રાજસૂય યજ્ઞ : વેદમાં રાજા માટે કહેલો યજ્ઞ. રાજસૂય યજ્ઞના નિર્દેશો સંહિતાઓમાં મળે છે. સૂત્ર-સાહિત્યમાં તેનો વિસ્તાર છે, પરંતુ બ્રાહ્મણ-ગ્રંથોએ તેનાં લક્ષણો નિશ્ચિત કરી આપ્યાં છે. વિશેષત: શતપથ બ્રાહ્મણ, પૂર્વમીમાંસા પરના ભાષ્યમાં (441) શબરે આની વ્યાખ્યા બે રીતે આપી છે : (1) राजा तत्र सूयते तस्माद राजसूयः। આ યજ્ઞ સોમ સંસ્થાનો યજ્ઞ છે. આમાં સોમને નિષ્પન્ન કરવામાં આવે છે. राजाનો અર્થ અહીં સોમ છે. (2) राज्ञः यज्ञः राजसूयः। આ રાજાઓનો યજ્ઞ છે. આ યજ્ઞ માત્ર ક્ષત્રિયો દ્વારા જ થાય છે. શતપથ બ્રાહ્મણ(9348)માં નોંધ છે કે ક્ષત્રિય આ યજ્ઞ કરવાથી રાજા બને છે. ખરેખર તો આ યજ્ઞ માત્ર સોમયજ્ઞ નથી; પરંતુ પૃથક્ પૃથક અનેક યજ્ઞો આમાં સંપાદિત છે. ચાર પુરોહિતોની ઉપસ્થિતિમાં સપત્નીક યજમાન રાજા વડે આ યજ્ઞ થાય છે. ફાગણ સુદ એકમે તેની શરૂઆત થાય છે. તે 33 મહિના સુધી ચાલે છે. જટિલ અને દીર્ઘકાલીન આ યજ્ઞપ્રક્રિયામાં મુખ્ય કૃત્ય ‘અભિષેચનીય’ છે. તેમાં પુરોહિત 17 પાત્રોમાં 17 પ્રકારનાં જળ લાવે છે. તેનાથી યજમાનનો અભિષેક થાય છે. હોતા શુન:શેપની કથા કહે છે. તે પૂર્વે દ્યૂતક્રીડા રમાય છે. યજમાન સ્વજનોની સોથી વધુ ગાયો લૂંટવાનો પ્રતીકાત્મક વિધિ કરે છે. આ યજ્ઞ સાથે દાનમહિમા સંકળાયેલો છે. યજમાન જુદે જુદે તબક્કે થઈને કુલ 2,41,000 ગાયો દાનમાં આપે છે; 16 પુરોહિતોને વિશિષ્ટ દક્ષિણા આપે છે; જેમ કે, સોનાનું કડું. યજ્ઞ ચાલે ત્યાં સુધી યજમાને કોઈક ને કોઈક વ્રત રાખવું પડે છે; જેમ કે, વ્યાઘ્રચર્મ પર જ શયન કરવાનું. યજમાન રાજસૂય યજ્ઞ કરે એનો અર્થ એવો થાય છે કે તેનું રાજ્યારોહણ સર્વસંમતિથી નિર્વિરોધપણે થઈ રહ્યું છે. વ્યાસના મહાભારતમાં અને તેને અનુસરી માઘના ‘શિશુપાલવધ’માં રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિરે કરેલો તેનું વર્ણન છે.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા