રાજમ્, એન. (જ. 10 માર્ચ 1939, એર્નાકુલમ, કેરળ) : ભારતનાં અગ્રણી વાયોલિનવાદક તથા બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના દૃશ્ય-શ્રાવ્ય કલાવિભાગનાં વડાં. પિતાનું નામ એ. નારાયણ ઐયર અને માતાનું નામ અમ્મની અમ્મલ. પિતા પોતે સારા વાયોલિનવાદક હતા. રાજમ્ ચાર વર્ષનાં હતાં ત્યારથી તેમની વાયોલિન વગાડવાની તકનીક અંગેની તાલીમની શરૂઆત થયેલી. શરૂઆતમાં આ તાલીમ કર્ણાટક સંગીતશૈલી પૂરતી જ મર્યાદિત હતી. માત્ર પાંચ વર્ષની ઉંમરે તો તેઓ વાયોલિન પર ‘વર્ણમ્’ વગાડતાં શીખી ગયાં હતાં. તેઓ રોજ ચારથી પાંચ કલાક સુધી રિયાઝ કરતાં. તેઓ દસ વર્ષનાં હતાં ત્યારથી મદ્રાસ (ચેન્નઈ) આકાશવાણી કેન્દ્ર પરથી એકલ કાર્યક્રમ આપવા લાગ્યાં. વાયોલિન-વાદનની ઉચ્ચ શિક્ષા તેમણે કર્ણાટક સંગીતના અગ્રણી એમ. સુબ્રમણ્ય ઐયર પાસેથી લીધી. આ દરમિયાન મદ્રાસ સંગીત અકાદમી દ્વારા આયોજિત સંગીતસ્પર્ધામાં તેમણે પ્રથમ પારિતોષિક અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યાં. વાયોલિન-વાદનની સાથોસાથ તેમણે બનારસ યુનિવર્સિટીની બી.એ. તથા એમ.એ.ની પરીક્ષાઓ પણ ઉચ્ચ ગુણવત્તા સાથે પસાર કરી. ઉપરાંત, સંગીતના શિક્ષણને વરેલા ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી બી. મ્યુઝ. તથા પ્રયાગ સંગીત સમિતિ દ્વારા લેવાયેલ માસ્ટર ઑવ્ મ્યુઝિકની પરીક્ષાઓ પણ પસાર કરી. આ અરસામાં તેઓ એલ.આર. કેળકર પાસે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લેતાં હતાં. ત્યારબાદ તેઓ ઓમકારનાથ ઠાકુરના પ્રભાવ હેઠળ આવ્યાં અને 1955માં તેમનાં શિષ્યા બન્યાં. 1957માં શ્રીમતી રાજમે ઓમકારનાથ ઠાકુરના આમંત્રણથી તેમના ગાયન સાથે વાયોલિનની સંગત કરી અને ત્યારથી બંને વચ્ચેના ગુરુ-શિષ્ય સંબંધો વધુ ગાઢ બન્યા.
1959માં શ્રીમતી રાજમ્ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં હિંદુસ્તાની સંગીત વિભાગમાં વાયોલિનનાં વ્યાખ્યાતા બન્યાં અને સમયાંતરે ત્યાં તેઓ પ્રોફેસર અને દૃશ્ય-શ્રાવ્ય વિદ્યાશાખાના ડીનના પદ સુધી પહોંચ્યાં. દરમિયાન તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની હિંદુસ્તાની તથા કર્ણાટક શૈલીઓના તુલનાત્મક અધ્યયન દ્વારા પ્રબંધ રજૂ કરી બનારસ હિંદુ યુનિવર્સિટીની ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી.
1960માં આકાશવાણી દ્વારા તેમનો પ્રથમ નૅશનલ પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે અત્યાર સુધી અવારનવાર આકાશવાણી અને દૂરદર્શન પર પોતાની વાદનકલાનો પરિચય આપ્યો છે. પંડિત ઓમકારનાથ ઠાકુર ઉપરાંત તેમણે એમ.એસ. સુબ્બલક્ષ્મી જેવાં દેશનાં અગ્રણી સંગીતકારોની સંગત કરી છે.
શ્રીમતી રાજમનું વાયોલિન-વાદન ગાયકી અંગની વિશેષતા ધરાવે છે અને તેના પર ઓમકારનાથ ઠાકુરની ગાયનશૈલીનો સ્પષ્ટ પ્રભાવ દેખાઈ આવે છે. તેઓ તેમના દરેક એકલ કાર્યક્રમનું સમાપન પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કરે ગાયેલા ભજનથી સામાન્ય રીતે કરે છે.
1956માં તેમને ભારતના રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક, 1967માં સૂરસિંગાર સંસદ દ્વારા ‘સૂરમણિ’ની પદવી, 1976માં ઉત્તર પ્રદેશ સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ તથા ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ની ઉપાધિથી નવાજવામાં આવ્યાં છે.
વારાણસી ખાતે તેમણે ઓમકારનાથ સંગીત પ્રતિષ્ઠાનની સ્થાપના કરી છે, જેનું સંચાલન સ્થાપનાકાળથી તેમને હસ્તક છે.
તેમનાં પુત્રી સંગીતા શંકરની ભારતનાં અગ્રણી વાયોલિન-વાદકોમાં ગણના થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે