રાજશેખરન્, સી. પી. (જ. 9 સપ્ટેમ્બર 1949, ઉત્તર પેરુર, જિ. એર્નાકુલમ્, કેરળ) : મલયાળમ નાટ્યલેખક. એમ.એ., બી.એડ.ની પદવી મેળવ્યા પછી તેઓ ત્રિસુર ખાતે દૂરદર્શન કેન્દ્રના મદદનીશ કેન્દ્ર-નિર્દેશક તરીકે જોડાયા અને સાથે સાથે લેખનકાર્ય કર્યું. 1991-92 દરમિયાન તેઓ કેરળ સ્ટેટ પ્રોફેશનલ ડ્રામા ઍવૉર્ડ કમિટીના સભ્ય રહ્યા. 1994-95 દરમિયાન તેમણે સ્ટેટ યૂથ ફેસ્ટિવલ ડ્રામા ઍવૉર્ડ કમિટીના તેમજ સંગીત નાટક અકાદમીના સભ્ય તરીકે કામગીરી કરી.

તેમણે 12 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમનાં ‘મુન્નુ વયસન્માર’ (1986); ‘યાત્રાયિલે યાત્રા’ (1987); ‘પ્રતિમાકલ વિક્રતુંદુ’ (1987); ‘સ્ત્રી એન્ના સ્ત્રી’ (1988); ‘ગાંધી મરિચુકોન્દિરિક્કુન્નુ’ (1989); ‘અરુતરુતા’ (1989); ‘જીવિતમ્ સુખમ્’ (1991); ‘એલ્લમ સ્નેહાતિન્તે પેરિલ’ (1993); ‘મંજાક્કિલિયમ મન્નાતિકિલિયમ’ (1994) – આ તમામ નોંધપાત્ર નાટકો છે.

તેમની કૃતિઓ હિંદી તથા તમિળ ભાષામાં અનૂદિત કરાઈ છે. તેમણે સામયિકો માટે કટારલેખક અને વિવેચક તરીકે કામગીરી કરી છે. તેમણે રેડિયો, ટી.વી. અને રંગમંચ માટેનાં નાટકો લખ્યાં અને તેમનું મંચન કર્યું. તેમણે જર્મની, ફ્રાન્સ, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ ખેડ્યો છે.

તેમની નાટ્યકૃતિઓના પ્રદાન અને મંચન બદલ તેમને 1987માં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1991માં કેરળ સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ તથા 1992માં ઉત્તમ દૂરદર્શન પટકથા લખવા માટે કેરળ સ્ટેટ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા