઓ છે. અનેક તો બૃહદાકાર છે. લોકગાથાઓએ પ્રદર્શનધર્મી કલાઓનું સ્વરૂપ પણ લઈ લીધું છે. ‘ગોગાજી’, ‘રામદેવજી’, ‘હડબૂજી’, ‘મલ્લિનાથજી’ તથા અન્ય લોકદેવતાઓની ગેય ગાથાઓ ગવાય છે અને પશ્ચાદભૂમિમાં ચિત્રિત પટ હોય છે.

નાટક : રાજસ્થાની ભાષામાં નાટકનું પ્રાચીન સ્વરૂપ ખ્યાલ, તમાશા, રામત, રાસ, ચર્ચરી, ભવાઈ, નૌટંકી વગેરે લોકનાટ્યો રૂપે ઉપલબ્ધ છે. રાજસ્થાનમાં 42 પ્રકારની લોકધર્મી પ્રદર્શનકલાઓનું પ્રચલન રહ્યું છે, જેમાં લોકનાટ્યસ્વરૂપ ‘ખ્યાલ’ અતિ લોકપ્રિય હતું. ખ્યાલોનું નામકરણ સ્થાનવિશેષના આધારે થયું છે; જેમ કે, ‘કુચામણી ખ્યાલ’, ‘શેખાવટી ખ્યાલ’ અને ‘કિશનગઢી ખ્યાલ’ વગેરે. અનેક રચનાકાર પોતાની ‘ખ્યાલ’ નામક રચનાઓ માટે જાણીતા છે; જેમ કે, લછીરામ (‘કુવાયણી ખ્યાલ’), બંસીધર શર્મા (‘કિશનગઢી ખ્યાલ’) અને પ્રહલાદીરામ પુરોહિત (‘શેખાવટી ખ્યાલ’). આ લેખકોની ઘણી રચનાઓ પ્રકાશિત છે. અન્ય અનેક લેખકોની પણ આ પ્રકારની કૃતિઓ ઉપલબ્ધ છે; જેમ કે, જગન્નાથ ઉપાધ્યાયરચિત ‘ખ્યાલ રિશ્વત રાણી કો’. આવી અસંખ્ય રચનાઓને માત્ર પરિચય માટે આપણે વિષયના સંદર્ભમાં જોઈએ.

ધાર્મિક : ‘ખ્યાલ પુરન ભગત કો’, ‘ખ્યાલ મીરાં મંગલ કો’, ‘ખ્યાલ નરસી મેતા કો’.

પૌરાણિક ને રોમાન્સયુક્ત : ‘ખ્યાલ નલદમયંતી કો’, ‘ખ્યાલ ક્રિસણ રુક્મણી કો’, ‘ખ્યાલ ડિંગ ઉરબસી કો’.

શુદ્ધ રોમાન્સ : ‘ખ્યાલ નિહાલ દે સુલતાન કો’, ‘ખ્યાલ ઢોલા-મારુ કો’, ‘ખ્યાલ વિક્રમ નાગબન્ની કો’.

ઐતિહાસિક : ‘ખ્યાલ રાવ ચન્દ્રસેન કો’, ‘ખ્યાલ  રિડમલ સોઢી કો’, ‘ખ્યાલ ખેમસિંહ આભલદે કો’.

વીરપૂજા : ‘ખ્યાલ તેજાજી કો’, ‘ખ્યાલ પાબૂજી રાઠૌડ કો’, ‘ખ્યાલ ચૌહાણ કો’.

શુદ્ધ મનોરંજન : ‘ખ્યાલ ચાર ભંગેડી કો’, ‘ખ્યાલ નૌટંકી સાહજાદા કો’, ‘ખ્યાલ બુલિયા ભટિયાર કો’.

આદર્શવાદી : ‘ખ્યાલ સત્ હરિચંદ કો’, ‘ખ્યાલ રાજા મોરધજ કો’, ‘ખ્યાલ રાજા બલિ કો’.

સુધારાવાદી : ‘ખ્યાલ રિશ્વતરાણી કો’, ‘ખ્યાલ બેટી બેચા કો’, ‘ખ્યાલ ચોરબાજારી કો’.

