રાજમ કૃષ્ણન્, (શ્રીમતી) કે. મિત્ર (જ. 5 નવેમ્બર 1925, મુસિરી; જિ. ત્રિચિનાપલ્લી, ત્રિવેન્દ્રમ) : તમિળ ભાષાનાં મહિલા-નવલકથાકાર. નાનપણથી જ તેમના પિતાએ તેમની લેખનકુશળતાને પ્રોત્સાહન આપ્યું. હાઈસ્કૂલમાં કેવળ 5 ધોરણનો જ અભ્યાસ કરી શકવા છતાં સ્વયંશિક્ષણ અને ધગશને પરિણામે તેમણે અંગ્રેજી તેમ તમિળ નવલકથાકારોનો ઊંડો અભ્યાસ કર્યો. 1946થી તેમની ટૂંકી વાર્તાઓ અનેક નામી તમિળ સામયિકોમાં પ્રગટ થવા લાગી. તેમની નવલ ‘પેન કુરલ’માં એક પરિણીતાના સંઘર્ષની અને ‘મલારકલ’(1945)માં એક યુવતીના ચેતન-અચેતન માનસપ્રદેશની કથા છે.
પડગાસ નામની પર્વતાળ આદિજાતિનો અભ્યાસ કરીને લખેલી નવલકથા ‘કુરિનચિત્તેન’(‘બી ઑવ્ ધ માઉન્ટન’, 1963)ને કેટલાક વિવેચકોએ અનન્ય કલાકૃતિ તરીકે મૂલવી છે. ઘણી ભારતીય ભાષાઓમાં તેના અનુવાદ થયા છે.
‘ડૉ. રંગાચારી’ (1965) નામની વાસ્તવિક ચરિત્રાત્મક અભ્યાસકૃતિ તમિળ ભાષાની એક ઉત્તમ આત્મકથા ગણાઈ છે. કુંડા હાઇડલ પ્રોજેક્ટ પરના શ્રમિકો, કારીગરો તથા ટેક્નિશિયનોના જીવનના સર્વાંગીણ અભ્યાસ પછી લખાયેલ ‘અમૃતમકી-વરુક’(1966)માં વિષયનાવીન્ય છે. ‘વલૈક્કરમ્’માં પોર્ટુગીઝો સામેની ગોવાની આઝાદીની લડતની પાર્શ્ર્વભૂમિકા છે. અસામાન્ય હિંમત દાખવીને તેમણે ઉત્તર પ્રદેશના ડાકુઓના ગઢ જેવા વિસ્તારોનો પ્રવાસ ખેડી તેમની પ્રખ્યાત નવલકથા ‘મુલ્લમ મેલેરંટટુ’(‘ઈવન એ કૅક્ટસ બ્લૂમ્સ’, 1974)નું સર્જન કરી એ ડાકુઓનાં માનવીય પાસાંનું સુંદર નિરૂપણ કર્યું છે. તમિલનાડુના દક્ષિણ કાંઠાના વિસ્તારો તથા અન્ય ઔદ્યોગિક વિસ્તારોની મુલાકાત લઈ તેમણે ‘અલૈવયક્કરિયિલ’ (1978), ‘કરિપ્પુ માનિકલ’ (1979) તથા ‘કુટ્ટુકુંડચુકલ’ (1980) નામની 3 નવલકથાઓમાં માછીમારો, અગરિયા તથા બાલમજૂરોની વીતકકથા સચોટ અને વાસ્તવિક શૈલીમાં આલેખી છે. રશિયાના પ્રવાસ પછી તેમણે ‘અન્નૈયર પુમી’(1978)માં રશિયન નારીનાં સ્થિતિ તથા દરજ્જાનો મહિમા ગાયો છે.
તેમને મળેલા ઍવૉર્ડ અને પુરસ્કારોમાં ટૂંકી વાર્તા માટે ‘ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન ઇન્ટરનૅશનલ ઍવૉર્ડ’ (1950), કલૈમગલ ઍવૉર્ડ (1953), કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1973), સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ (1975) તથા તમિલનાડુ સરકારના તિરુવીકા ઍવૉર્ડ(1991)નો સમાવેશ થાય છે.
તેમની ટૂંકી વાર્તાઓ તથા નવલકથાઓના વિવિધ ભારતીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનુવાદ થયા છે. ભારતીય પ્રતિનિધિમંડળનાં સભ્ય તરીકે રશિયા(1979)ની અને પ્રાગની મુલાકાત ઉપરાંત ભારતી શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા તેમણે શ્રીલંકાની મુલાકાત (1983) લીધી હતી.
મહેશ ચોકસી