રાજશ્રી, રાજકુમારી (જ. 5 જૂન 1953, બીકાનેર, રાજસ્થાન) : બીકાનેરના મહારાજા ડૉ. કર્ણસિંહનાં સુપુત્રી. તેમના પિતા મહારાજા ડૉ. કર્ણસિંહ નિશાનબાજી(શૂટિંગ)માં વિશ્વવિખ્યાત ખેલાડી હતા; એટલું જ નહિ, પણ તેમણે પાંચ ઑલિમ્પિક્સમાં નિશાનબાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આ રીતે રાજશ્રી રાજકુમારીનો જન્મ શૂટિંગ-પ્રિય રાજઘરાનામાં થયો હતો અને તેથી જ જ્યારે રાજશ્રી ફક્ત સાત વર્ષની હતી ત્યારથી જ તેની નિશાનબાજીની તાલીમ શરૂ કરી દેવામાં આવી હતી. 10 વર્ષની ઉંમરે તો રાજશ્રીની ગણના સારાં નિશાનબાજોમાં થવા માંડી હતી. 12 વર્ષની ઉંમરે તેમણે ટૅપશૂટિંગની શરૂઆત કરી હતી અને 14 વર્ષની ઉંમરે તો 1967માં જાપાનમાં ટોક્યો મુકામે એશિયાઈ નિશાનબાજીની સ્પર્ધામાં પુરુષોની સાથે ભાગ લઈ બધાંને આશ્ર્ચર્યચકિત કરી નાંખ્યાં હતાં. તેમણે આ સ્પર્ધામાં 500માંથી 352 અંક પ્રાપ્ત કર્યા હતા. એટલી નાની વયે પુરુષો સાથે સ્પર્ધા કરવામાં તેમને કોઈ મુશ્કેલી પડી ન હતી. 1969માં રાજશ્રીએ સિંગાપોર શૂટિંગ-ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1971માં સોલ (Seoul) મુકામે આયોજિત એશિયા શૂટિંગ સ્પર્ધામાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરી કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.
શૂટિંગ (નિશાનબાજી) ક્ષેત્રે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સરસ દેખાવને આધારે 1968માં ભારત સરકારે તેમને અર્જુન ઍવૉર્ડ એનાયત કર્યો હતો. 1961માં તેમના પિતાશ્રીને પણ શૂટિંગમાં અર્જુન ઍવૉર્ડ એનાયત થયો હતો. અને આ રીતે શૂટિંગમાં પિતા તેમજ પુત્રીને અર્જુન ઍવૉર્ડ એનાયત થયો હોય તેવી ભારતીય રમતજગતની આ વિશેષ ઘટના ગણાઈ છે.
પ્રભુદયાલ શર્મા