આ લોકનાટ્યસ્વરૂપનો પ્રભાવ ઘણો રહ્યો છે. સાહિત્યિક દૃષ્ટિએ 1900માં પ્રકાશિત શિવચંદ્ર ભરતિયાનું ‘કેસર વિલાસ’ પ્રથમ નાટક છે. તેમનાં ‘ફાટકા જંજાલ’, ‘બુઢાપા કી સગાઈ’ નામક અન્ય નાટકો છે. તેમણે ‘સંગીત માનકુંવર નાટક’ ગેય સ્વરૂપે આપ્યું છે. આ બધાં જ સુધારક અભિગમથી પ્રેરિત બોધપ્રદ નાટકો છે. આ જ પરંપરામાં ભગવતીપ્રસાદ દારુકાનાં ‘બાલવિવાહ નાટક’, ‘વૃદ્ધવિવાહ નાટક’ અને ‘સીઠના સુધાર નાટક’; ગુલાબચંદ નાગૌરીનું ‘મારવાડી મૌસર ઓર સગાઈ જંજાલ’; બાલકૃષ્ણ લાહોટીનું ‘કન્યાવિક્રી’; જગન્નાથ ઉપાધ્યાયનું ‘બૂઢા બનડા રો બ્યાવ’ તથા નારાયણદાસ અગ્રવાલનાં ‘બાલ બ્યાવ કો ફાર્સ’, ‘વિદ્યા ઉદય’ અને ‘અકલ બડી કૈ ભૈંસ’ વગેરે નાટકોનો સમાવેશ થાય છે. મનમોહન સિદ્ધનું ‘જયપુર કી જયોણાર’ અને જમનાપ્રસાદ પચોરિયાનું ‘નઈ બીનણી’ મંચીય દૃષ્ટિએ લોકપ્રિય બન્યાં હતાં. ભરત વ્યાસની ‘ઢોલા મારવણ’ અને ‘રંગીલો મારવાડી’ (રામૂચનણા) સફળ રંગમંચીય કૃતિઓ છે. નારાયણદાસ અગ્રવાલનાં ‘મહાભારત કો શ્રીગણેશ’ અને ‘મહારાણા પ્રતાપ’ પૌરાણિક અને ઐતિહાસિક નાટકો છે. ગિરધારીલાલ શાસ્ત્રીનું ‘પ્રણવીર પ્રતાપ’ અને આગ્યાચંદ ભંડારીનું ‘પન્ના ધાય’ પણ ઐતિહાસિક નાટકો છે. યાદવેન્દ્ર શર્મા ‘ચંદ્ર’નું ‘તાસ રો ઘર’ આધુનિક નગરજીવનની જટિલતાઓને પ્રગટ કરે છે. બદ્રીપ્રસાદ પંચોલીનું ‘પાણી પેલી પાળ’ મહાભારતકાલીન વસ્તુ પર આધારિત કૃતિ છે. તે સિવાય પં. ઇન્દ્રરચિત ‘ચૂનડી’, ફૂલચંદ ડાંગાયચનું ‘બિકાઉ ટોરડા’ અને સત્યનારાયણ પ્રભાકરનું ‘ગુવાડ રી જાયેડી’ ઉલ્લેખનીય નાટકો છે. લેખકોએ ઘણી વાર સંવાદોમાં પોતાની સ્થાનિક બોલીનો પણ ઉપયોગ કર્યો છે; જેમ કે, ગિરધારીલાલે મેવાડી અને બદ્રીપ્રસાદે હાડૌતીનો.

‘વૈશ્યોપકારક’ નામના કોલકાતાના હિંદી માસિકમાં 1904માં ‘કનકસુંદર’ શીર્ષક હેઠળ કેટલાક સંવાદો પ્રગટ થયા હતા. 1905માં માધવપ્રસાદ મિશ્રે ‘બડા બાજાર’ નામક સંવાદ પ્રગટ કર્યો. આ સંવાદ બે દૃશ્યોમાં વિભાજિત છે; છતાં એકાંકી નાટકની બહુ નજીક છે. શોભાચંદ જમ્મડ, શ્રીનાથ મોદી, ગોવિંદલાલ માથુર, નારાયણદત્ત શ્રીમાલી, શ્રીમંતકુમાર વ્યાસ, શ્રીલાલ નથમલ જોશી, સુરેન્દ્ર ‘અંચલ’, નિરંજનનાથ આચાર્ય, આગ્યાચંદ ભંડારી, કન્હૈયાલાલ દૂગડ, લક્ષ્મીકુમારી ચૂંડાવત, નાગરાજ શર્મા, ગણપતિચંદ્ર ભંડારી, રાવત સારસ્વત, વિનોદ સોમાની ‘હંસ’, રામનિરંજન શર્મા વગેરે લેખકો એકાંકીના ક્ષેત્રે સક્રિય રહ્યા છે. રાજસ્થાની એકાંકીઓમાં સમાજસુધારણા, રાષ્ટ્રપ્રેમ, ઐતિહાસિક ગરિમા અને વર્તમાન સંકુલ જીવનને વાચા આપવામાં આવી છે.

