રાજશ્રી પ્રોડક્શન્સ : ચલચિત્રનું નિર્માણ, વિતરણ અને પ્રદર્શન કરતી સંસ્થા. સ્થાપના રાજશ્રી પિક્ચર્સ પ્રા. લિ. તરીકે 15 ઑગસ્ટ 1947ના દિવસે. સ્થાપક : તારાચંદ બડજાત્યા. 1933માં ચિત્ર-ઉદ્યોગમાં આવીને ભારે સંઘર્ષ કર્યા બાદ પગ જમાવી શકેલા તારાચંદ બડજાત્યાએ ચિત્રના વિતરણ માટે ભારતભરમાં વિસ્તરી શકે એવા ઇરાદાથી રાજશ્રી પિક્ચર્સની સ્થાપના કરી હતી. 1950માં તે રાજશ્રી પ્રોડક્શન્સ પ્રા. લિ. બની ગઈ હતી. એ પછી આ સંસ્થાએ ચિત્રનિર્માણમાં પણ ઝંપલાવી દીધું હતું અને દેશમાં ચલચિત્રોના ગમે તેવા પ્રવાહો વહ્યા પણ તેની પરવા કર્યા વગર ઓછા ખર્ચે, નવા કલાકારોને લઈને હેતુપૂર્ણ, સ્વચ્છ-સામાજિક ચિત્રોનું નિર્માણ કર્યું અને તેમાંનાં ઘણાં ચિત્રો વ્યાવસાયિક રીતે પણ ખૂબ સફળ થયાં. વીસમી સદીના છેલ્લા દાયકામાં આ સંસ્થાએ નિર્માણ કરેલાં બે ચિત્રો ‘મૈંને પ્યાર કિયા’ (1989) અને ‘હમ આપ કે હૈં કૌન’ (1994) વ્યાવસાયિક રીતે એટલાં સફળ થયાં હતાં કે આ પ્રકારનાં પ્રણય અને કૌટુંબિક ચિત્રો બનાવવાનો પ્રવાહ શરૂ થયો હતો. ‘હમ આપ કે હૈં કૌન’ની ગણના તો દેશમાં ચલચિત્રોના ઇતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ સફળ વ્યાવસાયિક દસ ચિત્રોમાં થાય છે.

