રાજસ્થાનનો વાગડ પ્રદેશ : પશ્ચિમ-મધ્ય રાજસ્થાનમાં આવેલો રણ સમો શુષ્ક પ્રદેશ. ‘વાગડ’ શબ્દ ‘સ્ટેપ’ (steppe) પ્રદેશનો અર્થ સૂચવે છે. તેનો કુલ વિસ્તાર 1,42,000 ચોકિમી. જેટલો છે. આ પ્રદેશ પાલી, સિકાર, ઝુનઝુનુ અને ગંગાનગર જિલ્લાઓના પશ્ચિમ ભાગો તથા બાડમેર, જોધપુર, નાગૌર અને ચુરુ જિલ્લાઓના પૂર્વ તરફના ભાગોને આવરી લે છે. પ્રાચીન સમયમાં આ પ્રદેશ પર ક્રમશ: મૌર્ય, ગુપ્ત અને ગુર્જર પ્રતિહારોનું શાસન રહેલું, પછીથી રાજપૂત વંશ અને મુઘલોનું શાસન પ્રવર્તેલું.

જોધપુર નજીક આ પ્રદેશનું ભૂપૃષ્ઠ વિંધ્ય રચનાને સમકક્ષ ખડકોથી બનેલું છે. ત્યાંથી દક્ષિણમાં મલાની રહાયોલાઇટ જ્વાળામુખી ખડકો અને જાલોર-સિવાના ગ્રૅનાઇટ ખડકો છે. તેનો પ્રાદેશિક ઢોળાવ ઈશાનમાં અરવલ્લી હારમાળા તરફથી લૂણી નદી તરફનો છે. ત્યાં કેટલીક વિવૃતિઓ રેતાળ આવરણથી ઉપર તરફ જોવા મળે છે. પવનોના ઘસારાની અસર આ વિવૃતિઓ પર થયેલી નજરે પડે છે. આ ઉપરાંત આ વાગડ-વિસ્તારમાં કોતરોની રચના પણ થયેલી છે.

આ પ્રદેશનો ઘણોખરો ભાગ કાંટાળાં ઝાંખરાં, બાવળ અને તાડનાં વૃક્ષોથી છવાયેલો છે. લૂણી અહીંની એકમાત્ર મોટી નદી છે. અંતરિયાળ ભાગોમાંનો જળપરિવાહ ડિડવાણા, કુચમાન, દેગાના અને સાંભર જેવાં ઘણાં ક્ષારીય સરોવરોથી બનેલો છે. આ શુષ્ક પ્રદેશની જમીનો દ્રાવ્ય ક્ષારોનું ઊંચું પ્રમાણ ધરાવે છે. અહીંનાં પશુઓમાં ઢોર, ઘેટાંબકરાં અને ઊંટનો સમાવેશ થાય છે. ખેતી અને પશુપાલન અહીંના લોકોના મુખ્ય વ્યવસાયો છે. ધાન્ય, કપાસ, તેલીબિયાં, શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ પ્રદેશમાં અવારનવાર દુકાળની પરિસ્થિતિ પ્રવર્તે છે, તેમજ તીડોનાં ટોળાં ઊમટી આવે છે. ખનિજદૃષ્ટિએ સમૃદ્ધ ગણાતા આ પ્રદેશમાં આરસપહાણ, મીઠું, ચિરોડી, ચાંદી અને ફેલ્સ્પારનું ખનન કરવામાં આવે છે. સાંભર સરોવર ખાતે ગંધકનો એકમ આવેલો છે. ધાબળા, ઊની કાપડ, ખાંડ, સિમેન્ટ, જંતુનાશક દવાઓ, રંગદ્રવ્ય જેવી પેદાશોનું અહીં ઉત્પાદન લેવાય છે. જોધપુર, ગંગાનગર, ચુરુ અને ઝુનઝુનુ આ વિસ્તારમાં આવેલાં મુખ્ય શહેરો છે.

ગિરીશભાઈ પંડ્યા