રાજમહાલ : ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લામાં (જૂના સાંતાલ પરગણા વિસ્તારમાં) આવેલું ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 02´ ઉ. અ. અને 87° 50´ પૂ. રે.. તે દુમકા જિલ્લામાં ઉત્તર તરફ સાહેબગંજની દક્ષિણે, પશ્ચિમ બંગાળની સરહદ નજીક ઇંગ્લિશ બજારથી પશ્ચિમે તથા ગંગા નદીની પશ્ચિમ તરફ રાજમહાલની ટેકરીઓમાં આવેલું છે. આશરે 547 મીટરની ઊંચાઈ ધરાવતી રાજમહાલની ટેકરીઓ ગંગા નદીથી લગભગ દુમકા સુધી 190 કિમી. લંબાઈમાં ઉત્તર-દક્ષિણ પથરાયેલી છે.
રાજમહાલમાં સૌરિયા પહાડી જાતિના આદિવાસી સાંતાલ લોકો વસે છે. તેઓ મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે. તેમણે અહીંના ખીણ પ્રદેશોની જમીનોને ખેડીને વાવેતરયોગ્ય બનાવી છે. રાજમહાલની આજુબાજુના પ્રદેશમાં ડાંગર, મકાઈ તથા અમુક પ્રમાણમાં શેરડી, ફળો અને બટાટા થાય છે.
અગાઉના વખતમાં આ સ્થળ ગંગા નદી અને તેલિયાગઢ ઘાટ વચ્ચે વ્યૂહાત્મક મહત્વ ધરાવતું હતું; તેથી 1595-96માં બંગાળના મૌર્ય ગવર્નરે આ પ્રદેશનું પાટનગર સ્થાપવા રાજમહાલ પર પસંદગી ઉતારેલી; પરંતુ 1608માં આ સ્થળેથી પાટનગરને ખેસવીને ઢાકા ખાતે લઈ જવાયું; તેમ છતાં તેનું વ્યૂહાત્મક મહત્વ જોતાં 1639થી 1660 સુધી તેનો ફરીથી ઉપયોગ થયો. ઐતિહાસિક મહત્વ ધરાવતી અહીંની ઇમારતોમાં અકબર મસ્જિદ (આશરે ઈ. સ. 1600) તથા બંગાળના નવાબ મીર કાસિમના અઢારમી સદીના મહેલનો સમાવેશ થાય છે. 1991 મુજબ રાજમહાલની વસ્તી આશરે 16,000 જેટલી છે. હવે તેનું કોઈ વ્યૂહાત્મક મહત્વ રહ્યું નથી.
જાહ્નવી ભટ્ટ