પ્રારંભે આ સંસ્થાએ માત્ર દક્ષિણની ભાષાઓ તેલુગુ, તમિળ, મલયાળમ વગેરેમાં જ ચિત્રનિર્માણ કર્યું હતું. 1962માં રાજશ્રીએ તેના પ્રથમ હિંદી ચિત્ર ‘આરતી’નું નિર્માણ કર્યું. અશોકકુમાર, મીનાકુમારી અને પ્રદીપકુમાર અભિનીત આ પ્રથમ ચિત્રે જ સંકેત આપી દીધા હતા કે આ સંસ્થા ભવિષ્યમાં કયા પ્રકારનાં ચિત્રો બનાવવાની છે. આ ચિત્ર માત્ર દેશમાં જ નહિ, વિદેશોમાં પણ વખણાયું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ચિત્ર-મહોત્સવોમાં દર્શાવાયું. બીજું ચિત્ર ‘દોસ્તી’ (1964) પણ હિંદી ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની ગયું. એક અંધ અને બીજા પગે અપંગ મિત્રોની દોસ્તીની વાત કરતા આ ચિત્રમાં તદ્દન અજાણ્યા કલાકારો હતા, પણ કર્ણપ્રિય ગીત-સંગીત અને કથાનકની હૃદયસ્પર્શી રજૂઆતથી આ ચિત્રે દેશભરમાં ધૂમ મચાવી હતી. ‘દોસ્તી’ને શ્રેષ્ઠ હિંદી ચિત્રના રાષ્ટ્રીય પારિતોષિક ઉપરાંત શ્રેષ્ઠ ચિત્ર સહિતના છ ‘ફિલ્મફેર’ ઍવૉર્ડ મળ્યા હતા. આ ચિત્રમાં નિરૂપાયેલા માનવતાવાદને મૉસ્કો આંતરરાષ્ટ્રીય ચિત્ર-મહોત્સવ સહિત દુનિયાના ઘણા મહોત્સવોમાં બિરદાવાયો હતો. ‘દોસ્તી’ની સફળતા પછી રાજશ્રીએ ચિત્રનિર્માણનાં તમામ પાસાંમાં નવી પ્રતિભાઓને તક આપવાનું શરૂ કર્યું. એ પછી જે ચિત્રોનું નિર્માણ થયું તેમાં ‘જીવનમૃત્યુ’ (1970), ‘ઉપહાર’ (1971), ‘પિયા કા ઘર’ (1972), ‘સૌદાગર’ (1973), ‘ગીત ગાતા ચલ’ (1975), ‘તપસ્યા’ (1976), ‘ચિત્તચોર’ (1976), ‘દુલ્હન વો હી જો પિયા મન ભાયે’ (1977), ‘અંખિયોં કે ઝરોખોં સે’ (1978), ‘સાવન કો આને દો’ (1979), ‘તરાના’ (1979), ‘નદિયા કે પાર’ (1982), ‘સારાંશ’ (1984) જેવાં સફળ ચિત્રોનો સમાવેશ થાય છે. આ ચિત્રો પૈકી ‘તપસ્યા’ને પણ શ્રેષ્ઠ ચિત્ર માટેનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું. ‘નદિયા કે પાર’ને પણ ભારે વ્યાવસાયિક સફળતા મળી હતી. અનેક છબિઘરોમાં આ ચિત્રે રજતજયંતી ઊજવી હતી. ખ્યાતનામ ચિત્રનિર્માતા રામોજીરાવને આ સંસ્થાએ જ તેમના તેલુગુ ચિત્ર ‘પ્રતિઘટના’ પરથી હિંદી ‘પ્રતિઘાત’ બનાવવામાં મદદ કરી હતી અને દેશભરમાં તેનું વિતરણ કર્યું હતું. આ ચિત્રે પણ વ્યાવસાયિક સફળતા મેળવી હતી. ચિત્ર-ઉદ્યોગમાં નામના ધરાવતા અનેક કલાકારો, સંગીતકારો, દિગ્દર્શકોને અને અન્ય કસબીઓને પહેલી તક રાજશ્રીએ આપી હતી. દેશમાં ટીવી સિરિયલોનું નિર્માણ શરૂ થતાં રાજશ્રીએ આ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું અને ‘પેઇંગ ગેસ્ટ’ સિરિયલ સહિતની કેટલીક સિરિયલો બનાવી હતી.

તારાચંદ બડજાત્યા જ્યારે હયાત હતા ત્યારે જ તેમના પુત્રોએ આ સંસ્થાની વિવિધ જવાબદારી સંભાળી લીધી હતી. એ પછી તો તેમની ત્રીજી પેઢી પણ સક્રિય થઈ ગઈ છે. રાજશ્રીને છેલ્લે બે અતિ સફળ ચિત્રો આપનાર સૂરજ બડજાત્યા ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લે તેમણે રામાયણની કથાનો આદર્શ લઈને ‘હમ સાથ સાથ હૈં’ ચિત્ર બનાવ્યું હતું, જેમાં સંયુક્ત કુટુંબની મહત્તા નિરૂપાઈ હતી. રાજશ્રીએ તેનાં કેટલાંક સફળ ચિત્રોને અન્ય ભારતીય ભાષાઓમાં ડબ કરીને પણ રજૂઆત કરી હતી અને ‘મૈંને પ્યાર કિયા’ને તો અંગ્રેજીમાં ‘વ્હેન લવ કૉલ્સ’ નામે વિદેશોમાં પણ રજૂ કર્યું હતું.

હરસુખ થાનકી