રાજસ્થાની ગદ્યમાં રેખાચિત્રો અને સંસ્મરણો પણ સરસ લખાયાં છે. મુરલીધર વ્યાસ આ ક્ષેત્રે અગ્રણી છે. ‘જૂનાં જીવતાં ચિતરામ’માં એવા કસબીઓનાં રેખાચિત્રો છે, જેઓ આજ સુધી આપણા દૈનિક જીવન સાથે વણાઈ ગયેલાં હતાં. શ્રીલાલ નથમલ જોશીના રેખાચિત્રોના સંગ્રહ ‘સબડકા’માંનાં મોટાભાગનાં રેખાચિત્રો હાસ્યપ્રધાન અને પ્રયોગધર્મી છે. ‘બડ રો પેડ’માં વડલો પોતાનાં સ્મરણો રજૂ કરે છે. શિવરાજ છંગાણી-રચિત ‘ઓળખાણ’ અને ‘ઉણિયારા’ તથા કુંજવિહારી શર્માના ‘બાતાં હી ચાલૈ’ મનોહર રચનાઓ છે. વ્રજનારાયણ પુરોહિતે ‘અટારવાં’ અને ‘વકીલ સાહબ’માં રસદાર રેખાચિત્રો અને સંસ્મરણો આપ્યાં છે. અન્નારામ સુદામાનું ‘દૂર દિસાવર’ પ્રવાસચિત્રણ છે જેમાં લેખકે નિરાળી શૈલીમાં સંસ્મરણો આલેખ્યાં છે. દાઉદયાલ જોશી, મનોહર શર્મા, નેમનારાયણ જોશી, ઓંકાર પારીક, મોહનલાલ પુરોહિત, ભંવરલાલ નાહટા, દીનાનાથ ખત્રી અને ભગવાનદાસ ગોસ્વામી જેવા લેખકો પણ આ ક્ષેત્રે ઉલ્લેખનીય છે.

રાજસ્થાનીમાં ગદ્યકાવ્યો ઓછાં લખાયાં છે. 1946માં ચંદ્રસિંહે સૌપ્રથમ 9 ગદ્યકાવ્યો પ્રકાશિત કર્યાં હર્તાં. આ પ્રકારના અન્ય લેખકોમાં લક્ષ્મીકુમારી ચૂંડાવત (‘માતભોમ’), વૈજનાથ પંવાર, મનોહર શર્મા, વિદ્યાધર શર્મા અને વ્રજલાલ બિયાણીને ગણાવી શકાય. કન્હૈયાલાલ સેઠિયાનું પ્રદાન ‘ગલગચિયા’ અને ગોવિંદ અગ્રવાલનાં ‘નુકતી દાણાં’ પ્રશંસનીય છે. લેખકોની ભાવતરલતા અને ભાષાકૌશલ મહત્વપૂર્ણ છે.

દીનદયાલ ઓઝાએ મહદંશે બાળકો માટે અર્વાચીન ભારતના અનેક રાષ્ટ્રનેતાઓની ટૂંકી જીવનકથાઓ ‘દેશ રા ગૌરવ’, ‘ભારત રા નિર્માતા’, ‘છોટી ઉમર મોટા કામ’માં વણી લીધી છે. વળી એમાં સ્વામી દયાનંદ સરસ્વતી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહનરાય, લોકમાન્ય તિળક, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, લાલા લજપતરાય, જવાહરલાલ નહેરુ, સી. આર. દાસ અને સુભાષચંદ્ર બોઝ વગેરે રાષ્ટ્રીય નેતાઓનાં જીવનચરિત્રોનો પણ સમાવેશ થાય છે. શ્રીલાલ નથમલ જોશીરચિત ‘આપણા બાપુજી’, શાંતા ભાનાવતરચિત ‘મહાવીર રી ઓળખાણ’ નામક જીવનચરિત્રો વસ્તુનિષ્ઠ છે.

નિબંધ અને અન્ય ગદ્યસ્વરૂપોના ક્ષેત્રે ઘણું ઓછું ખેડાણ થયું છે. જે કંઈ નિબંધો મળે છે તે પણ મહદંશે વર્ણનાત્મક છે. લલિત નિબંધકાર તરીકે વ્રજલાલ બિદાણી, ગિરિરાજ ભંવર નોંધપાત્ર છે. કૃષ્ણ ગોપાળ શર્માએ આત્મલક્ષી નિબંધો લખ્યા છે. કાવેરી કાન્તના ‘માંદગી સૂં ફાયદા’, ધનુર્ધારીના ‘બસ મ્હાને સ્વરાજ હોણો’ અને મનોહર શર્માના ‘રો હિ ડૈ રા ફૂલ’માં કટાક્ષ અને વિનોદમય નિબંધોનું આલેખન જોવા મળે છે. અન્ય મહત્વના નિબંધકારોમાં લક્ષ્મીકુમારી ચૂંડાવત, શ્રીલાલ નથમલ જોશી, રાવત સારસ્વત વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

અનેક આધુનિક લેખકોએ પ્રસ્તાવના, અવલોકનો અને વિવેચનાત્મક નોંધો લખ્યાં છે. આ ક્ષેત્રે નરોત્તમ સ્વામી, અગરચંદ નાહટા અને મનોહર શર્માને અગ્રણી ગણી શકાય. ત્યારબાદ રાવત સારસ્વત, ગોવર્ધન શર્મા, કિશોર કલ્પનાકાન્ત, ચન્દ્રદાન ચારણ, શ્રીલાલ મિશ્ર વગેરેનો ઉલ્લેખ કરી શકાય. સૈદ્ધાંતિક સાહિત્યશાસ્ત્ર અને વિવેચનક્ષેત્રે પ્રમાણમાં ઓછી ઉપલબ્ધિ છે.

ગોવર્ધન શર્મા, બળદેવભાઈ કનીજિયા